________________
ભગવંતોએ સ્ત્રીવેદને માયાથી ભરેલી કોથળી કહેલી છે.
સરળ સ્વભાવ-કપટ રહિત હૈયું-નિઃસ્વાર્થ બુધ્ધિવાળો જીવ પુરૂષવેદનો બંધ કરી શકે છે. ચૌદ રાજલોકમાં ત્રણે વેદવાળા જીવો હોય છે. સામાન્ય રીતે સ્ત્રી તીર્થંકર થાય નહિ પણ અનંતી અવસરપિણી-અનંતી ઉત્સરપિણી જેટલો કાળ પસાર થયા પછી સ્ત્રી તીર્થંકર રૂપે બની શકે છે. આ અવસરપિણી કાળમાં શ્રી મલ્લિનાથ ભગવાન સ્ત્રી તીર્થંકર રૂપે ઉત્પન્ન થયેલા છે. એ શ્રી તીર્થંકરના આત્માએ ત્રીજા ભવે તીર્થંકર નામકર્મ નિકાચીત કરતાં કરતાં છઠ્ઠા સાતમા ગુણસ્થાનકે રહીને અપ્રશસ્ત માયાનુ સેવન કર્યું કે જે પોતે પાંચ મિત્રોની સાથે દીક્ષા લીધેલ છે. સાથે તપ કરે છે. પણ ગુરૂ ભગવંત પોતાના વખાણ કરતાં નથી માટે ખેદ થાય છે. આથી પોતાના વખાણ ગુરૂ ભગવંત કરે એ હેતુથી પારણાના દિવસે મને ઠીક નથી ઇત્યાદિ બહાના કાઢીને ગુરૂ પાસે તપનું પચ્ચક્ખાણ કરીને તપ કરતાં. આટલી જ અપ્રશસ્ત માયાના પ્રતાપે પુરૂષવેદ જે બંધાય છે તેના સ્થિતિ અને રસને સંક્રમ વડે બંધાયેલા સત્તામાં રહેલા સ્ત્રી વેદના સ્થિતિ અને રસને વધારતાં જાય છે અને નિકાચીત કરતાં જાય છે. એ નિકાચીતતા એવી કરી
કે ત્યાંથી કાળ કરી અનુત્તર દેવ લોકમાં તેત્રીશ સાગરોપમ સુધી પુરૂષ વેદના ઉદયને ભોગવ્યો તો પણ સ્ત્રીવેદનું એક પણ પુદ્ગલ પુરૂષ વેદમાં સંક્રમ પામ્યું નહિ અને ત્યાંથી ચ્યવીને સ્ત્રી અવતાર રૂપે ઉત્પન્ન
થયા.
આટલી માયા જીવને સ્ત્રી અવતાર પ્રાપ્ત કરાવે તો આજે જે રીતે આપણે જીવી રહ્યા છીએ તેનાથી શું પ્રાપ્ત થાય એ વિચાર કરવા જેવો નથી લાગતો ? માટે કેટલી સાવચેતી પૂર્વક ધર્મ આરાધના કરીએ તોજ ઠેકાણું પડે. આથી સાવચેતી રાખીને એવી રીતે ધર્મ આરાધના કરીએ કે જેથી નિર્વિકારી બની અવેદીપણાને જલ્દી પામીએ.
ચાર પ્રકારના જીવોનું વર્ણન
ચાર ગતિને આશ્રયીને ચાર પ્રકારના જીવો હોય છે.
(૧) નરક ગતિ (૨) તિર્યંચ ગતિ (૩) મનુષ્ય ગતિ (૪) દેવ ગતિ.
નરક ગતિના ૧૪ ભેદ. મનુષ્ય ગતિના ૩૦૩ ભેદ. તિર્યંચ ગતિના ૪૮ ભેદ. દેવ ગતિના ૧૯૮ ભેદ. = ૫૬૩ ભેદ જીવોનાં થાય છે.
જીવો પુરૂષાર્થ કરીને પોતાના આત્માને પાંચમી સિધ્ધિ ગતિમાં પહોંચાડે નહિ ત્યાં સુધી ચારે ગતિમાં પરિભ્રમણ કરતો રહે છે.
આ ચારે ગતિમાં પરિભ્રમણ કરતાં કરતાં જીવ અનંતો કાળ પસાર કરે છે. કોઇપણ ગતિમાં ઠરીઠામ બેસી શકતો નથી. કોઇ ઠેકાણે સ્થળ ગમી જાય તો પણ તેને કોઇ શાશ્વત રૂપે કાયમ રાખી શકતું નથી. તિર્યંચ ગતિમાં જીવો અસંખ્યાતો કાળ અને અનંતો કાળ પસાર કરે છે. નરક ગતિમાં સંખ્યાતા વરસના આયુષ્ય રૂપે અને અસંખ્યાતા વર્ષના આયુષ્ય રૂપે ત્યાં રહી બહાર નીકળી પાછા ફરીથી ઉત્પન્ન થાય પાછા બહાર નીકળે એમ સંખ્યાતા કાળ સુધી કર્યા કરે છે. મનુષ્યગતિમાં રહેલા જીવો સંખ્યાતા વર્ષના કાળ સુધી રહી મહેનત કરીને ઠરે ઠામ થવા આવે ત્યાં કાળ રાજા ઉપાડી બીજે લઇ જાય આથી ત્યાં પણ સ્થિરતાને પામતો નથી. દેવગતિમાં જીવો ઉત્પન્ન થયા પછી સુખની લોભામણી ચીજોથી મારાપણાની બુધ્ધિથી જીવતા સંખ્યાતા વર્ષોં કે અસંખ્યાતા વર્ષો પસાર કરે અને કાયમ શાશ્વત રહેવાની વિચારણા કરે તો પણ છ મહિના બાકી રહે ત્યાં ખબર પડે છે કે મારે અહીંથી જવાનું છે અને જ્ઞાનનો ઉપયોગ મૂકીને જૂએ કે અહીંથી ક્યાં જવાનું છે. એ સ્થાન વર્તમાન સ્થાનની અપેક્ષાએ દુઃખરૂપ લાગવાથી મારાપણાની બુધ્ધિથી જે પદાર્થોની સાથે રહેલો તેને છોડતાં-છોડીને જવાનું છે એવી વિચારણાથી જીવ ઘણો જ દુઃખી દુઃખી થઇ જાય છે અને ગાંડા જેવો બની જાય છે. માટે જ્ઞાનીઓએ એ દેવગતિના દુઃખના વર્ણનમાં લખ્યું છે
Page 12 of 78