________________
આણાએ ધમ્મો, આણાએ તવો
દેખાતી શાતા મેળવવા માટે અને ભોગવવા માટેના પ્રયત્નો પણ જીવો સતત કરતા દેખાય છે. શાતાની ઇચ્છાના ભાવથી એકેંદ્રિય જીવોથી શરૂ કરી સંજ્ઞીપંચેન્દ્રિય સુધીનાં સર્વ જીવો ઘેરાયેલાં છે. ફરક એટલો જ છે કે અસંજ્ઞી જીવોને પોતાની આ જાતની ઇચ્છાની જાણકારી હોતી નથી, ત્યારે સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને પોતાની આવા પ્રકારની ઇચ્છાની જાણકારી હોય છે, તેથી તેઓ ઇચ્છાપૂર્તિ કરવા માટે સતત પ્રયત્નો પણ કરતા રહે છે. આવી સાંસારિક ઇચ્છાઓનો ત્યાગ કરી, સ્વસ્વરૂપ પ્રતિ વળવું તેને શ્રી જિન પ્રભુ ‘તપ' તરીકે ઓળખાવે છે. ઇચ્છા પર સંયમ લેવા માટે શ્રી ભગવાને છ બાહ્ય અને છ આંતરતા એમ કુલ બાર પ્રકારનાં તપ ગણાવ્યાં છે. એ પ્રત્યેક તપ ઉત્તરોત્તર વિશેષ સૂક્ષ્મ અને વિશેષ ઉપકારી થાય એ પ્રકારનાં છે.
આ પ્રકારે આપણને “ધર્મના અને ‘તપ'ના પ્રચલિત અર્થો જાણવા મળે છે. પણ માત્ર પ્રચલિત અર્થનો આશ્રય કરવાથી આપણને આ વિષય પૂરતો સમજાય તેમ નથી. માત્ર “ધર્મ કે માત્ર “તપ”ને બાહ્યથી ઓળખવાથી કાર્યસિદ્ધિ થાય તેવું નથી, પરંતુ એ બંનેને “આજ્ઞા'ના આધારથી સમજીએ તો જ આપણે “આણાએ ધમ્મો, આણાએ તવો'નો ગૂઢાર્થ જાણવા ભાગ્યશાળી થઈ શકીશું. સદ્ગુરુ તથા સત્પષની આજ્ઞાએ ચાલવાથી યથાર્થ ધર્મપાલન કઈ રીતે થાય અને સાચી તપશ્ચર્યા કરી શકાય એ જ મુખ્યતાએ આપણે સમજવાનું છે. ધર્મનાં આરાધનથી સ્વરૂપસિદ્ધિ મેળવવાની રીત આત્મસાત્ કરવાની છે, અને તપનાં આચરણથી પૂર્વસંચિત કર્મોની નિર્જરા કરવાની છે. આમ સંવર તથા નિર્જરાની સિદ્ધિ કરવાની છે. આ ક્રિયા આજ્ઞામાં રહીને કરવાથી જીવને કેટલો વિશેષ ફાયદો થાય છે તે જાણવું ખૂબ ઉપકારી બનશે.
આપણે જાણીએ છીએ તે પ્રમાણે શ્રી તીર્થંકર પ્રભુ ચારે ઘાતી કર્મોથી નિવૃત્ત થયા પછી, સર્વજ્ઞપણા સાથે આત્મધર્મની સ્થાપના કરે છે. તેઓ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા રૂપ ચાર પ્રકારનાં શિષ્યોને માન્ય કરી, તે સહુને પોતાના જેવા સર્વ ઘાતી કર્મોથી રહિત થવા માટેના માર્ગની જાણકારી બોધ દ્વારા આપે છે, અને તે શિષ્યો એ બોધ અવધારી તે અનુસાર વર્તવાની ભાવના ભાવે છે. આ ભાવનાના જન્મ સાથે આજ્ઞાની સમજણની શરૂઆત થાય છે.
૩૨૧