________________
૪૦ ૦ પરિશીલન
અહિંસાની ચર્ચા એટલી બધી વ્યાપક અને સર્વાંગીણ તેમ જ હૃદયસ્પર્શી છે કે તેમાં કાંઈ ઉમેરવું એ મિથ્યા ડહાપણ જેવું છે. એને હૃદયંગમ કરવામાં જ એનું ખરું મૂલ્યાંકન છે એમ તો આ ચર્ચામાંથી પ્રત્યેક વસ્તુ મનને પકડી લે છે, છતાં કેટલીક ઉપમાઓ અને દાખલા સામાન્ય છતાં અસાધારણ રીતે મનને જીતનારાં છે.
બ્રહ્મ એટલે આત્મા કે એવું કંઈ ફૂટસ્થ અથવા અપરિણામી તત્ત્વ મનાય છે. એ તત્ત્વ મૂળમાં ગમે તેવું હોય છતાં એનો જીવનગત અને અનુભવસિદ્ધ અર્થ અહિંસા જ છે. હું સર્વત્ર અને સૌમાં છું અને સૌ મારામાં છે અગર તો બધાં સમાન છીએ એ ભાવના કે ધારણા વિના અહિંસા કદી યથાર્થ સિદ્ધ થતી જ નથી. એવી ભાવના વસ્તુતઃ જીવે છે કે મરવાને વાંકે જીવે છે, એની પરીક્ષા અહિંસાની કસોટીથી જ થઈ શકે છે. અહિંસાના આચાર વિનાનો બ્રહ્મવિચાર કે આત્મવિચાર એ માત્ર શુષ્કવાદ છે. તેથી અહિંસા, બ્રહ્મ અને આત્મા એ બધા પર્યાય એટલે સમાનાર્થ શબ્દો છે. આથી આપણે જોઈએ છીએ કે આચારાંગમાં સમગ્રપણે અહિંસાની સાધના ઉપર ભાર દેવાયો છે અને તે જ સાધનાને બ્રહ્મચર્ય કહેલ છે.
દયા અને અહિંસા બંનેનો મૂળ આધાર અગર પ્રેમ જ છે તો ગીતામાં એ બંને ગુણો જુદા કેમ નિર્દેશ્યા ? એ પ્રશ્નનો ઉત્તર કાકાએ જાણીને જ આપ્યો ન હોય એમ લાગે છે – એમ સમજીને કે એ વસ્તુ બહુ ચોખ્ખી છે. કોઈનું સુખ કે જીવન ન હરવું એ પ્રેમની નિષેધ બાજુ અહિંસા છે, જ્યારે દયા એ તેની ભાવાત્મક બાજુ છે. બીજાના દુઃખમાં ભાગીદાર થવું કે પોતાના સુખમાં બીજાને ભાગીદાર બનાવવા કાંઈ કરી છૂટવું એ દયા છે. એક જ સિક્કાની બે બાજુ છે. સાચી અહિંસામાં દયા અને સાચી દયામાં અહિંસા ન સમાય એમ બને જ નહિ; પણ વ્યવહારમાં ફોડ પાડવો જરૂરી હોવાથી ગીતાકારની પેઠે કાકાએ પ્રેમની તે બંને બાજુનું આચારપક્વ વિચાર દ્વારા સમાજદૃષ્ટિએ નોખું નોખું નિરૂપણ કર્યું છે.
કાકાએ ગીતામાં હિંસા કે અહિંસા ?” એ મથાળા નીચે એક સ્વતંત્ર પ્રકરણ લખ્યું છે. તેમાં પોતે પ્રથમ હિંસાની તરફેણ કરનાર હતા અને પછી ક્રમેક્રમે અહિંસાના ત૨દા૨ અને સમર્થક કેમ થયા એનો ૧૯૦૪થી આગળનો પરિવર્તન-ક્રમ દર્શાવ્યો છે તે કાંઈ સાધારણ મહત્ત્વનો નથી. ગીતામાં હિંસાનું વિધાન છે એવો સંસ્કાર મોટે ભાગે આપણા બધામાં એક અથવા બીજી રીતે પડેલો છે; પણ એ સંસ્કારનું શ્રવણમનન દ્વારા સંશોધન કરવું અને એક ચોક્કસ નિર્ણય ૫૨ પહોંચવું એ કામ સૌને માટે સ૨ળ નથી. કાંઈ નિર્ણય બાંધ્યો તોયે તે આચરણની કસોટીએ કસાયેલો જ હોય એવું તો ભાગ્યે જ હોય છે. કાકાનો નિર્ણય માત્ર દલીલમૂલક કે બુદ્ધિવાદમૂલક નથી. એમણે આચરણનાં વિવિધ ક્ષેત્રોમાં હિંસાવિરુદ્ધ અહિંસાવૃત્તિનો પ્રયોગ કરી અહિંસાશક્તિનો કાંઈક પણ અનુભવ કર્યો છે અને તેથી જ એમની અહિંસાની સમર્થક તર્કશૈલીમાં વિશેષ તેજ પ્રતીત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org