________________
આસ્તિક અને નાતિક શબ્દની મીમાંસા • ૯૧ જ તેમનામાં પોતાના વિચારો જગવ્યાપી કરવાની શક્તિ ન હોત તો તેઓ અત્યારે જે કહે છે તે જ અંત્યજ અને વિધવા વિશે કહેતા હોત, છતાં ભારે નાસ્તિક અને મૂર્ખ મનાત અને મનુના વારસદાર તેમનું ચાલત તો તેમને શૂળીએ પણ ચડાવત.
આ રીતે જ્યારે આવેશી પુરાતનપ્રેમીઓએ આવેશમાં આવી વગર વિચાર્યું ગમે તેવા વિચારી અને ગમે તેવા લાયક માણસને પણ ઉતારી પાડવા અને તેની વિરુદ્ધ લોકોને ઉશ્કેરવા નાસ્તિક જેવા શબ્દો વાપર્યા ત્યારે તે શબ્દોમાં પણ ક્રાન્તિ દાખલ થઈ અને એનું અર્થચક્ર બદલાતાં મહત્તાચક્ર બદલાવા લાગ્યું અને સ્થિતિ લગભગ એવી આવી ઊભી છે કે રાજદ્રોહની પેઠે નાસ્તિક, મિથ્યાષ્ટિ આદિ શબ્દો માન્ય થતા ચાલ્યા છે. કદાચ જોઈતા પ્રમાણમાં માન્ય ન થયા હોય તોપણ હવે એનાથી કોઈ ભાગ્યે જ ડરે છે. ઊલટું પોતાને રાજદ્રોહી કહેવડાવવા જેમ ઘણા આગળ આવે છે તેમ ઘણા તો નિર્ભયતા કેળવવા પોતાને નાસ્તિક કહેવડાવતાં જરાય ખંચકાતા નથી અને જ્યારે સારામાં સારા વિચારકો, લાયક કાર્યકર્તાઓ અને ઉદાર મનના પુરુષોને પણ કોઈ નાસ્તિક કહે છે ત્યારે નાસ્તિક અને સમ્યગ્દષ્ટિ જેવા શબ્દોનો અર્થ બદલાઈ જાય છે અને હવે તો આસ્તિક તેમ જ સમ્યગ્દષ્ટિ શબ્દનો લગભગ વ્યવહારમાં લોકો એ જ અર્થ કહે છે કે જે સાચી કે ખોટી ગમે તેવી જૂની રૂઢિને વળગી રહે, તેમાં ઉચિતપણા કે અનુચિતપણાનો વિચાર ન કરે, કોઈ પણ વસ્તુની પરીક્ષા અગર તર્ક-કસોટી સહન ન કરે, સાચું કે ખોટું કાંઈ પણ તપાસ્યા સિવાય નવા વિચાર, નવી શોધ અને નવી પદ્ધતિમાત્રથી ભડકે અને છતાંય કળાક્રમે એને પરાણે વશ થતો જાય તે આસ્તિક તે સમ્યગ્દષ્ટિ. આ રીતે વિચારક અને પરીક્ષક અગર તર્કપ્રધાન અર્થમાં નાસ્તિક આદિ શબ્દોની પ્રતિષ્ઠા જામતી જાય છે અને કદાગ્રહી, ઝનૂની એવા અર્થમાં આસ્તિક આદિ શબ્દોની દુર્દશા થતી દેખાય છે. આ જમાનામાં જ્યારે શસ્ત્રથી લડવાનું ન હતું ત્યારે દરેકને માટે લડવાની વૃત્તિ તૃપ્ત કરવાનો આવો શાબ્દિક માર્ગ રહ્યો હતો અને નાસ્તિક કે મિથ્યાદૃષ્ટિ શબ્દોના ગોળા ફેંકાતા, પણ આ અહિંસક યુદ્ધ જેમ શસ્ત્રને નિષ્ક્રિય કર્યા તેમ પેલા નાસ્તિક આદિ શબ્દો, જે વિષમય અસ્ત્રની પેઠે ફેંકાતા, તેને પણ નિર્વિષ અને ઘણી વાર તો જીવનપ્રદ અમૃત જેવા બનાવ્યા. આ ક્રાંતિયુગનો પ્રભાવ છે, પણ આથી કોઈ વિચારકે કે સુધારકે હરખાઈ પોતાનું કર્તવ્ય ભૂલી જવાનું નથી. ઘણી વાર ક્ષુલ્લક વિચારકો અને ભીરુ સ્વાર્થી સુધારકો પોતાને નાસ્તિક કહેવડાવીને પણ સામા પક્ષને અન્યાય કરવા તૈયાર થાય છે. તેઓએ પણ ચેતવાનું છે. ખરી રીતે કોઈ પક્ષકારે આવેશ કે ઝનૂનમાં આવી જઈ બીજા પક્ષને માત્ર વગોવવા ખાતર કોઈ પણ જાતના શબ્દનો પ્રયોગ કરવો એ તાત્ત્વિક દૃષ્ટિએ હિંસા જ છે. પોતાનાથી ભિન્ન વિચાર ધરાવનાર માટે સમભાવે અને પ્રેમથી યોગ્ય શબ્દ વાપરવો એ એક વાત છે અને ઝનૂનમાં આવી બીજાને ઉતારી પાડવા હદ ઓળંગી અમુક શબ્દો વાપરવા એ બીજી વાત છે;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org