________________
૧૧૦૦ પરિશીલન પ્રલોભન દ્વારા સોક્રેટિસ મૃત્યુના મુખમાંથી બચી શકતો હતો, પરંતુ તેણે શારીરિક જીવન કરતાં આધ્યાત્મિક જીવનને પસંદ કર્યું અને મૃત્યુ એને ડરાવી ન શક્યું. જિસસ ક્રાઈસ્ટ પોતાનો નૂતન પ્રેમસંદેશ આપવાની જવાબદારી અદા કરવામાં શૂળીને સિંહાસન માન્યું. આવાં પ્રાચીન ઐતિહાસિક ઉદાહરણોની સત્યતા વિશે જાગતી શંકાને દૂર કરવા માટે જ જાણે કે ગાંધીજીએ હમણાં હમણાં જે ચમત્કાર બતાવ્યો છે તે સર્વવિદિત છે. એમને હિન્દુત્વ-આર્યત્વના નામે પ્રતિષ્ઠા પ્રાપ્ત બ્રાહ્મણ તથા શ્રમણની સેંકડો કુરૂઢિપિશાચિનીઓ ચલિત ન કરી શકી. હિન્દુ-મુસલમાનોની દંડાદડી, શસ્ત્રાશસ્ત્રીની પણ એમને કર્તવ્યચલિત ન કરી શકી કે મૃત્યુ પણ એમને ડરાવી ન શક્યું. તે આપણા જેવા જ માણસ હતા. તો પછી એવું કયું કારણ છે કે જેને લીધે એમની કર્તવ્યદૃષ્ટિ કે જવાબદારી આવી સ્થિર, વ્યાપક તથા શુદ્ધ હતી, જ્યારે આપણી એનાથી તદ્દન વિપરીત છે ? આનો જવાબ સીધો છે કે આવા પુરુષોમાં જવાબદારી કે કર્તવ્યદૃષ્ટિનો પ્રેરક ભાવ જીવનશક્તિના યથાર્થ અનુભવમાંથી આવેલો હોય છે, જે આપણામાં નથી.
આવા પુરુષોને જીવનશક્તિનો જે યથાર્થ અનુભવ થયો છે એને જ જુદા જુદા દાર્શનિકો જુદી જુદી પરિભાષામાં વર્ણવે છે. કોઈ એને આત્મસાક્ષાત્કાર કહે છે તો કોઈ બ્રહ્મસાક્ષાત્કાર કે ઈશ્વરદર્શન કહે છે, પરંતુ એમાં કાંઈ પણ ફરક નથી. ઉપરના વર્ણનથી મેં એ બતાવવાનો પ્રયત્ન કર્યો છે કે મોહજનિત ભાવો કરતાં જીવનશક્તિનો યથાર્થ અનુભવજનિત ભાવ કેટલો અને શા માટે શ્રેષ્ઠ છે તથા એનાથી પ્રેરિત કર્તવ્યદૃષ્ટિ તથા જવાબદારી કેટલી શ્રેષ્ઠ છે. તે વસુધાને કુટુંબ સમજે છે. તે એ જ શ્રેષ્ઠભાવને કારણે. આવો ભાવ શબ્દોથી નથી આવી શકતો, અંદરથી જાગે છે; અને એ જ માનવના પૂર્ણ વિકાસનું મુખ્ય સાધન છે. એની પ્રાપ્તિ માટે જ અધ્યાત્મશાસ્ત્ર છે, યોગમાર્ગ છે તથા એની સાધના એ જ માનવજીવનની કૃતાર્થતા છે.
- બુદ્ધિપ્રકાશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org