________________
હેમચંદ્રઃ કાવ્યહેતુચિંતન-જૈનદાર્શનિક્તા અને અલંકારશાસ્ત્રીય પરંપરા
અજિત ઠાકોર
el: સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં કાવ્ય હેતુ, કાવ્યતત્ત્વો, કાવ્યવ્યાપાર અને કાવ્યની ફલશ્રુતિ (કાવ્યપ્રયોજન)નો અનેક પરિપ્રેક્ષ્યોમાં સૂક્ષ્મ વિચાર થયો છે. કયારેક જૂદી જૂદી દાર્શનિક ભૂમિકા તો કયારેક જૂદી જૂદી કાવ્યશાસ્ત્રીય પરંપરા (કાશ્મીરી પરંપરા, માલવ પરંપરા) એક જ તત્ત્વના વિવિધ પરિપ્રેક્ષ્યો પ્રકટાવે છે. કેટલીકવાર કાવ્યાચાર્ય અમુક તત્ત્વને કાવ્યમાં કેન્દ્રસ્થાને પ્રતિષ્ઠિત કરે છે. પોતાના કાવ્યચિંતનમાં અમુક તત્ત્વનું Foregrounding - અગ્રપ્રસ્તુતિ-કરે છે. આને પરિણામે એના કાવ્યચિંતનમાં વિવિધ કાવ્યતત્ત્વોની, કાવ્યના કેન્દ્રથી માંડી પરિઘ સુધીની, કાવ્યાચાર્યના દર્શનને અભિવ્યક્ત કરતી એક આગવી સંરચના – ગાઠવણી - વિન્યાસ આકાર લે છે. કાવ્યતત્ત્વો વચ્ચેનો તરતમભાવ, એમની વચ્ચેની ચઢતી-ઉતરતી ભાંજણી બદલાય છે. કાવ્યતત્ત્વોના પરસ્પર સંબંધની ભાત પણ બદલાય છે.
કવિપ્રતિભાને હેમચંદ્ર કાવ્યહેતુ માને છે. એ કાવ્યનું ઉદ્ભવ સ્થાન છે, કાવ્યનું આદિબિંદુ છે. કાવ્યનો સમગ્ર વ્યાપાર એમાંથી નિવૃત થાય છે, સંચરિત-સંચાલિત થાય છે. કાવ્યના મૂળમાં રહેલો કવિસ્વભાવ એમાં સ્કુરિત થાય છે. કાવ્યશાસ્ત્રનો આ Dark Area - તમસ પ્રદેશ છે. પ્રતિભા કંઈક રહસ્યમય, તર્કની પકડમાં ન આવે એવો ચેતનાનો અધ:પ્રદેશ છે. એ અધ્યાત્મની સીમામાં પડતો પ્રદેશ છે. આથી જ કદાચ કાવ્યશાસ્ત્રીઓ આ રહસ્યમય પ્રદેશની સમજણ માટે, સમજૂતી માટે દર્શનધર્મશાસ્ત્રો પાસે જાય છે.
પ્રતિભા કાવ્યકૃતિનું બીજ છે. કાવ્યકૃતિની સમગ્ર ચેતનાને સંગોપીને બેઠેલું, સમગ્ર કાવ્યવૃક્ષના ફૂલવા-ફળવાની પ્રક્રિયાનો સાંગોપાંગ નકશો સંગાપીને બેઠેલું બીજ છે. કાવ્યની બધી જ સંભાવનાત્મક શક્તિ એમાં જ નિહિત હોય છે. એ મયૂરઅંડ જેવું હોય છે. જો કે બીજને અંકુરિત થવા, પલ્લવિત થવા, પુષ્પિત થવા અને ફલિત થવા ભમિ, પ્રકાશ, જળ, હવા, ખાતર, નિંદામણ – ગોડામણ જરૂરી છે, તો જ બીજ ફળમાં પરિણમે છે.
૧. જૈન અકાદમી, વડોદરા દ્વારા આયોજિત પરિસંવાદમાં રજૂ કરેલ લેખ.