________________
186
કોકિલા હેમચંદ શાહ
SAMBODHI
(૮) સંવર ભાવના - આમ્રવનાં દ્વાર બંધ કરવાં, તે સંવર. મિથ્યાત્વ આદિ પાંચ બંધનાં કારણોને રોકવા તે જ સંવર છે અને તે સંબંધી ચિંતન કરવું તે સંવરભાવના. વૃત્તિઓને સંયમિત રાખવી એ જ સંવર. અર્થાત વીતરાગતા એ જ સંવર છે. પરિષહજય, ગુપ્તિ, સમિતિ વગેરે સંવરનાં કારણો છે, જે જાણી તે પ્રમાણે આચરણ કરવું-એ આનું પ્રયોજન છે. શુદ્ધ ઉપયોગ એ જ સંવર પ્રગટ કરવાનો ઉપાય છે. સંવર ઉપાદેય છે. નવા કર્મો કેમ ન બંધાય એ વિષેનું ચિંતન કરવું તે સંવરભાવના.
(૯) નિર્જરા ભાવના - પૂર્વકૃત કર્મોને ખપાવવાં તે નિર્જરા. કર્મની નિર્જરાના ઉપાયોનું ચિંતન એટલે નિર્જરા ભાવના. જૈનશાસ્ત્રકારોએ નિર્જરા માટે તપનું આચરણ કરવા કહ્યું છે. અને તપ નિર્જરાનું કારણ છે, પણ જ્ઞાનસાહિતનું તપ-બાહ્ય-અત્યંતર-તપ સુખદુઃખ સમભાવે સહન કરવાથી નિર્જરા થાય છે. તત્ત્વાર્થસૂત્રમાં કહ્યું છે – “ઈચ્છા નિરોધઃ તાઃ” તથા “તપસા નિર્જરા ચ. સવિપાક નિર્જરા સ્વકાળ પ્રાપ્ત છે જે કર્મ સ્થિતિ પૂરી થતાં ઉદય પામી ખરી જાય. તથા - બીજી નિર્જરા તપ વડે થાય છે તે અવિપાક નિર્જરા. તપ વડે કર્મો અપૂર્ણ સ્થિતિએ પણ પરિપક્વ થઈ ખરી જાય છે. જે નિર્જરાનાં કારણો જાણી એ પ્રમાણે આચરણ કરે છે તેનો જન્મ સફળ છે અને છેવટે તેને ઉત્કૃષ્ટ સુખ પ્રાપ્ત થાય છે. દુઃખ કર્મબંધનથી છે અને કર્મોના પૂર્ણ અભાવથી જ પૂર્ણ સુખી થવાશે એમ ચિંતન કરવું તે નિર્જરાભાવના.
(૧૦) લોકસ્વરૂપ ભાવના - કહ્યું છે કે “લોક સ્વરૂપ વિચાર કે આતમ રૂપ નિહાર'. લોક સ્વરૂપની વિચારણા નવી દષ્ટિ પ્રેરે છે; જીવાદિ છ દ્રવ્યોનો સમૂહ તે લોક. છ દ્રવ્યો નિત્ય છે તેથી લોક પણ નિત્ય છે. “લોક' શબ્દનો અર્થ જોવું-દેખાવું એવો થાય છે - જ્યાં બધા દ્રવ્યો જોવામાં આવે છે તે લોક. વિશ્વનું અને દ્રવ્યોનું સ્વરૂપ જે સર્વજ્ઞોએ કહેલ છે તે જાણવું અને તેનું ચિંતન કરવું. દ્રવ્ય-ગુણ પર્યાયના તત્ત્વજ્ઞાનમાં સમગ્ર જૈન આગમોનો સાર આવી જાય છે. પ્રત્યેક દ્રવ્યનું પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ છે – એ જાણી “હું કોણ છું? – વિશ્વમાં મારુ અસ્તિત્વ ક્યાં છે? હું શરીર નથીપુદ્ગલથી ભિન્ન છું – એવો બોધ આ ચિંતન દ્વારા પ્રાપ્ત થાય છે. લોકના પ્રકાર અને વિવિધગતિનું ચિંતન - જીવોમાં પર્યાયની અપેક્ષાએ મનુષ્યપર્યાય, નારકી પર્યાય, તિર્યંચપર્યાય, દેવપર્યાય ઇત્યાદિ ઉત્પાદ-વ્યય ચાલુ રહે છે. પર્યાયનો નાશ એ દ્રવ્યનો નાશ નથી, દ્રવ્ય તો કાયમ જ છે તેવો બોધ થતાં જ મૃત્યુનું દુઃખ, ભય આદિનો નાશ થાય છે તેમ જ ઈહલોક સંબંધી ભય, પરલોકસંબંધી ભય, અરક્ષાભય આદિ નાશ પામે છે. પ્રત્યેક દ્રવ્ય પોતાનું કાર્ય કરે છે પરંતુ અજ્ઞાનવશાત્ જીવ માને છે કે હું મારી ઇચ્છા મુજબ પરદ્રવ્યનું પરિણમન કરું છું. પરંતુ, પરદ્રવ્યનું પરિણમન તે દ્રવ્યના પોતાના કારણે જ થાય છે – આ જાણવાથી કર્તુત્વભાવ દૂર થાય છે. જીવ જ્ઞાપક છે - જ્ઞાતા-દષ્ટ ભાવ કેળવાય છે. આ ભાવનાનું પ્રયોજન આ જ છે. સમગ્ર લોકનું સ્વરૂપ જાણી ચૈતન્યસ્વરૂપનું અવલોકન કરતાં સહજ આત્મસ્વરૂપમાં સ્થિત થવું-સ્વયંની અંદર ગહેરાઈમાં ઉતરી “સ્વ”નું અપરિમિત ઐશ્વર્ય માણવું.
(૧) ધર્મસ્વાખ્યાત ભાવના- ધર્મના સ્વરૂપનું ચિંતન કરવું તે ધર્મસ્વાખ્યાત ભાવના.