________________
આબુકલ્પ
ડી.જી.વેદિયા
પ્રાસ્તાવિક
વિભિન્ન પ્રદેશો, વનસ્પતિ, પશુ-પક્ષી વગેરે વિશે અનેક કલ્પ લખાયા છે. ઉ.ત. ઉલૂકકલ્પ, કાકકલ્પ, આસુરિકલ્પ વગેરે.
અથર્વવેદની માફક અન્ય વેદ કે તેના જેવા સાહિત્યના વિશેષ ઉપયોગોને અનુલક્ષી કલ્પ ગ્રંથો લખાયા છે. આ કલ્પના. અનુસંધાનમાં પ્રક્રિયાના ગ્રંથો પણ લખાયા છે. આ સુરિકલ્પ અને આસુરિ પ્રક્રિયા પણ સાથે મળે છે.
પ્રાચીનકાળથી માનવીઓ સુવર્ણનું મહત્ત્વ સમજયા છે. કનકધારા, શ્રીઉપાસના, સુવર્ણસિદ્ધિતંત્ર વગેરે ગ્રંથો યંત્ર-અને મંત્રવિજ્ઞાનમાં મળે છે.
સુવર્ણ માનવીને મેધાવી બનાવે છે. આથી જ જાતકર્મ સંસ્કારમાં સુવર્ણ, મધ અને ઘીનું ચાટણ ગળથૂથી રૂપે અપાતું હતું. ઉપનયન સંસ્કારમાં વેદના અધ્યયન પૂર્વે પણ આવી જ ક્રિયા ગુરુ કરતા હતા. આયુર્વેદમાં સુવર્ણપ્રાશન પ્રયોગ પણ મળે છે.
વેદકાળથી સુવર્ણસિદ્ધિના પ્રયોગો થતા રહ્યા છે. આ સંદર્ભે દાક્ષાયણ, પિપિલક, પારીક્ષિત, કાશ્યપીય વગેરે સુવર્ણના પ્રકારો મળે છે. શુક્લ યજુર્વેદના આયુષ્યમંત્રો (૩૫/૫૦-૫૨)માં સુવર્ણનો મહિમા બતાવાયો છે. દાક્ષાયણો એ શતાનિક રાજાને સુવર્ણકંકણ બાંધ્યું હતું. તે વિજયી બન્યો હતો. સુવર્ણપ્રાશનથી લોહીને દૂષિત કરનારા જંતુઓ (પિશાચ) કે માંસને દૂષિત કરનારા જંતુઓ (રાક્ષસ)નો ઉપદ્રવ નડતો નથી. માનવી દીર્ઘ આયુષ્ય ભોગવી શકે છે.
નાગાર્જુનની રસાયણ વિદ્યા દ્વારા શતવેધી કે સહસ્રવેધી રસાયણ પ્રાપ્ત થાય છે. આ રસાયણ તાંબુ, રૂપુ કે કલાઈ કે સીસાને પણ તેના પરમાણુઓમાં પરિવર્તન કરી રૂપું કે સોનું (હેમ) બનાવે છે. આવું જ રસાયણ માનવીને પણ જરાવલિત દોષથી મુક્ત કરી નવયુવાન બનાવે છે. આ સંદર્ભે વનસ્પતિના પ્રયોગો પણ મળે છે. પારીક્ષિત સોનું કે કાશ્યપીય સોનું આવા પ્રયોગોનું પરિણામ હતું.