________________
તથાગતની વિશિષ્ટતાનો મર્મ • ૫૩ એક વાર વૈદિકો અને પૌરાણિકો જે બુદ્ધને અવગણવામાં કૃતાર્થતા માનતા તે જ વૈદિકો અને પૌરાણિકોએ બુદ્ધને વિષ્ણુના એક અવતાર લેખે સ્થાન આપી બુદ્ધના મોટા ભારતીય અનુયાયીવર્ગને પોતપોતાની પરંપરામાં સમાવી લીધો છે, એ શું સૂચવે છે ? એક જ વાત અને તે એ કે તથાગતની વિશેષતા ઉપેક્ષા ન કરી શકાય એવી માહિતી છે.
બુદ્ધની જે જે વિશેષતા પરત્વે ઉપર સામાન્ય સૂચન કરવામાં આવ્યું છે તે તે વિશેષતા સ્પષ્ટપણે દર્શાવતા પાલિપિટકમાંના થોડાક ભાગો નીચે સારરૂપે ટૂંકમાં આપું છું, જેથી વાચકોને લેખમાં કરેલી સામાન્ય સૂચનાની દૃઢ પ્રતીતિ થાય અને તેઓ પોતે જ તે વિશે સ્વતંત્ર અભિપ્રાય બાંધી શકે.
એક પ્રસંગે ભિક્ષુઓને ઉદ્દેશી બુદ્ધ પોતાના ગૃહત્યાગની વાત કરતાં કહે છે કે, ભિક્ષુઓ ! હું પોતે બોધિજ્ઞાન પ્રાપ્ત કર્યા પહેલાં જ્યારે ઘરમાં હતો ત્યારે, મને એક વાર વિચાર આવ્યો કે હું પોતે જ જરા, વ્યાધિ અને શોક સ્વભાવવાળી પરિસ્થિતિમાં બદ્ધ છું અને છતાંય એવી જ પરિસ્થિતિવાળા કુટુંબીજનો અને બીજા પદાર્થોની પાછળ પડ્યો છું, તે યોગ્ય નથી; તેથી હવે પછી હું અજર, અમર, પરમ પદની શોધ કરું તે યોગ્ય છે. આવા વિચારમાં કેટલોક સમય વીત્યો. હું ભરજુવાનીમાં આવ્યો. મારાં માતા-પિતા આદિ વડીલો મને મારી શોધ માટે ઘર છોડી જવાની કોઈ પણ રીતે અનુમતિ આપતાં નહિ. છતાં મેં એક વાર એ બધાંને રડતાં મૂક્યાં અને ઘર છોડી, પ્રવ્રુજિત થઈ ચાલી નીકળ્યો.'
બીજે પ્રસંગે એક અગ્નિવેસ્સન નામે ઓળખાતા સચ્ચક નામના નિગ્રંથ પંડિતને ઉદ્દેશી પ્રવ્રજ્યા પછીની પોતાની સ્થિતિ વર્ણવતાં તેઓ કહે છે કે, હે અગ્નિવેસ્સન, મેં પ્રવ્રજ્યા લીધા પછી શાંતિમાર્ગની શોધ પ્રારંભી. હું પહેલાં એક આળાર કાલામ નામના યોગીને મળ્યો. મેં તેના ધર્મપંથમાં દાખલ થવાની ઇચ્છા દર્શાવી, અને તેણે મને સ્વીકાર્યો. હું તેની પાસે રહી, તેના બીજા શિષ્યોની પેઠે, તેનું કેટલુંક તત્ત્વજ્ઞાન શીખ્યો. તેના બીજા શિષ્યોની પેઠે હું પણ એ પોપટિયા વાદવિવાદના જ્ઞાનમાં પ્રવીણ થયો, પણ મને એ છેવટે ન રુચ્યું. મેં એક વાર કાલામને પૂછ્યું કે તમે તત્ત્વજ્ઞાન મેળવ્યું છે તે માત્ર શ્રદ્ધાથી તો મેળવ્યું નહિ હોય ! એના સાક્ષાત્કારનો તમે જે માર્ગ આચર્યો હોય તે જ મને કહો. હું પણ માત્ર શ્રદ્ધા પર ન ચાલતાં તે માર્ગ જીવનમાં ઉતારીશ. કાલામે મને એ માર્ગ લેખે આકિંચન્યાયતન નામની સમાધિ શીખવી. મેં એ સિદ્ધ તો કરી, પણ છેવટે તેમાંય મને સમાધાન ન મળ્યું. કાલામે મને ઊંચું પદ આપવાની અને પોતાના જ પંથમાં રહેવાની લાલચ આપી, પણ હે અગ્નિવેસ્સન, હું તો મારી આગળની શોધ માટે ચાલી નીકળ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org