________________
૧૧. વારસાનું વિતરણ
દેહપાત વિના જ નવો જન્મ ધારણ કરવાની – દ્વિજત્વ પામવાની – શક્તિ મનુષ્યજાતને જ વરેલી છે. બાળક આંખ, કાન આદિ સ્થળ ઇન્દ્રિયો દ્વારા પશુપક્ષીઓની જેમ માત્ર રોજિદું જીવન જીવવા પૂરતી તાલીમ મેળવી લે છે, ત્યારે એનો પ્રથમ જન્મ પૂરો થાય છે, અને તે જ્યારે વર્ષો જ નહિ, પણ પેઢીઓ પહેલાંના માનવજાતે મેળવેલા આચારવિચારના વારસાને મેળવવા પગરણ માંડે છે ત્યારથી જ તેનો બીજો જન્મ શરૂ થાય છે. સામાન્ય રીતે આવા બીજા જન્મની પૂર્તિ ઘર અને સમાજમાં થાય તે કરતાં વધારે સારી રીતે શાળા-મહાશાળાના વ્યવસ્થિત વર્ગોમાં થાય છે. ત્યાં શિક્ષક કે અધ્યાપક પોતે મેળવેલ અતીત વારસાનું તેમ જ પોતાની કલ્પના અને આવડતથી એમાં કરેલ વધારાનું વિતરણ કરે છે. આમ દ્વિજત્વની સાધનાના સમયે જે જ્ઞાનની લેવડદેવડ ચાલે છે તે જ ખરું વારસાનું વિતરણ છે, પરંતુ માત્ર વર્ગમાં સામૂહિક રીતે થયેલી એ લેવડ-દેવડ જ્યારે લેખબદ્ધ થઈ વધારે વ્યવસ્થિત અને વધારે સુંદર રીતે સર્વગમ્ય થાય છે ત્યારે એ વિતરણ સમાજવ્યાપી બને છે. પ્રસ્તુત પુસ્તક એ એવા એક વિતરણનું ઉદાહરણ છે.
પુરુષસૂક્તમાં સમાજજીવનને આવશ્યક એવાં કર્મોના ચાર વિભાગ કરી જનસમાજને ચાર વિભાગમાં કહ્યો છે. તે કાળે એ વિભાગો ભલે અભેદ્ય ન હોય, છતાં કાળક્રમે એ વિભાગો જન્મસિદ્ધ મનાતા અને તે સાથે ઊંચનીચપણાની ભાવના જોડાતાં અભેદ્ય નહિ તો દુર્ભેદ્ય બન્યા જ હતા. એ દુર્ભેદ્યતા ભેદાવાનો અને ફરી તે પાછી અસ્તિત્વમાં આવવાનો, એવા બે યુગો પણ વીત્યા. ગુણકર્મ દ્વારા જ વર્ણવિભાગ અને નહિ કે માત્ર જન્મ દ્વારા જ, એ વસ્તુ સિદ્ધ કરવાના કેટલાય પ્રયત્નો થયા ને તેમાં કેટલેક અંશે સફળતા પણ આવી, પરંતુ મહાત્મા ગાંધીજી પહેલાં કોઈ વ્યક્તિએ એ સત્યનું સ્પષ્ટ દર્શન, નિર્ભય પ્રતિપાદન અને સ્વજીવનથી આચરણ કર્યું ન હતું કે પ્રત્યેક જીવંત વ્યક્તિએ જીવનને આવશ્યક એવા ચતુર્વિભાગી કર્મોની તાલીમ મેળવવી જ જોઈએ અર્થાત્ માત્ર આખા સમાજે નહિ, પણ સમાજઘટક પ્રત્યેક વ્યક્તિએ ચતુર્વર્ણ થવું જોઈએ. માણસ મુખ્યપણે ભલે કોઈ એક જ વર્ણને લગતું જીવન જીવે, પણ તેણે ચારે વર્ણને લગતાં કર્મોની આવડત કેળવવી જોઈએ. એ વિના જેમ સમાજ બહારથી સુરક્ષિત નથી થવાનો, તેમ તે ઊંચનીચપણાના મિથ્યા અભિમાનથી પણ મુક્ત નથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org