________________
ઉચ્ચ શિક્ષણની બોધભાષા • ૨૦૭ સિવાયના વિદ્વાનો આપણે સદ્ભાગ્યે હજી આપણી વચ્ચે છે. તેમણે કંઈ વિચાર બદલાયાની જાહેરાત કરી નથી. અને ગાંધીજીએ પોતાનો વિચાર ઉતાવળમાં કે અધીરાઈમાં કે અંગ્રેજીના દ્વેષથી પ્રેરાઈને ઓછો જ ઘડડ્યો હતો ? ગાંધીજી કેવળ વિધ્વંસનો વિચાર કરતા નહોતા, સાથે રચનાનો પણ વિચાર કરતા હતા. જેમ વિલાયતી કાપડની હોળી કરવાનું કહીને પ્રજાને કાંતવાનો માર્ગ એમણે બતાવ્યો તેમ અંગ્રેજી જેવી પરભાષાની ઉપાધિને કાઢ્યા પછી એના સ્થાનમાં કઈ ભાષા કઈ કક્ષામાં હોય તે સંબંધી એમની પાસે સ્પષ્ટ નિશ્ચય હતો. ઠેઠ આફ્રિકામાં રહેતા હતા તે કાળથી તે મરણપર્યંત એ નિશ્ચય એમણે ટકાવેલો. એમને મતે હિંદી રાષ્ટ્રભાષા હતી અને કેળવણીનું સ્વાભાવિક વાહન પ્રાન્તભાષા હતી. “હિંદ સ્વરાજ્યમાં લખ્યું તે વખતથી (શ્રી. પ્રભુદાસ ગાંધીના
જીવનનું પરોઢ' એ પુસ્તકનો આધાર લઈએ તો તેની પણ પહેલાંથી એટલે કે ૧૯૦૮ પહેલાંથી) તે ૧૯૪૮ના જાન્યુઆરી સુધી આગ્રહપૂર્વક અને વારંવાર એક જ પ્રકારનો મત એ પ્રગટ કરતા રહ્યા હતા. ૧૯૨૭માં એમણે લખેલું, “મેં ઘણી વાર કહ્યું છે તે ફરીને કહું છું કે હિંદી વાટે પ્રાન્તભાષાઓને દબાવવાનો મારો ઇરાદો નથી, પરંતુ હું તેમાં હિંદીને ઉમેરવા ચાહું છું. કે જેથી પ્રાંતો એકમેકનો જીવંત સંપર્ક સ્થાપી શકે. આનું પરિણામ એ પણ આવવું જોઈએ કે પ્રાંતભાષાઓ ને હિંદી બેઉ એથી સમૃદ્ધ બને.”
જો આમ છે તો પછી પૂ. ગાંધીજી નથી એટલી જ હકીકતનો લાભ લઈ આ પ્રશ્ન પૂરતી પરિસ્થિતિ બદલાયાની દલીલ કરી બુદ્ધિભેદ ઊભો કરવાનું પ્રયોજન રહેતું નથી – જોકે આગળ વધીને હું એમ પણ કહ્યું કે આપણને જે સાચું લાગતું હોય તે સમર્થોના વિરોધનું જોખમ વહોરીને પણ કહેવું જ જોઈએ. ગાંધીજી વગેરેના ઉતારા મેં મારા લેખમાં આપેલા તે બીજાઓને આંજીને તેમની વિચારશક્તિને કુંઠિત કરવા માટે નહિ જ, પણ પરિસ્થિતિમાં એકસરખાં દર્શનમાંથી જે એકસરખી વિચારસરણી પ્રગટી રહેલી તેનો ઉપયોગ મારા વક્તવ્યને પુષ્ટ કરવા માટે મેં કર્યો હતો. આટલો ખુલાસો પૂરતો થશે એમ માનું છું.
- બુદ્ધિપ્રકાશ, ઓગસ્ટ, ૧૯૪૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org