________________
૯. હિંસાની એક આડકતરી પ્રતિષ્ઠા
શ્રીયુત અંબાલાલ પુરાણીનો ‘દક્ષિણા' વર્ષ ૨, અંક બીજામાં અહિંસા' એ મથાળા નીચે એક વિસ્તૃત લેખ પ્રસિદ્ધ થયો છે. આ આખો લેખ પ્રશ્નોત્તર રૂપમાં છે. કેટલાક પ્રશ્નોત્તરો તો એવા છે કે જેનું વિચારમાં નજીવું મહત્ત્વ છે, છતાં વિચારણીય કહી શકાય એવા મહત્ત્વના પ્રશ્નોત્તરો પણ ઘણા છે. જોકે એ પ્રશ્નોત્તરો વિશે વિસ્તારથી ચર્ચા કરવી ઇષ્ટ છે, પણ મૂળે એ પ્રશ્નોત્તરો જ વિસ્તૃત છે અને તેની વિગતવાર ચર્ચા કરવા જતાં અતિવિસ્તાર થયા સિવાય રહે નહિ. વળી, ચર્ચામાં પ્રશ્નોત્તરો લેખકની ભાષામાં રજૂ કર્યા હોય તો જ વાંચનારને બંને બાજુનો કાંઈક ખ્યાલ આવી શકે અને તે ઉપર પોતાનો વિચાર બાંધી શકે. આ બધું કરવા જતાં જે અતિવિસ્તાર થાય તેને મર્યાદિત કદનું કોઈ પણ સામયિકપત્ર એક જ અંકમાં ભાગ્યે જ છાપી શકે અને ખંડશઃ છપાતાં સામાન્ય વાંચનારનો વિચાઅવાહ પણ ખંડિત જેવો બની જવાનો ભય છે. તેથી પ્રસ્તુત ચર્ચામાં શ્રીયુત પુરાણીના ખાસ મુદ્દઓને સ્પર્શી વિચાર કરવો ઉચિત છે.
શ્રી પુરાણી ગુજરાતી છે અને સુશિક્ષિત પણ છે. મૂળે તે વ્યાયામનિષ્ણાત તરીકે ઘણાને જાણીતા હતા, પણ અનેક વર્ષો થયાં તેઓ શ્રી અરવિંદની સાધનાને વરેલા છે અને પોંડિચેરી, શ્રી. અરવિંદ આશ્રમમાં રહે છે. અનેક વર્ષો પછી તેઓ ૧૯૪૭માં ગુજરાતમાં પહેલવહેલા આવેલા. હું પહેલાં કે પછી તેમને કદી મળ્યો નથી, પણ પ્રથમ તો તેમના લખાણ દ્વારા અને પછી કેટલાક મિત્રો દ્વારા તેમને વિશે પરોક્ષપણે કાંઈક જાણવા પામ્યો છું. મેં સૌથી પહેલાં શ્રી અરવિંદના પૂર્ણયોગનું તેમણે ગુજરાતીમાં કરેલ ભાષાંતર સાંભળ્યું ત્યારે જ, જોકે હું એ ભાષાંતરથી પરિતૃપ્ત ન હતો છતાં, એવા ગંભીર અને દુરૂહ તત્ત્વચિંતનને ગુજરાતીમાં ઉતારવાના તેમના સાહસથી તેમના પ્રત્યે આકર્ષાયો હતો. તેમને પ્રત્યક્ષ જાણનાર એવા વિશ્વસ્ત તેમ જ સહૃદય વિદ્વાન મિત્રો દ્વારા જ્યારે મેં તેમની યૌવનસુલભ ચપળતા અને કર્મકસુલભ કાર્યશીલતા વિશે સાંભળ્યું ત્યારે તેમના પ્રત્યે મારું આકર્ષણ ઓર વધ્યું. શ્રી અરવિંદ જેવા યોગીન્દ્રની સમીપમાં લાંબો વખત સતત રહેવાની અને સાધનામાં ભાગીદાર બનવાની તક એ પણ આકર્ષણનું જેવું તેવું નિમિત્ત નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org