________________
૧૯૮ • પરિશીલન સમવાયી ભાવના અને એને સંપૂર્ણ કાર્યક્ષમ બનાવનારું પરિપૂર્ણ તંત્ર પણ શોધાઈ ગયેલ છે. આ સર્વ ઉપરાંત, સ્વદેશભક્તિમૂલક એકતાની લાગણી પણ પ્રજાના હૃદયમાં એવી દઢ રોપાઈ છે કે હવે સહેજમાં એ ઊખડી શકે એમ નથી. હવે તો ઉપરાષ્ટ્રો. સમા પ્રાન્તોની વાજબી આકાંક્ષાઓ તૃપ્ત કરવામાં એકતાનો હ્રાસ થવાનો ભય છે. વિવિધતામાં એકતાનો સિદ્ધાંત આ દેશની પ્રકૃતિને પથ્ય છે અને એની પરિપૂર્ણતાની દિશામાં જ એના અસ્તિત્વની મુખ્ય ગતિ થઈ છે. # માં વહુનો આવિર્ભાવ નિહાળવાની એની પ્રકૃતિ છે. અને એ જ એને એના સ્વભાવ અને સ્વધર્મ ના પાયા પર સ્થિર ગોઠવી આપશે.”
જો ઉપર સૂચવાયેલી દૃષ્ટિથી ગુજરાતમાં ગુજરાતી જ બોધભાષા થવા યોગ્ય હોય તો એની જગ્યા રાષ્ટ્રભાષાને આપવાની પાછળ કઈ દૃષ્ટિ છે તે પણ આપણે વિચારી લઈએ. એમ કહેવાય છે કે જો બોધભાષા ગુજરાતી હોય તો અખંડ રાષ્ટ્રીયતામાં ખલેલ પડે, અગર કાંઈ ને કાંઈ અનિષ્ટ અથડામણ ઊભી થાય. પણ આ મુદ્દો કહેવામાં જેટલો સરળ છે તેટલો જ સમજવામાં અઘરો છે. જો ગુજરાત બીજા પ્રાન્તોની પેઠે એક જુદો પ્રાન્ત રહેવાનો જ હોય અને સાથે હિન્દુસ્તાનના એક ભાગ તરીકે પણ રહેવાનો જ હોય તો, તેની બધી વિશેષતાઓ અન્ય પ્રાન્તોની પેઠે કાયમ રહેવાની, એ કાંઈ ભૂંસવાની નહિ જ. અને તે બધી વિશેષતાઓ જો હિંદુસ્તાનની અખંડતાને બાધક નહિ થાય તો માત્ર ભાષાની વિશેષતા અખંડતાને બાધક થશે એમ કહેવું એ કેટલું અસંગત છે ?
એ જ રીતે જે ઉચ્ચ શિક્ષણ પૂરતી રાષ્ટ્રભાષાને બોધભાષા તરીકે સ્વીકારવાથી અથડામણ ટળવાની હોય તો એ પણ ધ્યાનમાં રાખવું ઘટે કે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણની બોધભાષા ગુજરાતી રહેવાથી અથડામણનું મૂળ તો કાયમ જ રહેવાનું. કેળવણીની નવી રચનામાં ઘણું કરીને માધ્યમિક શિક્ષણને નાગરિકત્વ ખીલવાનું સ્વતંત્ર ધ્યેય રહેવાનું અને કેળવણી ફરજિયાત થતાં પણ રાષ્ટ્રમાં માધ્યમિક કક્ષા સુધીની કેળવણી જ ફરજિયાત થઈ શકવાની – જેમ આજે રશિયા આદિ પશ્ચિમના દેશોમાં છે તેમ અને જો પ્રાન્તિક સ્વશાસન ચાલુ જ રાખવામાં આવે તો એમાં આટલે સુધીની કેળવણી પામેલા સમાજની વિશિષ્ટ માન્યતાઓ, લક્ષણો, જરૂરતો આદિની છાયા પડવાની; એટલે કે શિક્ષણ પાછળની દૃષ્ટિ નીરોગી અને રાષ્ટ્રની અખંડતાને બાધક ન હોય તેવી રાખીને આ વિશિષ્ટત્વને નિરુપદ્રવી બનાવવું પડવાનું. જો હકીકત આમ જ હોય તો પછી ઉચ્ચ શિક્ષણમાં શા માટે સ્વાભાવિક, કૃત્રિમ અને ઉપરથી લાદેલી બોધભાષાનો આગ્રહ સેવવો?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org