________________
૧૯૨ પરિશીલન તે બોધભાષા તો ન જ રહી શકે. જેમ અંગ્રેજી તેમ બીજી કોઈ પણ ગુજરાતી-ભિન્ન ભાષા ગુજરાતમાં ગુજરાતીનું સ્થાન બોધભાષા તરીકે તો લઈ ન જ શકે. અને તેવું જ બીજા પ્રાન્તોમાં બીજી પ્રાન્તભાષાઓનું.
તેમ છતાં પ્રજાવ્યાપી કેળવણી સિવાયના જુદા જુદા હેતુઓથી ઉચ્ચ શિક્ષણના વાહન તરીકે અત્યારે રાષ્ટ્રભાષાની હિમાયત કરવામાં આવે છે. રાષ્ટ્રભાષાનું શિક્ષણ વિવિધભાષાભાષી આપણા દેશમાં આન્નપ્રાન્તીય વ્યવહાર માટે તેમ જ રાષ્ટ્રીય ઐકય અને અખંડતાની ભાવનાને દઢ કરવા માટે અનિવાર્ય છે, એ વિશે પણ ભાગ્યે જ બેમત છે. કોઈ પણ પ્રાન્તના રહીશને મધ્યસ્થ વહીવટી તંત્રમાં ગોઠવાતાં જરા પણ મુશ્કેલી ન પડે, એટલું જ નહિ, સાંસ્કૃતિક વિષયોમાં પણ જરૂર પડતાં વિચાર-વિનિમયને માટે સરળતાથી એને પ્રયોજી શકાય એટલું એનું શિક્ષણ આપવાનો પ્રબંધ અવશ્ય થવો જોઈએ, એ વિશે પણ મતભેદને ઝાઝો અવકાશ રહ્યો નથી. એટલે પ્રશ્ન તો રાષ્ટ્રભાષાને ઉચ્ચ શિક્ષણની બોધભાષા તરીકે સ્વીકારવી કે નહિ તે જ છે.
જો એને એ રીતે સ્વીકારીએ તો નીચેનાં પરિણામો માટે આપણે તૈયાર રહેવું જોઈએ :
૧. ઉપરથી નીચે સુધીની પ્રજામાં કેળવણીના દરેક પ્રવાહના એકસરખા લાભોની ઉપેક્ષા કરવી.
૨. ગુજરાતી ભાષાની શક્તિ વિશેષ વિકાસ માટે નથી, અથવા હોય તોપણ એવા વિકાસનો આગ્રહ રાખવાની જરૂર નથી, એમ માની આત્મસંતોષી થઈ જવું અને તેના વિકાસને બહુ તો કાવ્ય-નાટકાદિ જેવા સાહિત્યિક વિષય પૂરતો મર્યાદિત કરી લેવાની વૃત્તિ કેળવવી.
૩. સાહિત્યમાં પણ તેટલા જ વિકાસથી સંતોષ માનવો કે જેટલો બીજા અનેક વિષયોના સાહજિક ખેડાણ વિના સંભવિત હોય. (સાહિત્ય પણ વિકાસની પૂર્ણ કળાએ
ત્યારે જ પહોંચી શકે જ્યારે બીજા અનેક વિષયોનું જ્ઞાન પ્રજાવ્યાપી બનેલું હોય અને લેખકને ગળથૂથીમાં મળેલું હોય)
ઊલટ પક્ષે, જ્યારે ગુજરાતમાં ગુજરાતી ભાષાને જ બોધભાષા કરવાની હિમાયત કરીએ ત્યારે એ પણ જોવું જોઈએ કે, ગુજરાતી ભાષાની શક્તિ કેટલી છે અને તેના વિકાસની શક્યતા કેટલી છે ? ઇતિહાસ અને અનુભવ એમ કહે છે કે ગુજરાતી ભાષામાં શિક્ષણના સમગ્ર પ્રદેશોને આવરવાની શક્તિ અવશ્ય છે. જ્યારે જ્યારે એને યોગ્ય હાથનું સંચાલન મળ્યું છે ત્યારે ત્યારે એણે એ શક્તિ પુરવાર કરી છે. છેલ્લે ગૂજરાત વિદ્યાપીઠ અને ગાંધીજી દ્વારા ગુજરાતી ભાષાએ પોતાનું જે અસાધારણ પોત દર્શાવ્યું છે તે એનું ઉત્તમ ઉદાહરણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org