________________
બિંદુમાં સિંધુ • ૧૫૭ સુપ્રસિદ્ધ છે. તેથી એ ત્રણ ભાષાના જગતના વાચકો અને સાક્ષરો તો કાકાસાહેબને જાણે પોતપોતાની માતૃભાષાના લેખક હોય તે રીતે જ ઓળખે છે. તેમની માતૃભાષા કે ભણતરની ભાષા તો મરાઠી છે, પણ જેઓ તેમનાં ગુજરાતી અને હિંદી લખાણો વાંચે છે તે બધા જ નિર્વિવાદપણે સ્વીકારે છે કે કાકાની ભાષાશક્તિ અને લખાણની હથોટી અદ્ભુત છે, વિરલ છે.
એક કોઈ સિદ્ધહસ્ત લેખકની કૃતિઓના અનેક યોગ્ય હાથે અનુવાદ થાય છે. ઘણી વાર એ અનુવાદો મૂળ જેવા જ મનાય છે, તેમ છતાં લેખક અને અનુવાદક બંનેનાં હૃદય સર્વથા એક તો નથી જ થઈ શકતાં. એક હૃદયમાંથી મૂળ જન્મે છે અને બીજામાંથી અનુવાદ. છેવટે એમાં બિંબ-પ્રતિબિંબનું સામ્ય હોય છે, પણ અભેદ તો નથી જ હોતો. તેથી ઊલટું, જ્યારે કોઈ સિદ્ધહસ્ત લેખક પોતે જ અનેક ભાષાઓમાં લખે છે અને તે ઉપર તેનો પૂર્ણ કાબૂ હોય છે ત્યારે તે લેખકનું એક જ હૃદય એ વિવિધ ભાષાઓનાં લખાણોમાં ધબકતું હોય છે. અનુવાદ કરતાં મૂળ લેખકની વિવિધ ભાષાઓની કૃતિઓની ખુમારી ઓર હોય છે. ગાંધીજી ગુજરાતીમાં લખે, હિન્દીમાં લખે અને અંગ્રેજીમાં પણ, પરંતુ એ ત્રણેમાં ગાંધીજીનું જે હૃદય વ્યક્ત થાય તે તેમના કોઈ એક ભાષાના લખાણના બીજાએ કરેલ સિદ્ધહસ્ત અનુવાદમાં ભાગ્યે જ જોઈ શકાય. આ દૃષ્ટિએ વિચાર કરતાં એવું વિધાન કરવાનું મન થઈ જાય છે કે અનેક ભાષામાં લખનાર સિદ્ધહસ્ત લેખક અને તલસ્પર્શી વિચારક તે તે ભાષાના સાહિત્યને અને તે તે ભાષાભાષી જગતને, ઇતર ભાષાના સાહિત્યમાંથી અને ઈતર ભાષાભાષી જગતમાંથી, ઘણી કીમતી અને ઉપયોગી ભેટો આપે છે. કાકાસાહેબને વિશે કહેવું હોય તો એમ કહી શકાય કે તેમણે ગુજરાતી ભાષાની સમૃદ્ધિમાં પોતાની માતૃભાષા અને બીજી માતૃવત્ કરેલી ભાષાઓની સમૃદ્ધિથી બહુ મોટો વધારો કર્યો છે. ગુજરાતી ભાષાને અનેક નવા શબ્દો, નવી કહેવતો, નવા રૂઢિપ્રયોગો આપ્યા છે. સાથે સાથે ગુજરાતી ભાષાના ગામડિયા ગણાતા, તળપદા મનાતા કેટલાય શબ્દો, કેટલીય કહેવતો વગેરેને પોતાના બહુશ્રુતત્વના સંસ્કારથી સંસ્કારી સાક્ષરપ્રિય બનાવ્યાં છે. અને ગુજરાતી ભાષામાં કોઈ પણ જાતિનું દારિદ્રય નથી એવી શ્રદ્ધા અંગ્રેજી ભક્તોમાં પ્રકટાવવામાં કાકાસાહેબનો પણ નાનોસૂનો ફાળો નથી. આ જ ન્યાયે કાકાસાહેબે મરાઠી ભાષાની સમૃદ્ધિમાં પણ કીમતી ફાળો આપેલો હોવો જોઈએ હું હોવો જોઈએ એટલા માટે લખું છું કે તેમનાં મરાઠી લખાણો મેં વિશેષ પ્રમાણમાં નથી સાંભળ્યાં). તેઓનાં હિન્દી લખાણો હું પહેલીથી સાંભળતો આવ્યો છું. અને જોતો આવ્યો છું કે તેમણે હિન્દી ભાષાની સમૃદ્ધિમાં કેટલો વધારો કર્યો છે! સબકી બોલી’, ‘સર્વોદય', મંગલપ્રભાત' જેવાં માસિકોમાં તો તેમનો પ્રાણ ધબકે જ, પણ બીજા અનેક પત્રપત્રિકાઓમાં અને પુસ્તકોમાં તેમનું હિન્દી લખાણ જે જોતા હશે. તેમ જ તેમનાં હિંદી અને ગુજરાતીમાં પ્રવચનો સાંભળતા હશે તે કહી શકશે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org