________________
કેવળી પ્રભુનો સાથ
વ્યક્ત થતી જાય છે. જે ધર્મના મંગલપણાનું ઉત્તમ લક્ષણ છે. અને ત્રીજા તબક્કામાં જેમ તેમની આત્મદશા વધે છે, આત્મા શુધ્ધ થાય છે, તેમ આ ભાવના વધારે શુદ્ધ સ્વરૂપ ધારણ કરે છે તે આપણને દેખાય છે.
ત્રીજો તબક્કો : સં.૧૯૪૭ થી સં. ૧૯૫૧ – શુદ્ધ સમકિતની પ્રાપ્તિ,
વિવિધ વિદ્ગોની વચ્ચે આત્માનો વિકાસ વિ. સં. ૧૯૪૬ સુધી આત્મશુદ્ધિ કરવા માટે કૃપાળુદેવે ભોગવેલી તાલાવેલી અને ઝૂરણાનાં ફળરૂપે તેમને વિ. સં. ૧૯૪૭ના આરંભમાં શુદ્ધ સમકિત અર્થાત્ ક્ષાયિક સમકિતની પ્રાપ્તિ થાય છે, સાથે સાથે કેટલીક અન્ય સિદ્ધિઓ પણ તેમને મળે છે. ક્ષાયિક સમકિત થવાથી સત્તાગત રહેલ મિથ્યાત્વ તથા અનંતાનુબંધી કષાયનો પૂર્ણ ક્ષય થાય છે. અને તેમનો આત્મા પારમાર્થિક સુખનો ભોક્તા થાય છે. મિથ્યાત્વ સંપૂર્ણપણે જવાથી જે જાતની આત્માનુભૂતિ તેમને પ્રગટી હતી, તેના અનુસંધાનમાં તેમનો આત્મા સંપૂર્ણ કર્મક્ષય કરી, મોક્ષસુખ મેળવવા ખૂબ ઉતાવળો પણ થાય છે. જેમ બને તેમ જલદીથી ઉત્તમ ચારિત્ર કેળવી, ધર્મનાં સર્વ રહસ્યો પામી, આત્માને અનંતસુખનો ભોક્તા બનાવવા તેઓ ખૂબ આતુર થાય છે.
તો બીજી બાજુ તેમને ઉપાધિરૂપ કર્મોના ઉદયની વણઝાર ચાલે છે. જેમ જેમ તેઓ બાહ્ય સંસારી પ્રવૃત્તિઓથી નિવૃત્ત થઈ, આત્મપ્રવૃત્તિમાં રહેવાના ભાવ વધારતા જાય છે તેમ તેમ સંસારી પ્રવૃત્તિઓ કરવી જ પડે એવો કર્મનો ભીંસો પણ વધતો જાય છે. આ કારણે તેમની અંતરંગશ્રેણિ અને બાહ્યશ્રેણિ વચ્ચેનો વિરોધ ઉગ્ર ને ઉગ્ર થતો જાય છે, તે એટલી હદ સુધી ઉગ્ર થાય છે કે, બધું જ સમભાવે સહી લેવાની ઇચ્છાવાળા તથા સામર્થ્યવાળા તેઓ પણ અકળાઈ ઊઠે એવી સ્થિતિ સર્જાય છે. આવી સ્થિતિમાં પણ તેઓ ભાગ્યે જ ધીરજ ગુમાવે છે. તેઓ પરમાર્થ માર્ગ પ્રકાશવાની ઇચ્છાને ગૌણ કરી, ઉદિત કર્મો સમપરિણામ ભોગવવામાં જ સં. ૧૯૫૧ સુધીનો કાળ વ્યતીત કરે છે, કેમકે વિષમ સંજોગોમાં સમપરિણામે ટકી રહેવા માટે જીવે પોતાનું ખૂબ જ વીર્ય વાપરવું પડે છે, અને તેથી અન્ય પ્રવૃત્તિ સફળપણે કરવા માટે
૨૪૪