________________
કેવળી પ્રભુનો સાથ
સમ્યક્દર્શન મળ્યા પછી સંસાર ટૂંકો થઈ જાય છે, અને આંતરસુખની અનુભૂતિ જીવને વધતી જાય છે, તે તેમણે અહીં વ્યક્ત કર્યું છે. સ્વાનુભૂતિ વિના આવાં વચનો નીકળી શકે ખરાં? આ જ વર્ષના પોષ માસમાં તેમણે નોંધ્યું છે કે, –
“આવા પ્રકારે તારો સમાગમ મને શા માટે થયો ? ક્યાં તારું ગુપ્ત રહેવું થયું હતું ? સર્વગુણાંશ તે સમ્યક્ત્વ.” (પોષ ૧૯૪૬.આંક ૯૫)
અત્યાર સુધીનાં કૃપાળુદેવનાં વચનો અને વર્તનનો તાળો આપણને તેમનાં આ વચનો મેળવી આપે છે. સમ્યક્ત્વ થાય ત્યારે જીવને આત્માના પ્રત્યેક ગુણોના અંશનો અનુભવ થાય છે. તે સમ્યક્દશા તેમણે પૂર્વકાળમાં પ્રાપ્ત કરી હતી, પણ આવરણને કારણે તેમને તેની સ્મૃતિ રહી ન હતી. પણ દશા દશાનું કામ કરે જ છે, તેથી તેમનાં વાણી તથા વર્તન બાળવયથી એ જ પ્રકારનાં હતા. પૂર્વના સમ્યક્ અનુભવની સ્મૃતિ આવતાં તેમણે ઉપરનાં વચનો નોંધ્યા હશે એમ આપણે કહી શકીશું. તે સ્મૃતિ સ્પષ્ટ થયા પછી તેમની માર્ગ સંબંધી નિઃશંકતા વિશેષ દૃઢ થઈ હતી, દઢપણું નીચેની પંક્તિઓમાં આપણેને જોવા મળે છે.
“આજ મને ઉછરંગ અનુપમ, જન્મ કૃતાર્થ જોગ જણાયો,
વાસ્તવ્ય વસ્તુ વિવેક વિવેચક, તે ક્રમ સ્પષ્ટ સુમાર્ગ ગણાયો.” વૈશાખ વદ ૪, ૧૯૪૬. આંક ૧૫૭.
આ પંક્તિદ્રયમાં પોતાને સાચા માર્ગની પ્રાપ્તિ થઈ છે, અને તેને લીધે અદ્ભુત તથા અનુપમ આનંદ થયો છે એ ભાવની અભિવ્યક્તિ જોવા મળે છે. વાસ્તવ્ય વસ્તુ એટલે વાસ્તવિક પદાર્થ અર્થાત્ આત્મા. તેનાં બંધન, મુક્તિ વગેરે સ્વપરના ભેદજ્ઞાન સાથે જે વિચારે છે તે ‘વિવેક વિવેચક’ છે. જીવને ભેદજ્ઞાન સહિતની સત્ વિચારણાની શ્રેણિએ ચલાવનાર તો સદ્ગુરુ છે, તેથી તેમનાં ક્યા પ્રમાણે, આજ્ઞા પ્રમાણે ચાલવું તે જીવને છૂટવા માટે સુમાર્ગ છે, શ્રેષ્ઠ માર્ગ છે. આ રીતે બીજી પંક્તિમાં ગુરુ તથા ભક્તિમાર્ગની ઉત્તમતા તેમણે બતાવી છે. આ માર્ગની આસ્થા સહિત પ્રાપ્તિ થવી તે ઉપમા આપી ન શકાય તેવો, જન્મને સાર્થક કરનારો, સફળ કરનારો યોગ ક્યો છે.
૨૩૪