________________
વટબીજનો વિસ્તાર • ૧૮૭ અહેવાલ વાંચનારના લક્ષ ઉપર આવ્યા વિના રહી ન શકે તેવી એક બાબત સમગ્ર વિદ્યાપ્રવૃત્તિમાં સધાયેલો – ધી-શ્રીનો સંયોગ છે. એક પ્રાચીન સૂત્ર અત્યારે સ્મૃતિપટ પર આવે છે. ધી–શ્રી–સ્ત્રી. હું અહીં સ્ત્રીપદને માતા સરસ્વતીની આરાધના માટેની સંસ્થાના પ્રતીક તરીકે લઉં છું. જો એવી આરાધના સાધન સાથે પણ સમજણપૂર્વક કરવી હોય તો એ માટે ધી-શ્રીનો જીવનદાયી સમન્વય આવશ્યક છે, જે સોસાયટીએ પહેલેથી જ સિદ્ધ કર્યો છે. સરકાર સાથે કામ લેવાનું તેમ જ બંધારણ અને કાયદાકાનૂની ગૂંચોમાંથી ક્ષેમકર માર્ગ કાઢવાનું ડહાપણ તે ધી, અને લક્ષ્મી ઉપાર્જન કરી એનો વિનિયોગ કરવાનું ડહાપણ તે શ્રી. આ બંનેમાં એકની પણ ઊણપ કે કચાશ હોત તો સોસાયટીએ કરવા ધારેલ પ્રગતિ આટલી ટૂંક મુદતમાં કદી સધાત નહિ. એમ તો ગુજરાત વ્યાપાપ્રધાન હોઈ એની પ્રકૃતિમાં જ સમન્વયશક્તિ રહેલી છે, પણ પ્રજાહિતના શિક્ષણ જેવા મંગળવાહી ઉદ્દેશને સિદ્ધ કરવામાં એવો સમન્વય સધાવો એ જેવી તેવી સિદ્ધિ નથી. હું સમજું છું કે આ જ વસ્તુ સોસાયટીનો ધબકતો પ્રાણ છે.
એસ.એલ.ડી આર્ટ્સ કૉલેજની સ્થાપના માટે સખાવત કરતી વખતે અને ઈજનેરી કૉલેજની સ્થાપના માટે સખાવત જાહેર કરતી વખતે અનુક્રમે સોસાયટી સમક્ષ તેમ જ સરકાર સમક્ષ સખાવત કરનાર શેઠશ્રીએ જે શરતો મૂકી છે તે સંખ્યામાં છે તો સાવ ઓછી અને કદમાં સાવ નાની, પણ એનું મર્મ વિચારતાં માલુમ પડે છે કે એમાં પૂરું વેપારી ડહાપણ સમાઈ જાય છે. આર્ટસ કોલેજ માટેની શરતમાં મુખ્ય હેતુ એવો છે કે એમાં અનુભવી સમર્થતમ અધ્યાપકો રોકવામાં આવે, અને સોસાયટી બીજા ધનિકોમાં પણ સખાવતવૃત્તિ વિકસાવે. સરકાર સામેની શરતોમાં પહેલી શરતનો હેતુ એ છે કે ઇજનેરી શિક્ષણની કોઈ પણ શાખા ઉપેક્ષિત ન રહે અને એનું શિક્ષણ છેલ્લામાં છેલ્લી વિકસિત ઢબનું ઉત્તમ હોય. વધારે ડહાપણ તો એમાં દેખાય છે કે શરત સરકારને છૂટે હાથે ખર્ચ કરી કૉલેજ ચલાવવા બાંધી લે છે. મારી દૃષ્ટિએ એથીયે વધારે વ્યવહાર ડહાપણ આગલી શરતમાં છે, અને તે એ કે તત્કાળ કોલેજ સરકાર બંધાવે તો એનાં બાંધકામ અને પૂર્ણ સાધનો સાથેનો જે ખર્ચ થાય તેનો અરધો ભાગ દાતા આપશે, એ બાંધકામ તેમ જ સાધનો વસાવવાની જવાબદારી જો શેઠ કસ્તુરભાઈને સોંપવામાં આવે તો જ. આ શરતમાં કોલેજની શ્રેષ્ઠતા, કાર્યની શીઘ્રતા અને અપવ્યયથી બચત, એ ત્રણ તત્ત્વ સમાયેલાં છે. આપણે જાણીએ છીએ કે સરકાર ધારીએ તેટલી ઝડપથી કામ નથી કરી શકતી, અને એનાં કામમાં પર હાથે કામ લેવાનું હોઈ ઘણો અપવ્યય પણ થાય છે અને કેટલીક વાર તો એ કામ ઉચ્ચ કોટિનું ભાગ્યે જ હોય છે. આ સર્વસાધારણ અનુભવોનો લાભ લેવા માટે જ દાતાઓએ આ શરતો મૂકી છે. મારી દૃષ્ટિએ ભવિષ્યના દાતાઓ માટે આ વસ્તુ પદાર્થપાઠ જેવી ગણાવી જોઈએ. દાન કરવું એ તો સદ્દગુણ છે જ, પણ એની કાર્યસિદ્ધિની દૃષ્ટિએ યોગ્ય ચોકી કરવી એ તેથીયે મોટો વિવેકપૂર્ણ સગુણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org