________________
કેવળી પ્રભુનો સાથ
ધારો કે એક જીવ વીસ મિનિટ માટે શુક્લધ્યાનમાં રહે છે, અને છેલ્લી મિનિટમાં તે સાતમા ગુણસ્થાનનું ઉત્કૃષ્ટપણું વેઠે છે. તેના પ્રભાવથી, શુક્લધ્યાન છૂટયા પછી અમુક કાળ માટે તે જીવ છઠ્ઠા ઉત્કૃષ્ટ ગુણસ્થાનનું વેદન કરે છે. આને કારણે તથા શ્રી પંચપરમેષ્ટિ ભગવંતની આજ્ઞામાં રહેવાનાં કારણે તે ફરીથી જ્યારે શુક્લધ્યાનમાં જાય ત્યારે એ વીસ મિનિટમાંથી લગભગ પાંચ મિનિટ સુધી સાતમા ઉત્કૃષ્ટ ગુણસ્થાને રહી શકે છે. આથી શુક્લધ્યાનમાંથી બહાર નીકળ્યા પછી તે જીવ પહેલાં કરતાં ઘણા વધારે સમય માટે છઠ્ઠા ઉત્કૃષ્ટ ગુણસ્થાને રહે છે. પરિણામે તે પહેલાં કરતાં પણ નાના ગાળે શુક્લધ્યાનને સ્પર્શ, વધારે સમય માટે એટલે કે લગભગ સાત મિનિટ સુધી સાતમા ઉત્કૃષ્ટ ગુણસ્થાનને અનુભવે છે. આ પ્રક્રિયાથી જીવનો ઘણો વિકાસ થાય છે; અને તે પણ ઝડપથી. આવો બળવાન પુરુષાર્થ હોય ત્યારે સામાન્યપણે જીવની શુક્લધ્યાનની મિનિટો જલદીથી વધતી જાય છે. પરંતુ સાતમા ગુણસ્થાનનું ઉત્કૃષ્ટપણું સમજાવવા માટે ધ્યાનનો ગાળો મુક૨૨ રાખ્યો છે – વીસ મિનિટનો. આ ઉદાહરણમાં શુક્લધ્યાનનો ગાળો વીસ મિનિટનો જ હોવા છતાં, તે ગુણસ્થાનની ઉત્કૃષ્ટતાની તરતમતાને કારણે તેનાં આશ્રવ, સંવર તથા નિર્જરામાં ઘણો મોટો તફાવત પડી જાય છે. જેમ જેમ સાતમા ગુણસ્થાનનું ઉત્કૃષ્ટપણું વધતું જાય છે તેમ તેમ જીવનો આશ્રવ તૂટતો જાય છે, અને તેનાં સંવર તથા નિર્જરા વધતાં જાય છે. પરિણામે સંસારની પ્રવૃત્તિ કરવાનો કાળ ક્રમથી ઘટતો જાય છે.
આ રીતે આજ્ઞાધીનપણું વધારતાં વધારતાં સંસાર પરિક્ષીણ થવાની તૈયારીમાં આવે છે ત્યારે તે જીવ શ્રેણિની શરૂઆત કરે છે. જીવ જ્યારે ક્ષપક શ્રેણિમાં જવાનો થાય છે ત્યારે તે છઠ્ઠા ગુણસ્થાનથી વિકાસ કરી સાતમા ગુણસ્થાને આવે છે. આઠમા ગુણસ્થાને જવાના અપૂર્વ સ્પર્શ માટે તે આત્મા પૂર્ણ આજ્ઞાથી પ્રાર્થના કરે છે, જરૂરી શક્તિ પ્રગટી જાય છે ત્યારે તે પૂર્ણ આજ્ઞાથી ક્ષમાપના કરી, સર્વ અંતરાયોને ક્ષીણ કરી, પૂર્ણ આજ્ઞાથી મંત્રસ્મરણ કરે છે. તેના પ્રભાવથી તે સાતમા ઉત્કૃષ્ટ ગુણસ્થાને પહોંચે છે, અને ત્યાં તે આઠમા ગુણસ્થાન માટે પૂર્ણ આજ્ઞાથી પ્રાર્થના કરે છે; શક્તિ આવતાં પૂર્ણ આજ્ઞાએ ક્ષમાપના કરી અંતરાય તોડી પૂર્ણ આજ્ઞાએ
૩૮૬