________________
૧૬૧
પ્રવચન ૮૭ સિદ્ધચક્રની વિધિપૂર્વક, ભાવપૂર્વક, શ્રદ્ધાપૂર્વક આરાધના કરી. આરાધનાના ફળસ્વરૂપ શ્રીપાલનો કુષ્ઠરોગ મટી ગયો. શ્રીપાલ નીરોગી બની ગયો. શ્રેષ્ઠરૂપ પ્રકટ થયું. શ્રેષ્ઠ સૌંદર્ય પ્રકટ થયું.
ત્રીજો ભાગ્યોદય હતો વર્ષો પછી માતાનું મિલન. ઉજ્જયિનીમાં જ માતા કમલપ્રભા મળી ગઈ. પ્રિય સ્વજનોનું મિલન ભાગ્યોદયથી જ થાય છે.
શ્રીપાલ જ્યારે વિદેશયાત્રા માટે માતાના આશીર્વાદ તથા મયણાદેવીની શુભ કામનાઓ લઈને નીકળ્યો ત્યારે ચોથો ભાગ્યોદય થયો. જંગલમાં એક વિદ્યાસાધક મળ્યો. શ્રીપાલની સહાયથી તેની વિદ્યા સિદ્ધ થઈ ગઈ. વિદ્યાસાધકે શ્રીપાલ પ્રત્યે કૃતજ્ઞતા પ્રકટ કરી અને તેને બે દિવ્ય ઔષધીઓ આપીઃ ૧. જલતારિણી અને ૨. શસ્ત્રવારિણી.
પાંચમો ભાગ્યોદય પણ તરત જ થયો. એક પહાડની કુંજમાં કેટલાક ધાતુસાધકો સુવર્ણસિદ્ધિનો ઉપાય કરતા હતા. તેમને સુવર્ણસિદ્ધિ પ્રાપ્ત થતી ન હતી. તેમણે શ્રીપાલને સહાય કરવાની પ્રાર્થના કરી. શ્રીપાલની સામે એ લોકોને સુવર્ણસિદ્ધિ મળી ગઈ. તેમણે શ્રીપાલને સોનું આપ્યું. શ્રીપાલને આ રીતે સોનું મળી ગયું.
છઠ્ઠો ભાગ્યોદયભૃગુકચ્છ (ભરુચ)માં થયો. વિદેશયાત્રા માટે ધવલશેઠનો સાથ મળ્યો, અને એક લાખ સુવર્ણમુદ્રાઓ મળી.
સાતમો ભાગ્યોદય બબ્બરકુળમાં થયો. બબ્બરકુળના રાજાની પુત્રી મદનસેના સાથે શ્રીપાલનાં લગ્ન થયાં, રાજાએ વિપુલ વૈભવ આપ્યો. એક વિશાળ જહાજ આપ્યું. ધવલશેઠે પણ ૨૫૦ જળયાન આપ્યાં.
આઠમો ભાગ્યોદય રત્નદ્વીપ ઉપર થયો. રત્નસાનુ પર્વત ઉપર “રત્નસંચયા નગરી હતી, ત્યાંનો રાજા હતો કનકકેતુ, તેને મદનમંજૂષા નામે પુત્રી હતી. શ્રીપાલનાં એની સાથે લગ્ન થયાં અને રાજાએ એને પુષ્કળ વૈભવ આપ્યો.
નવમો ભાગ્યોદય કોંકણદેશમાં થયો. ત્યાંના રાજા વસુપાલે પોતાની રાજકુમારી મદનમંજરીનાં લગ્ન શ્રીપાલ સાથે કર્યાં.
દશમો ભાગ્યોદય થયો કંબૂદીપની ઉપર કુંડનપુરમાં. કુંડનપુર જતા પહેલાં સિદ્ધચક્રના અધિષ્ઠાયક વિમલેશ્વરદેવે શ્રીપાલને ચાર દિવ્ય શક્તિઓ આપીઃ ૧. જે ઇચ્છે તે રૂપ ધારણ કરી શકે તેવો મણિહાર આપ્યો. ૨. આકાશમાર્ગે ગતિ કરી શકે તેવી શક્તિ આપી. ૩. જે કલામાં પારંગત થવા ઇચ્છે તે કલામાં પારંગત થઈ શકે એવી શક્તિ આપી. ૪. ઝેર ઉતારનારો હાર આપ્યો. હારને પાણીથી ધોઈને એ પાણી સાપના ડંખ પર રેડવાથી ઝેર ઊતરી જાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org