________________
જ • પરિશીલન અને સૌને ક્ષેમકર થાય એવો ગીતાનો સવળો અર્થ છોડી કાળજૂના રૂઢિગત અર્થનો આશ્રય લેવામાં પુરાણીને શું નવું રહસ્ય બતાવવાનું છે, એ જ સમજમાં ઊતરતું નથી.
પુરાણી પોતાના લેખમાં એક સ્થળે કહે છે કે નાઝીવાદનો નાશ કરવો હોય તો કેટલાક નાઝીઓને માર્યા વિના તે ન બને. આ સ્થળે કોઈ પુરાણીને એમ પૂછી શકે કે મૂડીવાદી અમેરિકા સામ્યવાદનો ઉચ્છેદ કરવા માગે તો શું તેણે કેટલાક સામ્યવાદીઓને ઠાર કરવા? એ જ રીતે સામ્યવાદી રશિયા મૂડીવાદનો મૂળોચ્છેદ કરવા ઇચ્છે તો શું તેણે કેટલાક સમર્થ મૂડીવાદીઓને મારવા ? જો આ વસ્તુ પુરાણીને કરવા જેવી દેખાય તો પછી નાઝીવાદીઓના નાશની ગઈ ગુજરી વાત ભૂલી જઈ અત્યારે મૂડીવાદ અને સામ્યવાદ વચ્ચે જે સંઘર્ષ ચાલી રહ્યો છે તેના ઈલાજ લેખે તેમણે મૂડીવાદીઓ અને સામ્યવાદીઓના પરસ્પર નાશનો સંહારક માર્ગ જ સૂચવવો જોઈતો હતો, કેમ કે તેમના મતે કોઈ પણ સિદ્ધાંતની સ્થાપના તેના કેટલાક વિરોધીઓના નાશ વિના શકય જ નથી. એટલે પુરાણીની ગણતરી પ્રમાણે જગતના સંવાદી તંત્ર માટે સુંદોપસંદ ન્યાય જ મહત્ત્વનો છે એમ ઠર્યું.
પુરાણીના લેખનો મુખ્ય ઝોક હિંસક વૃત્તિની અનિવાર્યતા તેમ જ તેના લાભો સૂચવી વિરાધીઓ સામે શસ્ત્ર ઉગામવાની વૃત્તિને ઉત્તેજન આપવાનો છે. તેથી જ તેઓ અહિંસાના અમલથી સિદ્ધ થયેલા લાભોને કાં તો ધ્યાનમાં જ નથી લેતા અને કાં તો તેને હળવામાં હળવી રીતે રજૂ કરે છે. તેથી ઊલટું, અહિંસાના અમલ દરમિયાન એક યા બીજે કારણે અનિષ્ટ જગ્યું હોય અગર તો કોઈએ અહિંસાના આચરણમાં દંભ સેવ્યો હોય એ બીજી બાજુને વધારેમાં વધારે અસરકારક રીતે રજૂ કરે છે. રજૂઆતની આવી વિકૃત મનોદશા વખતે પુરાણી એક સાદું સત્ય ભૂલી જાય છે કે ખેતરનો કોઈ પણ પાક ચાર યા ઘાસ વિના એકલું અનાજ પેદા કરી શકે નહિ. હું અંતમાં પુરાણીને એટલું વીનવીશ કે તેમને પ્રભુના રુદ્રરૂપની કે લોકક્ષયકારી કાળરૂપની પણ ઉપાસના કરવી હોય તો તે માટેનો માર્ગ જાહેર કાર્યક્ષેત્રમાં આવી પોતાની માન્યતા અજમાવવી એ જ છે, નહિ કે પાછળ રહી પરિણામશૂન્ય બુદ્ધિભેદ ઉત્પન્ન કરવો તે.
- પ્રબુદ્ધ જીવન, ૧૫ જૂન, ૧૯૪૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org