________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
અષ્ટપાહુડ)
XXXI
આથી હે આત્મન ! પહેલાં મિથ્યાત્વવાદી આંતરિક દોષોને છોડીને ભાવદોષોથી અત્યંત શુદ્ધ બનીને બાહ્ય નિગ્રંથલિંગ ધારણ કરવું જોઈએ.
શુદ્ધાત્માની ભાવનાથી રહિત મુનિઓ દ્વારા કરવામાં આવેલા બાહ્ય પરિગ્રહનો ત્યાગ, પર્વતની ગુફાઓમાં આવાસ, જ્ઞાન, અધ્યયન આદિ બધી ક્રિયાઓ નિરર્થક છે, આથી હે મુનિ! લોકોના મનોરંજન કરવાવાળા માત્ર બાહ્યવેશ જ ધારણ ન કર, ઇન્દ્રિયોની સેનાનો નાશ કર, વિષયમાં ન રમ. મન રૂપી વાંદરાને વશમાં રાખ, મિથ્યાત્વ, કષાય, અને નવ નોકષાયોને ભાવશુદ્ધિ પૂર્વક છોડ, દેવ-શાસ્ત્ર-ગુરુનો વિનય કર, જિનશાસ્ત્રોને સારી રીતે સમજીને શુદ્ધભાવોની ભાવના કર; જેનાથી તારી સુધા-તૃષા આદિ વેદનાથી રહિત ત્રિભુવન ચૂડામણી સિદ્ધત્વની પ્રાપ્તિ થશે.
હે મુનિ! તું બાવીસ પરીષહોને સહન કર, બાર અનુપ્રેક્ષાઓની ભાવના કર. ભાવશુદ્ધિને માટે નવપદાર્થ, સાત તત્વ, ચૌદ જીવસમાસ, ચૌદ ગુણસ્થાન આદિની નામલક્ષણાદિ પૂર્વક ભાવના કર; દશ પ્રકારના અબ્રહ્મચર્યને છોડીને નવપ્રકારના બ્રહ્મચર્યને પ્રગટ કર. આ પ્રકારે ભાવપૂર્વક દ્રવ્યલિંગીમુનિ જ દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપને પ્રાપ્ત કરે છે, ભાવરહિત દ્રવ્યલિંગી તો ચારે ગતિઓમાં અનંત દુ:ખોને ભોગવે છે. હે મુનિ! તું સંસારને અસાર જાણી કેવળજ્ઞાનની પ્રાપ્તિ માટે નિર્મળ સમ્યગ્દર્શન સહિત દીક્ષા લેવાની ભાવના કર, ભાવોથી શુદ્ધ બનીને બાહ્યલિંગ ધારણ કરી ઉત્તમ ગુણોને ધારણ કર. જીવ અજીવ આસ્રવ અને સંવર તત્ત્વનું ચિંતન કર, મન-વચન-કાયથી શુદ્ધ થઈને આત્માનું ચિંતન કર; કેમકે જ્યાં સુધી વિચારણીય જીવાદિ તત્વોનો વિચાર નહીં કર, ત્યાં સુધી અવિનાશી પદની પ્રાપ્તિ નહીં થાય.
હે મુનિવર ! પાપ-પુણ્ય બંધાદિનું કારણ પરિણામ જ છે. મિથ્યાત્વ, કષાય, અસંયમ અને યોગરૂપ ભાવોથી પાપનો બંધ થાય છે. મિથ્યાત્વ રહિત સમ્યગ્દષ્ટિ જીવ પૂણ્ય બાંધે છે. આથી તું એવી ભાવના કર કે હું જ્ઞાનાવરણાદિ આઠ કર્મોથી આવરણવાળો છું. હું એને સમાસ કરીને નિજ સ્વરૂપને પ્રગટ કરું. વધારે કહેવાથી શું? તું તો દરરોજ શીલ અને ઉત્તર ગુણોનું ભેદ-પ્રભેદો સહિત ચિંતન કર. હે મુનિ! ધ્યાનથી મોક્ષ થાય છે આથી તું આર્ન-રૌદ્ર ધ્યાનને છોડીને ધર્મ અને શુકલ ધ્યાનને ધારણ કર. દ્રવ્યલિંગીને ધર્મ અને શુકલ ધ્યાન હોતું નથી આથી તે સંસારરૂપી વૃક્ષોને કાપવામાં સમર્થ નથી. જે મુનિને મનમાં રાગરૂપ પવનથી રહિત ધર્મરૂપી દીપક બળે છે તે જ આત્માને પ્રકાશિત કરે છે, તે જ સંસારરૂપી વૃક્ષને ધ્યાન રૂપી કુહાડાથી કાપે છે.
જ્ઞાનમાં એકાગ્ર થવું એ જ ધ્યાન છે. ધ્યાન દ્વારા કર્મરૂપી વૃક્ષ બળી જાય છે. જેનાથી સંસારરૂપી અંકુર ઉત્પન્ન થતો નથી, આથી ભાવમુનિ તો સુખ પ્રાપ્ત કરી તીર્થકર અને ગણધર વગેરેના પદોને પ્રાપ્ત કરે છે. પણ દ્રવ્યમુનિ દુખોને જ ભોગવે છે. આથી ગુણ-દોષોને જાણીને તમે ભાવસહિત સંયમી બનો.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com