________________
૧૮૮ • પરિશીલન
પૂ. ગાંધીજી વિદ્યમાન હતા ત્યારે પણ અમદાવાદમાં ચાલતી આ વિદ્યાપ્રવૃત્તિને ઉપસ્થિતિ દ્વારા આશીર્વાદ આપવાનો પ્રસંગ સુલભ રહ્યો ન હતો, પણ એમના જમણા હાથ જેવા વજપુરુષ સરદારશ્રીએ આ પ્રવૃત્તિ પરત્વે હંમેશાં પૂરો રસ લીધો હતો અને પોતાની જાતહાજરી તેમ જ વિશિષ્ટ પ્રયાસો દ્વારા સોસાયટીના કાર્યકર્તાઓના ઉત્સાહને ઉત્તેજન આપ્યું હતું. કૉમર્સ કૉલેજના મકાનનું ઉદ્દઘાટન એમને હાથે થયું, તેમ જ યુનિવર્સિટીના મકાનનું ખાતમુહૂર્ત પણ એમણે કર્યું અને એમણે જ સલાહ આપી કે ખેતીવાડીની કૉલેજ આણંદમાં જ શરૂ કરવી ને એ ગુજરાત વિશ્વવિદ્યાલયનું અંગ બને. સરદારશ્રીની દીર્ઘ દૃષ્ટિ અને ગુજરાત વિશ્વવિદ્યાલય પ્રત્યે મમતાથી પ્રભાવિત થઈ શ્રી. અમૃતલાલ શેઠે પોતાની દેણગી આણંદમાં ખેતીવાડીની કૉલેજ સ્થાપવા આપી એ વસ્તુ નોંધપાત્ર છે. સરદારશ્રી ગુજરાત યુનિવર્સિટી ટ્રસ્ટના પહેલા પ્રમુખ. અત્યારે શ્રી. ગ. વા. માવળંકર પ્રમુખ છે, પણ એ તો સરદારશ્રીના સ્વર્ગવાસ પછી જ. આ બધું જોતાં એક બાબત સ્પષ્ટ થાય છે કે ગાંધીજીની કલ્પના પ્રમાણે સ્થપાયેલી અને ચાલતી અનેક સંસ્થાઓમાં સરદારશ્રીને જેટલો રસ હતો તેથી જરાયે ઓછો રસ એમણે ગુજરાતમાં ખીલતી બીજી વિદ્યાપ્રવૃત્તિઓ વિશે દાખવ્યો નથી. મહાન પુરુષની દૃષ્ટિ અને પ્રવૃત્તિ કાંઈ એક જ માર્ગમાં બંધાઈ નથી રહેતી; એ તો જ્યાં જ્યાં જેટલું જેટલું પ્રજાક્ષેમ જુએ ત્યાં ત્યાં તેટલું તેટલું ધ્યાન આપ્યા સિવાય રહી જ ન શકે.
લૉ સોસાયટી હોય કે અમદાવાદ એજ્યુકેશન સોસાયટી હોય, પણ એ બંનેનું લક્ષ ગુજરાત વિશ્વવિદ્યાલયની કલ્પનાને મૂર્ત રૂપ આપવાનું પ્રથમથી જ રહ્યું છે, અને એ ઉદ્દેશની સિદ્ધિ અર્થે સોસાયટીના બધા પ્રયાસ થાય છે, એ બાબત અહેવાલ વાંચનારથી અજ્ઞાત રહે એમ છે જ નહિ. વિશ્વવિદ્યાલય અને એની અંગભૂત બધી જ નાનીમોટી સંસ્થાઓ એક જ સ્થાનમાં પાસે પાસે હોય તો આખું એક વિદ્યાચક્રવાલ રચાય ને વિદ્યાના સંસ્કાર જાણ્યે-અજાણ્યે અરસપરસમાં સંક્રાન્ત થાય, એવા ઉદાત્ત ધ્યેયથી જ બધી સંસ્થાઓને એક સ્થળે સાંકળવામાં આવી છે. બધી સંસ્થાઓ પોતપોતાની પ્રવૃત્તિ અંગે અને બીજી દૃષ્ટિએ ભલે સ્વતંત્ર હોય, છતાં એ બધીમાં સળંગસૂત્રતા અને એકવાયતા કે સંવાદપણું સચવાઈ અને ઉત્તરોત્તર એ વિકસતું રહે એવો હેતુ સોસાયટીના કાર્યકર્તાઓની નજર સમક્ષ સદા રહ્યો છે, એ આપણે મકાનોની રચના, તંત્રનો સંબંધ અને કાર્યકર્તાઓની સમાન મમતા – એ બધાં ઉપરથી જોઈ શકીએ છીએ.
અહેવાલમાં ગુજરાત વિદ્યાસભાના આશ્રયે ચાલતા ભો. જે. વિદ્યાભવનનો નિર્દેશ છે, તો એ વિશે પણ મારો વિચાર અહીં દર્શાવવો જોઈએ. વિશ્વવિદ્યાલયની ભૂમિમાં ચાલતી અનેક સંસ્થાઓ છે, પણ મને એ બધીનો પરિચય નથી અંતરંગ કે નથી પૂરો. એથી ઊલટું, વિદ્યાભવન વિશે હું કાંઈક વધારે નિકટતાથી જાણું છું. એની ધ્રુવજીના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org