________________
૪. “ગીતાધર્મનું પરિશીલન
જે ધર્મો દરેક પ્રતિષ્ઠિત ધર્મપરંપરાનાં આવશ્યક અંગો છે અને જેનું જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં ગૌરવપૂર્ણ સ્થાન છે તે ધર્મોનો સામાન્ય રીતે નિર્દેશ કરી તેના ઉપર સમાજની દૃષ્ટિએ વિવેચન કે નિરૂપણ ન કરતાં, કાકા કાલેલકરે તે ધર્મોને, ગીતાનો આશ્રય લઈ, ગીતાધર્મ તરીકે નિર્દેશી તેના ઉપર સમાજશાસ્ત્ર લખ્યું છે અથવા સામાજિક દૃષ્ટિએ તે ધર્મોની ઉપયોગિતાનું નિરૂપણ કર્યું છે તેનું શું કારણ ? આ પ્રશ્ન સહજ જ ઊઠે. ગીતાનું અનન્યસાધારણ આકર્ષકપણું એ જ આ પ્રશ્નનો સીધોસાદો ઉત્તર છે. ગીતાના એ જ મૌલિક આકર્ષકપણાએ હજારથી વધારે વર્ષ થયાં અનેક વિદ્વાનો અને સંતોને પોતા વિશે ચિંતન કરવા, લખવા અને જીવન ઘડવા પ્રેર્યા છે. એવી સ્થિતિમાં કાકા જેવા બહુશ્રુત, સ્વતંત્રદ્રષ્ટા અને પ્રયોગવીર ગીતાનો આશ્રય લઈ તેમાં પ્રતિપાદિત દૈવી સંપતુ તરીકે ગણાવાયેલ છવ્વીસ ધર્મો કે સદ્ગણો ઉપર વિવેચન કરે તો એ જરાયે અસ્થાને નથી, પણ અહીં એ સવાલ તો ઊભો થાય જ છે કે અનેક ધર્મગ્રંથો એક અથવા બીજી રીતે આકર્ષક તો છે જ, તેમાં ગીતાનું જે અનન્યસાધારણ આકર્ષકપણું છે તે શા કારણે ?
એના એવા આકર્ષકપણાનાં મુખ્ય અંગો મને પોતાને નીચે પ્રમાણે જણાય છે:
(૧) પ્રશ્નોત્તર પદ્ધતિ. બૌદ્ધ પિટકો, જૈન આગમો કે અન્ય કોઈ પણ ધર્મગ્રંથ જોઈએ તો તેમાં મુખ્યપણે પ્રશ્નોત્તરરૂપે જ ચર્ચા થયેલી દેખાય છે; સંવાદશૈલી એ ચર્ચાની સ્પષ્ટતાનું આવશ્યક અંગ બની ગઈ છે, પણ અન્ય ગ્રંથોની સંવાદશૈલી અને ગીતાની સંવાદશૈલી વચ્ચે મહતુ અંતર છે, એ જ એના આકર્ષકપણાનું એક પ્રાથમિક અંગ છે. અન્ય ધર્મગ્રંથોમાં કોઈ જિજ્ઞાસુ સીધી રીતે ગુરુને જઈ પ્રશ્ન કરે છે અને ગુરુ પણ સીધી રીતે જ જવાબ આપે છે, જ્યારે ગીતામાં તેમ નથી. એમાં પ્રશ્નોત્તરની માંડણી એવી ઉઠાવદાર, એવી કુતૂહલવર્ધક થઈ છે કે તેને લીધે શ્રોતા અને વાચકની જિજ્ઞાસા ખુદ ધૃતરાષ્ટ્ર કરતાં પણ અનેકગણી તીવ્ર બની જાય છે. ગીતાકારે સામસામે શસ્ત્ર ફેંકવા કેડ બાંધી ઊભાં રહેલાં બંને પ્રતિસ્પર્ધી સૈન્યો વચ્ચે જ અર્જુનને મોઢે ધર્મવિષયક પ્રશ્ન કરાવ્યો છે, અને યુદ્ધના અંતિમ નિર્ણયમાં જેમનો અગત્યનો ફાળો હતો અને જે
સારથિરૂપે દોરવણી પણ આપવા કબૂલ થયેલ એ શ્રીકૃષ્ણને મુખે જ એ પ્રશ્નનો વિસ્તૃત Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org