________________
ત્રિવેણીસ્નાન • ૧૫૧ સવાલ તો એ છે કે એક આવો અભણ, ગામડિયો બ્રાહ્મણ અને તે પણ પૂજારી, એટલે ઊંચે સ્થાને પહોંચ્યો તેની પાછળ શું રહસ્ય છે ? આનો ઉત્તર પ્રસ્તુત પુસ્તકના લેખકે પરમહંસના રેખાચિત્રમાં અનેક દૃષ્ટિએ આપ્યો છે. પરમહંસદેવનું આધ્યાત્મિક ખમીર કેવું હતું, એમનો કાળીમાતા પ્રત્યેનો ભક્તિભાવ કેવો સર્વાગીણ અને વિવેકપૂત હતો, એમની દૃષ્ટિ અને વાણી કેવી અમૃતવર્ષિણી તથા અમોઘ હતી, એ બધું લેખકે ગંભીર ભાવે આલેખ્યું છે અને પ્રસંગે પ્રસંગે ઉપનિષદો તેમ જ સંતોનાં માર્મિક વચનોને આધારે રહસ્ય પણ પ્રગટ કર્યું છે.
પરમહંસ જાણીતા છે એમના ભક્તિમાર્ગને લીધે; પણ ભક્તિમાર્ગમાં સાચી સમજણ અને સત્કર્મનો કેવો મેળ હતો એ પણ એમના શિષ્યો સાથેના કે ઈતર સાથેના વાર્તાલાપોથી જણાઈ આવે છે. પરમહંસદેવનાં ઉપમા અને દૃષ્ટાંત અગર ટુચકા એ તો એમની જ વિશેષતા છે. આ વિશેષતાએ અનેકોને આકર્ષ્યા, અનેક વિદ્વાનોને જીત્યા. એમણે જ નરેન્દ્રમાંથી વિવેકાનંદ પ્રગટાવ્યો. વિવેકાનંદ પરમહંસદેવની ભક્તિમાં રહેલાં જ્ઞાન અને કર્મનાં બીજકોને એવાં વિકસાવ્યાં કે આજે રામકૃષ્ણ મિશન એટલે એક રીતે જ્ઞાન, ભક્તિ અને કર્મનું મિશન એવો અર્થ થાય છે. વિવેકાનંદ પહેલાં પણ ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિક સંપત્તિની સુવાસ પશ્ચિમના અનેક ખૂણામાં પ્રસરી હતી, પરંતુ એ પ્રસારને વિવેકાનંદે બહુ મોટો વેગ આપ્યો. પછી તો ટાગોર, ગાંધીજી અને અરવિંદ પણ ફલક ઉપર આવ્યા અને એમના વિચાર તેમ જ વર્તને પૂર્વ-પશ્ચિમના દષ્ટિકોણોને સમીપ આણવામાં બહુ મોટો ફાળો આપ્યો.
પરમહંસદેવમાં જેમ શીલનું તત્ત્વ તરી આવે છે તેમ સર્વધર્મસમભાવ અને સર્વગુણસંગ્રહનું સમન્વયતત્ત્વ પણ તરી આવે છે. તેથી જ લેખકે એમને શીલ અને સમન્વયની મૂર્તિરૂપે આલેખ્યા છે. રામકૃષ્ણ પરમહંસના જીવનપ્રસંગો અનેક ભાષામાં આલેખાયેલા મળે છે. ગુજરાતીમાં પણ આ પહેલાં છપાયેલ છે, પરંતુ લેખકે આ પુસ્તકમાં તેનું જે સ્પષ્ટ સમજણ, ભક્તિભાવ અને આધ્યાત્મિક ભૂમિકાથી તટસ્થભાવે નિરૂપણ કર્યું છે તે વાચકને ઊર્ધ્વભૂમિકા ભણી પ્રેરે એવું છે.
પુસ્તકનું ત્રીજું વહેણ છે ગાંધીજી. લેખકે સૉક્રેટિસ તેમ જ રામકૃષ્ણ પરમહંસ વિશે જે લખ્યું છે તે પ્રામાણિક લેખકો અને લેખોને આધારે, છતાં એ લખાણ એકંદર પરોક્ષ જ્ઞાનની કોટિમાં આવે. સૉક્રેટિસ લગભગ પચીસસો વર્ષ પહેલાં થયેલ. તેટલા દૂર ભૂતકાળની અને ગ્રીસ જેવા સુદૂરવર્તી દેશની પૂરેપૂરી તાદશ માહિતી તો સુલભ જ નથી. જે કાંઈ મળે છે તે અનેક સાધનો વાટે ચળાતું અને પ્રમાણમાં થોડું. સ્વામી રામકૃષ્ણ થઈ ગયાને એવો કોઈ લાંબો ગાળો વીત્યો નથી, પણ લેખકે તેમનો જાતપરિચય સાધ્યો નથી એ તો હકીકત છે, પરંતુ ગાંધીજી વિશે લેખક જે લખે છે તેની ભૂમિકા જુદી છે. લેખકે ગાંધીજીનો સહવાસ ઠીકઠીક સાધેલો, એમની અનેકવિધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org