________________
પ્રકરણ ૧૧ ધર્મ એ સર્વોત્કૃષ્ટ મંગલ છે
મંગલ એટલે કલ્યાણ. જીવને જેમાં સુખ, શાંતિ તથા પ્રેમની અનુભૂતિ મળે તેમાં તેને મંગલતા લાગે છે. અને તે પ્રસંગને જીવ તહેવાર કે પર્વ તરીકે ઉજવે છે.
જ્યારે પણ પર્વ સંબંધી વાત થાય કે વિચારણા કરવામાં આવે ત્યારે તહેવાર કે પર્વને ઘણું કરીને ખાવાપીવા તથા ખેલકુદ સાથે જોડવામાં આવે છે. ઉદા. ત. રક્ષાબંધનને દિવસે લોકો ખીર કે લાડૂ ખાય છે, રક્ષા બાંધે છે; હોળીના દિવસે લોકો અમુક પકવાન ખાય છે, એકબીજા પર રંગ છાંટી આનંદ મનાવે છે, હોળી પ્રગટાવી તેની આસપાસ નાચ કરે છે. દિવાળીના દિવસે મીઠાઈ જમે, ફટાકડા ફોડે, દીપમાળા પ્રગટાવે, નવાં કપડાં પહેરે, નૂતન વર્ષે આ બધા ઉપરાંત એકબીજાના ઘરે જઈ નવું વર્ષ સુંદર રીતે પસાર થાય એવી શુભેચ્છાની આપલે કરે ઇત્યાદિ કાર્યો લૌકિક પર્વમાં કરવામાં આવે છે.
પરંતુ જેમાં ધર્મનું આરાધન કરવામાં આવે છે, તેમાં જીવને શાશ્વત સુખ મેળવવા માટે નિમિત્ત મળે છે એવા પર્યુષણાદિ જૈન પર્વોનો સંબંધ ખાવાપીવા કે ખેલવાકુદવા સાથે ન રહેતાં, તેનો ત્યાગ સાથે રહે છે. આ પર્વ સાંસારિક ભોગનાં પર્વ નહિ પણ ત્યાગનાં પર્વ છે, સાથે સાથે તેમાં આત્મિક સુખનું ભોક્તાપણું રહેલું હોવાથી તે સર્વ મહાપર્વ કહેવાય છે. આ પર્વોની મહત્તા આત્મસુખની મુખ્યતાને કારણે છે, નહિ કે સાંસારિક અમનચમનને કારણે. આથી વ્યવહારમાં આ પર્વો ત્યાગ તથા સંયમના કહેવાય છે, પણ તેમાં અંતર્ગત રીતે શાશ્વત સુખની પ્રાપ્તિનો માર્ગ સમાયેલો હોય છે. ધાર્મિક પર્વની ઉજવણી પ્રભુની પૂજાભક્તિ કરીને, સંયમથી
૧૦૩