________________
કેવળી પ્રભુનો સાથ
કરવા વિકાસ સાધતો જીવ પ્રવૃત્ત બને છે. પોતે જે કંઈ મેળવ્યું છે તેનો લાભ અન્ય જીવોને પણ મળે એવા શુભભાવથી તે કલ્યાણકાર્યની પ્રવૃત્તિમાં જોડાય છે. ખાસ કરીને છઠ્ઠા અને સાતમા ગુણસ્થાને વર્તતા જીવથી આ કાર્ય વિશેષતાએ થાય છે, કારણ કે તેમનામાં આજ્ઞાધીનપણું વધવાના કારણે માર્ગની જાણકારી અને ભેદરહસ્યોની ખીલવણી થતી જાય છે; સાથે સાથે તેમનામાં પૂર્ણ વીતરાગતા આવી ન હોવાને લીધે તેમને કલ્યાણકાર્ય કરવાના ભાવ પણ સ્વવિકાસના પુરુષાર્થમાંથી બહાર નીકળે ત્યારે વર્તવા લાગે છે. તેઓ અન્ય સંસારીભાવમાં ન જોડાતાં આવા ઉત્તમ કલ્યાણકાર્યમાં રત રહે છે, ફરીથી સ્વમાં લીન ન થાય ત્યાં સુધી.
આમ, શ્રી તીર્થંકર પ્રભુમાં આ તીર્થસ્થાન ઉત્કૃષ્ટ રૂપે રહેલું છે, તેમને લીધે સન્માર્ગે આગળ વધતા સહુ જીવોમાં પણ આ તીર્થસ્થાન ઉભવે છે. એને આધારે તીર્થસ્થાનનો વિસ્તૃત અર્થ સ્વીકારી આપણે કહી શકીએ કે અંતવૃત્તિ સ્પર્શાવતા જીવમાં આ તીર્થસ્થાન એક સમય માટે રહેલું છે, એ જ રીતે આ સ્થાન યથાપ્રવૃત્તિકરણ કરી અધ:કરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ કરતા જીવમાં પણ રહેલું છે, વળી સમકિત લેતા જીવમાં, ક્ષાયિક સમકિત લેતા જીવમાં, વિકાસ કરી ચોથાથી પાંચમા ગુણસ્થાને આવતા જીવમાં, પાંચમાથી વિકાસ કરી છઠ્ઠા ગુણસ્થાને આવતા જીવમાં, સાતમા ગુણસ્થાનનો સ્પર્શ કરતા જીવમાં, સાતમા ગુણસ્થાને વિકાસ કરતા પ્રત્યેક જીવમાં આવું તીર્થસ્થાન ઉત્તરોત્તર ચડતા ક્રમમાં રહેલું છે.
ઉપશમ શ્રેણિમાં એક સમય સિવાયના સર્વ સમય માટે, તે શ્રેણિના સર્વ આત્મામાં આ તીર્થસ્થાન રહ્યું છે, અને ક્ષપકશ્રેણિના પ્રત્યેક સમય માટે સર્વ આત્મામાં તીર્થસ્થાન હોય જ છે. એ જ રીતે આ તીર્થસ્થાન કેવળજ્ઞાન, કેવળદર્શન અને કેવળચારિત્રમાં સમયે સમયે સર્વ આત્મામાં રહેલું છે.
આ તીર્થસ્થાન પાંચ મહાવ્રતનાં પાલનમાં ક્રોધ, માન, માયા તથા લોભના ક્ષયમાં, રાગદ્વેષાદિ અઢારે પાપસ્થાનકના ક્ષયમાં, વિકાસના પ્રત્યેક સમ્યક્ પુરુષાર્થરૂપ પ્રત્યેક વિકાસનાં સોપાનમાં સમાયેલું છે.
૯૮