________________
ગુજરાતની પ્રાચીન કલામાં પ્રાચ્ય લખાણ
રવિ હજરનીસ.*
પૂર્વભૂમિકા
ધરતી પર કરોડો વર્ષ પૂર્વે મહાકાય પ્રાણીઓના હૃાસ અને નાશ પછી માનવ જીવમયયુગ (pleistocene age)માં વસુંધરા પટે માનવ આગમનરૂપી જીવનપુષ્પ પાગવું. ધરા પર પાછળથી પ્રવેશેલા માનવે પ્રગતિના બધા સોપાન સર કરી, અવનીનું શ્રેષ્ઠ ફરજંદ-સર્જન હોવાનું પુરવાર કર્યું છે. એના જીવન વસવાટ ઘડતરની પ્રારંભિક પ્રક્રીયા મનોવૈજ્ઞાનિક પરિભાષામાં “સંસ્કૃતિ” કહેવાય છે. આ માટે પુરતી પ્રમાણબદ્ધ માહિતિ, નિશ્ચિત કાલક્રમ કે સમય નિર્દેશ અત્યંત આવશ્યક ગણાયો. પ્રમાણબદ્ધ માહિતિ કે વિગતવાર વૃત્તાંત એટલે લિખીત સ્વરૂપનું લખાણ. સંસ્કૃતિના ઉગમકાલથી માનવી લેખનકલાથી અભિજ્ઞ હતો. માનવ-જીવનના આ સૌથી મોટા સમયપટને પ્રાગૈતિહાસિકકાલ કહેવામાં આવે છે. આ નિરક્ષરકાલ હોવા છતાં, આદિમાનવ કલા સાથે સંલગ્ન તો હતો જ. એક અભિપ્રાય અનુસાર તત્કાલીન શૈલચિત્રો લિપિના પુર્વરૂપ જેવા કહી શકાય. જેમાં માનવ-જીવનનો આદિમ પ્રવાહ જુસ્સાપૂર્ણ રીતે અવિરતપણે વહી રહ્યો હતો.
લિખિત નમૂનાઓ આપણને સિંધુ સંસ્કૃતિના સમયથી મળ્યા છે. જે સૌથી પ્રાચીન પાંચ હજાર વર્ષ પૂર્વેના છે. સિંધુલિપિ મુદ્રાઓ અને મૃત્પાત્રો પર કોતરવામાં આવતી. લિપિ ભાવાત્મક અને ચિત્રાત્મક હોવાનું માનવામાં આવે છે. તેના ૨૮૮ ચિહ્યોમાં પ્રાણીઓ અને રોપાના સંખ્યાબંધ ચિત્રો છે. એ સાંકેતિક હોવાનું પણ કહેવાય છે." કમનસિબે સિંધુલિપિને સરળતાથી સમજવા સહાયરૂપ દ્વિભાષી લેખ અદ્યાપ મળેલ નથી. આ કારણે હજુ સુધી તો વિશ્વસ્તરે વિદ્વાનો સર્વમાન્ય રીતે સિંધુલિપિને ઉકેલવા માટે અસમર્થ રહ્યા છે. અને આથી જ પ્રસ્તુત લેખમાં સૌથી પ્રાચીન મનાતા સિંધુસંસ્કૃતિના નમૂનાઓની ચર્ચા કરી નથી. આ સમયગાળાને લિખિત પ્રમાણોની હયાતી છતાં, આપણી તેને ઉકેલવાની નિષ્ફળતાને કારણે આદ્ય ઐતિહાસિકકાલમાં મૂકવામાં આવે છે. જ્યારે ઈસ્વીસન પૂર્વે છઠ્ઠી શતાબ્દીથી ઐતિહાસિકકાલની શરૂઆત ગણાય છે. ગુજરાતમાં અશોકના શૈલલેખો તત્કાલીન બ્રાહ્મીનો પ્રાચીનતમ નમૂનો છે.
લિખિત પ્રમાણો અને પ્રાચ્યકલા.
ઐતિહાસિકકાલના સૌથી પ્રાચીન નમૂના બ્રાહ્મી, ખરોષ્ઠી અને ગ્રીક લિપિમાં મળ્યાં છે.'