________________
કેવળી પ્રભુનો સાથ
મહામંત્ર તરીકે ઓળખાય છે. અન્ય કોઈ મંત્રને આ પ્રકારની શાશ્વતતા પ્રાપ્ત થઈ નથી, થતી નથી, થવાની નથી.
આ જગતમાં જે અન્ય સર્વ મંત્રો પ્રવર્તે છે તે અમુક વિશિષ્ઠ દેશ, કાળ, તથા જીવને અનુલક્ષીને ઉત્પન્ન થયેલાં હોય છે, તેથી તે મંત્રો સર્વકાલીન થઈ શકતા નથી. આવા મંત્રો મર્યાદિત જનસમૂહને અને તે પણ વિશિષ્ટ પ્રકારની સ્થિતિ માટે ઉપકારી થાય છે, પરંતુ આવા મંત્રોનું ફળ જલદીથી અને વિશેષતાએ મળે છે. કાળનાં વહેવા સાથે તેના દેશકાળાદિ સ્થિતિ ફેરફાર પામતાં આવા મંત્રો વિલિન થતા જાય છે, અને જરૂરત અનુસાર નવા મંત્રો ઉત્પન્ન થતા જાય છે. ત્યારે નમસ્કાર મહામંત્ર જીવ સમસ્તને સર્વ કાળે, સર્વ ક્ષેત્રે, સર્વ સ્થિતિમાં ઉપકારી થતો હોવાથી, તથા તેમાં આત્માના સર્વ ગુણોનો સમાવેશ થતો હોવાથી તે સર્વકાલીન બની રહે છે.
નમસ્કાર મહામંત્રમાં મોક્ષમાર્ગના પ્રણેતા શ્રી તીર્થંકર પ્રભુ તથા તેમણે બોધેલા માર્ગને યથાર્થતાએ અનુસરી, તેનું ઉત્તમોત્તમ ફળ માણનારા સર્વ ઉત્તમ સાધકોનો સમાવેશ થયેલો જણાય છે. આવા સર્વ ઉત્તમ આત્માઓને આ મહામંત્રમાં ખૂબ ભાવપૂર્વક વંદન કરેલા છે. નમતા અને વિનય પૂર્વક મહાત્માઓને વંદન કરવાથી જીવને ખૂબ લાભ થાય છે. મોક્ષમાર્ગમાં ઉત્તમ ગતિએ ચાલતા પરમેષ્ટિ ભગવંતને ભાવથી વંદન કરવામાં આવે છે ત્યારે તેઓ સમક્ષ વંદકનું લઘુપણું સ્વીકારાય છે. લઘુપણાના આ સ્વીકાર સાથે મનુષ્ય ગતિમાં સહુથી વિશેષ ઉદિત રહેતા માનકષાયનું નિરસન શરૂ થાય છે; અને ભાવપૂર્વક થતા મંત્રના રટણથી જીવનો માનભાવ ઓગળતો જાય છે; તેનો સ્વછંદ કાબૂમાં આવતો જાય છે. અને તે જીવને પાંચે ઇષ્ટપ્રભુના ઉત્તમ ગુણોની જાણકારી મળે છે; વળી, તેમના ગુણોની સરખામણીમાં પોતાના ગુણો તો નહિવત્ છે એ લક્ષમાં આવવાથી જીવને પોતાનું અલ્પત્વ અનુભવાય છે, જેનાં સલ્ફળરૂપે તેને એ મહાનુભાવો જેવી આત્મિક શાંતિ તથા ઋદ્ધિ મેળવવાની અભિલાષા સાકાર થતી જાય છે. આ અભિલાષા તે જીવને પરમેષ્ટિના શરણમાં રહેવા, તેમનું કહ્યું કરવા પ્રતિ દોરી જાય છે. અને તે જીવ પરમેષ્ટિ પ્રભુની આજ્ઞાએ ચાલવાની વૃત્તિવાળો બનતો જાય છે.
૩૫૨