________________
શ્રી અરિહંતનો મહિમા
શ્વેત કિરણનાં દર્શન પ્રભુને એ જન્મમાં જ્યારે પહેલીવાર શુક્લધ્યાનનો સ્પર્શ થાય છે ત્યારે થાય છે. આ ચૌદે પ્રકારનાં રત્નોનો સમૂહ પ્રભુનાં માતા એક ઢગલા રૂપે જુએ છે તે એમ સૂચવે છે કે તેમનું બાળક સાતમો ગુણસ્થાન સુધીનો વિકાસ કરીને આવ્યું છે અને બાકીનો વિકાસ પૂર્ણતાએ કરી આ જન્મમાં જ પૂર્ણતા પ્રાપ્ત કરી લેનાર છે.
ચૌદમું સ્વપ્ન – નિધૂમ અગ્નિ નિધૂમ અગ્નિ એટલે ધૂમાડા વગરનો અગ્નિ. માતા વેદી પર પ્રજ્વલિત થતો ધૂમાડા વગરનો અગ્નિ જુએ છે. તેની જ્વાળાઓ ઘણી ઊંચી જતી હોય છે, પણ તેમાં ક્યાંય ધૂંધળાપણું રહેલું હોતું નથી. આનો અર્થ એ કરી શકાય કે પૂરબહારમાં અગ્નિ પ્રજળે છે. અગ્નિની પ્રબળતા ઘણી હોય ત્યારે તેમાંથી ધૂમાડો નીકળતો નથી, વસ્તુ અડધી બળે તો ધૂમાડો ઉત્પન્ન થાય, પરંતુ જે વસ્તુ તરતમાં જલદીથી પૂર્ણતાએ બળે તેમાંથી ધૂમાડો નીકળતો નથી. આમ માતાને જે નિધૂમ અગ્નિના દર્શન થાય છે તે એમ બતાવે છે કે જન્મ ધારણ કરનાર બાળકનાં કર્મો આ રીતે ભડકે બળવાનાં છે, તેમાંથી નવાં કર્મો (ધૂમાડો) ભાગ્યે જ ઉત્પન્ન થશે, અને છેવટમાં એક પણ કર્મ તેના આત્મા પર બચી શકવાનું નથી. અગ્નિની લાલ શિખા એ બતાવે છે કે એ ભડભડ બળતો અગ્નિ સંસારની સમાપ્તિ કરાવનાર છે, કારણ કે લાલ રંગ એ સંસારની વૃદ્ધિ કરાવનાર તત્ત્વનું પ્રતિક છે, અને ભડકે બળતો અગ્નિ સંસારની વૃદ્ધિ કરનાર તત્ત્વને ક્ષીણ કરનાર છે. આ અગ્નિ વેદી પર પ્રજવળતો દેખાય છે તે એમ બતાવે છે કે કર્મો જેમ જેમ ક્ષીણ થતાં જાય છે, તેમ તેમ તે આત્મામાં શીતળતા વધતી જાય છે.
આ ચૌદ સ્વપ્નોનું તારણ કાઢીએ તો આપણને સમજાય છે કે આવનાર બાળકના નિમિત્તથી ચારે ગતિનાં જીવો બૂઝવાના છે. હાથી તથા સિંહ તિર્યંચ ગતિનાં જીવ પ્રતિબોધ પામશે એમ સૂચવે છે, લક્ષ્મી તથા ધર્મધજા એ મનુષ્યોનો વિકાસ થવાનો છે એ બતાવે છે, અને પદ્મસરોવર, સૂર્ય તથા ચંદ્ર દેવોના પ્રતિબોધને સમજાવે છે, ભવન, કુંભ તથા અગ્નિ નરકગતિનાં જીવોનું પ્રતિબોધ પામવાપણું સૂચવે છે.
પ૭