________________
સર્ગ-૧૦
અને કેઈ જાડા શરીરવાળી હતી તે કેમલાંગી બની ગઈ. આ રીતે પરસ્પરનાં સુંદર રૂપ જોઈને બ્રાહ્મણની પ્રશંસા કરતી ગુણગાન કરવા લાગી. “ખરેખર, જગતમાં આને અવતાર ધન્યવાદને પાત્ર છે, એના માતા-પિતાને ધન્ય છે કે જેમનો આવો ચમત્કારી પુત્ર છે. જેના હાથના સ્પર્શ માત્રથી આપણા રૂપરંગ કેવો બદલાઈ ગયાં !” બહાર રહેલી સ્ત્રીઓ વૃદ્ધ બ્રાહ્મણની પ્રશંસા કરતી કહે છે: “અહો ભુદેવ ! આ જગતમાં તમે ખરેખર પ્રશંસનીય છે ! અપકારી ઉપર પણ ઉપકાર કરનારા છો ! અમે તમારી કેટલી અપભ્રાજના કરી ? છતાં બદલામાં તમે અમોને નવું જીવન બહયું” આ પ્રમાણે બ્રાહ્મણની સ્તુતિ કરી બધી ભેગી થઈને એક બીજાના રૂપને જોતી પરસ્પર પ્રશંસા કરે છે. કોઈ કહે છે: “અલી, જો તે ખરી, તારૂં મુખ કેટલું સુંદર લાગે છે !' બીજી કહે છે: “તારા કાન કેવા સંધાઈ ગયા ?” કેઈ કહે છે : “તારા બે નેત્રે કેવાં સુંદર લાગે છે, ત્રીજી કહે છે: “તારા અધર કેવા સુંદર થઈ ગયા ? તારા હાથ, સ્તન અને કટી પ્રદેશ કેટલા સુંદર થઈ ગયા ?' આ રીતે વાવની બહાર રહીને એક બીજીની પ્રશંસા કરે છે, ત્યાં બ્રાહ્મણ કમંડલમાં વાવનું જલ ભરીને બહાર નીકળી ગયા તેની સ્ત્રીઓને ખબર પડી નહીં. ખરેખર,
સ્ત્રીઓને વાતનો રસ ઘણે હોય છે. કોણ ગયું ને કોણ આવ્યું, તેનું પણ ભાન રહેતું નથી. રસપૂર્વક ઉંચે સ્વરે વાર્તાલાપ કરી રહી હતી, તેમાંની કેટલીક દાસીઓને પાણીની તરસ લાગી. પાણી પીવા માટે વાવમાં ગઈ. તો વાવમાં પાણીનું એક બિંદ પણ દેખાયું નહીં ! પાણીના બદલે પત્થર અને ઘાસના ઢગલા જેવા મલ્યા. તરસી થયેલી સ્ત્રીઓ કોલાહલ કરતી બહાર આવી. તેમણે બીજી સ્ત્રીઓને નિવેદન કર્યું: “અલી, અહીં આવો, અહીં આવે, ત્યાં શું વાત કરી રહી છો ? જુઓ તો ખરા, એ પાપી બ્રાહ્મણે વાવમાં પાણીનું એક ટીપું પણ નથી રાખ્યું. આખી વાવ સુક્કી પત્થર જેવી બનાવી દીધી છે. આ પાપાત્માએ તે આપણને ચમત્કાર બતાવીને ઠગી છે. ખરેખર, આપણે લુંટાઈ ગયાં છીએ.” આ પ્રમાણે તરસી સ્ત્રીઓની વાત સાંભળીને બધી સ્ત્રીઓ દોડતી વાવ પાસે આવી. પાણી વિનાની વાવની દુર્દશા જોઈને ક્રોધિત થયેલી અને જીવિતની અભિલાષી એવી બધી સ્ત્રીઓ ગાળા દેતી દેતી તે બ્રાહ્મણની પાછળ દોડી. તેની પાસે પહોંચી તેટલામાં બ્રાહ્મણ બજારમાં અનેક પ્રકારની વસ્તુઓથી ભરેલી દુકાનોની શ્રેણી આગળ આવી ગયો હતો. તેણે પોતાના હાથના સ્પર્શ માત્રથી દુકાનની શોભા હરી લીધી, જે દુકાનમાં દક્ષિણાવર્ત શંખ હતા તે શંખનું માહાસ્ય હરી લઈને કેડી જેવા બનાવી દીધા. યાનપાત્રોને પાત્ર જેવા, દેદીપ્યમાન રત્નને કાચના ટુકડા જેવા, પ્રવાલોને ઠળિયા જેવા, સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલા સાચા મોતીઓને છીપ જેવા, સેના-ચાંદીને પિત્તળ અને તાંબા જેવા, તેમજ શસ્ત્ર, શાસ્ત્ર, વસ્ત્ર, ઘઉં, ચણું, મસૂર, તેલ આદિને ઢગલામાં બદલીને રસ્તામાં આવી આગળ આગળ જાય છે. ત્યાં કોલાહલ કરતી વાવની રક્ષક સ્ત્રીઓ ગાળો અને શાપ વરસાવતી પહોંચી. સ્ત્રીઓએ રાડ પાડીને બુમરાણ મચાવી ત્યારે તેણે ક્રોધથી કમંડલ પૃથ્વી ઉપર પછાડયું. તૂટી ગયેલા કમડલમાંથી પાણીનો પ્રવાહ ચારેબાજુ ફેલાય. ધસમસતા જલના પ્રવાહમાં સુવર્ણ, ચાંદી, મુક્તાફલ, તાંબુ-પિત્તળ આદિ ધાતુઓ, વસ્ત્રો, પાત્રો કરીયાણ આદિ પાણીના પ્રવાહમાં તણાવા લાગ્યાં. ઘરે અને દુકાનોમાં પણ પાણી પેસી ગયાં. લોકે પોતાના જીવ બચાવવા માટે નાસભાગ કરી રહ્યા. લોકે વિચારે છે કેઃ “અરે, કેઈ વાવ ભાગી ગઈ હશે કે સરોવર ફૂટયું હશે ? એ સિવાય ગંગાના પ્રવાહની જેમ આવો ધસમસતા પાણીનો પ્રવાહ આવે નહીં.” પેલી દાસીઓ તે બિચારી કેઈ મહેલની અગાસીમાં તે કઈ વૃક્ષો ઉપર ચઢી ગઈ. આવી ક્રીડા કરતો બ્રાહ્મણ રૂપધારી પ્રદ્યુમ્ન નગરીમાં ભમતે આગળ ચાલ્યો.