________________
૩. હિન્દી સંસ્કૃતિ અને અહિંસા
હિન્દી સંસ્કૃતિ અને અહિંસા' નામનું પ્રસ્તુત પુસ્તક મૂળમાં મરાઠી ભાષામાં લખાયેલું છે. એના લેખક વાચનશીલ ગુજરાતીથી ભાગ્યે જ અજાણ્યા એવા અધ્યાપક ધમાનંદ કોસાંબી છે. પ્રસ્તુત ગુજરાતી અનુવાદના પ્રકાશક શ્રીયુત જીવણલાલભાઈનો આ પુસ્તકના પ્રારંભમાં કાંઈક લખી દેવા વિશે જ્યારે મારા ઉપર કાગળ આવ્યો ત્યારે સાથે જ કોસાંબીજીનો પણ મારા ઉપર પત્ર હતો કે મારે કાંઈક લખવું. કોસાંબીજીના પરિચિત જ નહિ, પણ અતિ પરિચિત અને તેમના પ્રત્યે આદરશીલ અનેક વિદ્વાનો હોવા છતાં કોસાંબીજીએ મારા જેવા અનધિકારી મિત્રની પસંદગી કરી, તેથી મને અંતરમાં સાચે જ નવાઈ લાગી. તબિયત અને બીજા કાર્યભારને લીધે, તેમ જ ધાર્મિક મનાતા અને તે જ કારણે અતિ આળા વિષય ઉપર લખાયેલ આવા ગંભીર પુસ્તક વિશે કાંઈ પણ લખવાના અધિકારના સ્પષ્ટ ભાનને લીધે, મેં જવાબમાં શ્રીયુત જીવણલાલભાઈને કાંઈક લખવા વિશે ના જ લખી હોત, પણ તેમ કરી ન શક્યો: કોસાંબીજી સાથેના મારા વિવિધ મધુર સંબંધોમાં એક મહત્ત્વનો મધુર સંબંધ પહેલેથી લાંબા કાળ લગી અવ્યાહત ચાલ્યો આવેલો. તે સંબંધ છે વિદ્યાનો. બૌદ્ધ પાલિ વાડ્મયની મારી અસલી ઉપાસના ગૂજરાત વિદ્યાપીઠમાં કોસાંબીજીના જોડાણ સાથે જ તેમની પાસે શરૂ થઈ, ને ઠેઠ પ્રસ્તુત પુસ્તક લખવાના ઉદ્દેશથી તેઓ જ્યારે હિન્દુ યુનિવર્સિટીમાં આવી રહ્યા ત્યાં લગી અને છેવટે તેમણે જ્યારે સરયૂતટે જઈ અનશન આદર્યું, ત્યાંથી કાશીમાં પાછા ફર્યા ત્યાં લગી અર્થાત્ ૧૯૪૪ના શિયાળા લગી મળતી બધી તકોમાં ચાલુ રહી. આવા ઈષ્ટ અને જીવનમાં રસપૂર્વક વિદ્યાસંબંધને લીધે જ મારાથી, કોસાંબીજીના શ્રમસિદ્ધ અતિપ્રિય પુસ્તક વિશે, કાંઈ પણ લખી આપવાની ના લખવાનું કામ કઠણ જેવું થઈ પડ્યું. લગભગ બે માસ લગી પ્રસ્તુત પુસ્તકના બધા ફરમા પાસે રાખ્યા. હવે વધારે વખત સુધી એને એમ ને એમ રાખવાં એ પ્રકાશકની દૃષ્ટિએ અને મારા પોતાના ભાવી કામની દૃષ્ટિએ યોગ્ય ન લાગ્યું, તેથી પ્રસ્તુત પુસ્તક વાંચતાં જે સામાન્ય ને ઉપરછલ્લા વિચારો આવ્યા તેમાંનો થોડો પણ ભાગ લખી, સ્વીકારેલ બંધનમાંથી મુક્ત થવા પ્રયત્ન કરું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org