________________
ખરો કેળવણીકાર • ૧૨૭ હાથે વાવેલ અને ઉગાડેલ દક્ષિણામૂર્તિના ભાવનગર-સ્થિત વડલાને છોડ્યો; અને તે પણ તે સંસ્થામાંથી કશું જ લીધા સિવાય. આ કાંઈ જેવોતેવો ફેરફાર ન ગણાય. એ ફેરફારના મુખ્ય કારણ લેખે મને તેમનામાં રહેલી નૈતિક શુદ્ધિ, ચારિત્રનિષ્ઠા અને સ્વીકારેલ ધોરણને અંદર તથા બહારથી શુદ્ધિપૂર્વક વળગી રહેવાની ચીવટ, એ લાગે છે. જ્યારે તેમણે જોયું હશે કે દક્ષિણામૂર્તિની પેઢી તો જાહોજલાલી ભોગવે છે, પણ અંદર અમુક શિથિલતા કે સડો દાખલ થયાં છે, ત્યારે જ તેમનો આત્મા કકળી ઊઠ્યો હશે. ખરી આધ્યાત્મિકતા આવે વખતે જ દેખા દે છે. તેમણે ભાવનગર દક્ષિણામૂર્તિનું કલેવર છોડ્યું, પણ તેનો આત્મા તો તેમની પોતાની સાથે જ હતો. ગાંધીજી અમદાવાદથી વધુ જઈ બેઠા તો સત્યાગ્રહનો આત્મા પણ સાથે ગયો. ગાંધીજીએ નઈ તાલીમની નવદૃષ્ટિ કેળવણીકારો સમક્ષ રજૂ કરી. ઘણાને શ્રદ્ધાથી, ઘણાને પ્રભાવથી અને ઘણાને અધૂરીપૂરી સમજણથી ગાંધીજીની એ દૃષ્ટિ પ્રત્યે આકર્ષણ જગ્યું. પણ સ્પષ્ટ અને મક્કમ સમજણપૂર્વક ગાંધીજીની એ દૃષ્ટિને સંવેદનમાં ઝીલનાર બહુ વિરલ હતા. નાનાભાઈ તેમાંના એક, અને કદાચ મોવડી. વળી નાનાભાઈની પાસે દક્ષિણામૂર્તિની સાધનાનું આંતરિક ભંડોળ કાંઈ જેવું તેવું ન હતું. તેની સાથે સાથે આ નઈ તાલીમની દૃષ્ટિ ઉમેરાઈ, એટલે તેમણે દક્ષિણામૂર્તિના આત્માની સાથે ગામડા ભણી પ્રયાણ કર્યું અને ત્યાં જ દક્ષિણામૂર્તિની પૂજા શરૂ થઈ. આંબલા ગ્રામદક્ષિણામૂર્તિનો ૧૨-૧૪ વર્ષનો વિકાસ અને વિસ્તાર જોતાં તેમ જ તેમને મળેલ કાર્યકર્તાઓનો સાથ અને સરકારી તેમ જ બિનસરકારી કેળવણીકારોનું આકર્ષણ જોતાં એમ કહી શકાય કે નઈ તાલીમની દૃષ્ટિએ અત્યારે જ્યાં જ્યાં ખરું કામ થઈ રહ્યું છે તેમાં ગ્રામદક્ષિણામૂર્તિનું સ્થાન અગત્યનું છે. ભાવનગર અને આંબલા એ બંનેમાં સ્થાનભેદ ખરો, પણ કેળવણી અને શિક્ષણનો આત્મા તો એક જ, ઊલટું, ભાવનગર કરતાં આંબલામાં એ આત્માએ નઈ તાલીમના સંસ્કારનો પુટ મળવાથી લોકલ્યાણની દૃષ્ટિએ બહુ વિકાસ સાધ્યો છે, એમ મને ચોખ્ખું લાગે છે. આંબલાનાં ૧૨-૧૪ વર્ષના એ અનુભવ-પરિપાકના બળે નાનાભાઈને લોકભારતી ગ્રામવિદ્યાપીઠ શરૂ કરવાનું સ્વપ્ન આવ્યું અને તે મૂર્ત પણ થયું. આવું સ્વપ્ન મૂર્ત ત્યારે જ થાય કે જો ધારેલ ગણ્યાગાંઠ્યા પણ સાથીઓ મળે. નાનાભાઈને એવા શિષ્યો અને સાથીઓ મળ્યા. આની ચાવી શેમાં છે તે પણ આ સ્થળે જાણી લેવું ઘટે.
કોઈ પણ માણસ માત્ર પુસ્તકો લખી કે ભાષણો આપી સમર્થ કાર્યક્ષમ માણસોની પરંપરા પેદા નથી કરી શકતો. ગાંધીજીએ આશ્રમો ઊભા કરી કુનેહપૂર્વક ચલાવ્યા ન હોત તો આજે તેમની તપસ્યાને ઝીલનાર જીવતો છે તેવો વર્ગ પણ હયાતીમાં ન હોત. નાનાભાઈને પણ એ ચાવી પ્રથમથી જ લાધેલી. એમણે દક્ષિણામૂર્તિ સાથે જ છાત્રાલય શરૂ કર્યું અને આશ્રમજીવનનો પાયો નાખ્યો. એ જ જીવનમાંથી તેમને કેટલાક સાથીઓ મળી ગયા; અને તે આંબલાની યાત્રાથી સણોસરાની યાત્રા લગી કાયમ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org