________________
તથાગતની વિશિષ્ટતાનો મર્મ • પપ (૧) પાણીમાં પડેલું ભીનું લાકડું હોય ને તેને બીજા લાકડાથી ઘસવામાં આવે તો તેમાંથી આગ ન નીકળે. તે રીતે જેઓનાં મનમાં વાસના ભરી હોય અને ભોગનાં સાધનોમાં જેઓ રચ્યાપચ્યા હોય તેઓ ગમે તેટલું હઠયોગનું કષ્ટ વેઠે તોય મનમાં સાચું જ્ઞાન પ્રકટે નહિ. (૨) બીજું લાકડું પાણીથી આઘે હોય, છતાં હોય ભીનું, એનેય ઘસવાથી એમાંથી આગ ન નીકળે. એ જ રીતે ભોગનાં સાધનોથી આઘે અરણ્યમાં રહેલ સાધક હોય, પણ મનમાં વાસનાઓ સળવળતી હોય તોય કોઈ તપ તેમાં સાચું જ્ઞાન ઉપજાવી શકે નહિ. (૩) પરંતુ જે લાકડું પૂરેપૂરું સૂકું હોય ને જળથી વેગળું હોય તેને અરણિથી ઘસવામાં આવે તો આગ જરૂર પ્રગટે. એ જ રીતે ભોગનાં સાધનોથી દૂર તેમ જ વાસનાઓથી મુક્ત એવો સાધક જ યોગમાર્ગને અવલંબી સાચું જ્ઞાન મેળવી શકે.
વળી, બુદ્ધ ભિક્ષુઓને ઉદ્દેશી સાધનાના અનુભવની વાત કરતાં જણાવે છે કે, “હું જ્યારે સાધના કરતો ત્યારે જ મને વિચાર આવ્યો કે મનમાં સારા અને નરસા બંને પ્રકારના વિતર્ક કે વિચારો આવ્યા કરે છે. તેથી મારે એના બે ભાગ પાડવા: જે અકુશળ કે નઠારા વિતર્કો છે તે એક બાજુ અને જે કુશળ કે હિતકારી વિતર્કો છે તે બીજી બાજુ, કામ, દ્વેષ અને ત્રાસ આપવાની વૃત્તિ આ ત્રણ અકુશળ વિતર્કો. તેથી ઊલટું નિષ્કામતા, પ્રેમ અને કોઈને પીડા ન આપવાની વૃત્તિ એ ત્રણ કુશળ વિતર્કો છે. હું વિચાર કરતો બેસું અને મનમાં કોઈ અકુશળ વિતર્ક આવ્યો કે તરત જ વિચાર કરતો કે આ વિતર્ક મારું કે બીજા કોઈનું હિત કરનાર તો છે જ નહિ, અને વધારામાં તે પ્રજ્ઞાને રોકે છે. મન ઉપરની પાકી ચોકીદારી અને સતત જાગૃતિથી એવા વિતર્કોને હું રોકતો, તે એવી રીતે કે જેમ કોઈ ગોવાળિયો, પાકથી ઊભરાતાં ખેતરો ન ભેળાય એ માટે, પાક ખાવા દોડતી ગાયોને સાવધાનીથી ખેતરોથી દૂર રાખે તેમ. પરંતુ જ્યારે મનમાં કુશળ વિતર્ક આવે ત્યારે તે વિતર્કો મારા, બીજાના અને બધાના હિતમાં કેવી રીતે છે એનો વિચાર કરી સતત જાગૃતિથી હું એ કુશળ વિતર્કોનું જતન કરતો. બહુ વિચાર કરતાં બેસી રહેવાથી શરીર થાકી જાય ને શરીર થાકે તો મન પણ સ્થિર ન થાય, એમ ધારી હું કુશળ વિતર્કો આવે ત્યારે મનને માત્ર અંદર જ વાળતો. જેવી રીતે ખેતરોમાંથી પાક લણાયા પછી ગોવાળ ઢોરોને ખેતરોમાં છૂટાં મૂકી દે છે, માત્ર દૂર રહી એના ઉપર દેખરેખ રાખે છે, તેમ હું કુશળ વિતર્કો આવે ત્યારે એની દેખરેખ રાખતો, પણ મનનો નિગ્રહ કરવાનો પ્રયત્ન ન કરતો.”
બુદ્ધનો આ અનુભવ તેમણે સાધેલ મારવિજયનો સૂચક છે.
બૌદ્ધ ધર્મમાં બ્રહ્મવિહારનો મહિમા વેદાંતીઓના બ્રહ્મના મહિમા જેવો જ છે. તેથી બ્રહ્મવિહાર વિશે થોડુંક વધારે સ્પષ્ટીકરણ આવશ્યક છે. બ્રહ્મ એટલે જીવલોક. તેમાં વિહાર કરવો એટલે સમગ્ર જીવસૃષ્ટિ સાથે પ્રેમમૂલક વૃત્તિઓ કેળવી સૌની સાથે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org