________________
આચાર્યશ્રી વિજય રત્નસુંદરસૂરીશ્વરજી
યુવાનોને મૂલ્ય તરફ વાળવાની ઉપરોક્ત સમગ્ર યોજના એક માનસિક ચિત્રના રૂપમાં છે અને આના કેટલાયે પક્ષો હોઈ શકે છે. પરંતુ મૂળભૂત વાત તો એ જ રહેશે કે સમાજની શિક્ષણવ્યવસ્થા, પરિવારવ્યવસ્થા, વિવાહવ્યવસ્થા, રાજ્યવ્યવસ્થા અને વહીવટવ્યવસ્થા એમ પાંચેય વ્યવસ્થાનાં યોગ્ય સમન્વય, સક્રિયતા તેમજ સફળતાથી જ યુવાનોને મૂલ્યોની દિશામાં જાગ્રત બનાવી શકાશે. આ કાર્યમાં આધુનિક ટેકનોલોજીનો સદુપયોગ અત્યંત ફળદાયી નીવડી શકે છે. જે ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી આજે યુવાનોને મૂલ્યોથી વિમુખ તેમજ એકાંગી બનાવી રહી છે એ જ ટેક્નોલોજી તેમને મૂલ્યો તરફ જાગ્રત કરવામાં તેમજ યુવાનોમાં મૂલ્યોની પ્રતિષ્ઠા કરવામાં સહાયક બની શકે છે.
આ બાબતે દિલ્હીમાં ડિસેમ્બર, ૨૦૧૨માં થયેલા બળાત્કાર વિરોધી સ્વયંસ્ફર્ત જન આંદોલનનો ઉલ્લેખ કરી શકાય. આ આંદોલનમાં ટેકનોલોજીનો ઉપયોગ કરી સમાજમાં શીલ, સદાચાર, સંસ્કારની રક્ષા કાજે દેશની સરકાર પર દબાણ લાવવામાં જોરદાર સફળતા પ્રાપ્ત થયેલી. આ દબાણના પરિણામે જ સરકાર બળાત્કાર વિરોધી કાયદો લાવવા માટે બાધ્ય થઈ. આ આંદોલનમાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને જ જનતાને સંગઠિત તેમજ સક્રિય બનાવવામાં આવેલી.
કહી શકાય કે ટેકનૉલોજી પોતાનામાં એક તટસ્થ બાબત છે અને તેનો સર્જનાત્મક કે વિધ્વંસાત્મક ઉપયોગ કરી શકાય છે. આજે કેટલાક લોકો ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજીથી એટલે ડરી રહ્યા છે કે તેનાથી બાળકો, કિશોરો અને યુવાનો આડી દિશામાં ભટકી જાય છે. પરંતુ મારું કહેવું છે કે યુવાનોનું આડી દિશામાં જવાનું કારણ આ ટેકનોલોજી જેટલી છે એનાથી વધુ યુવાનોની મૂલ્ય-વિમુખતા છે. જો યુવાનો મૂલ્યો પર આધારિત જીવન અપનાવીને ચાલે તો આ જ ટેકનૉલોજી તેમને સર્જનાત્મક બનાવી શકે છે અને આડા રસ્તે ચાલવાના સ્થાને તેમના પોતાના લક્ષ્ય પર ત્વરિતપણે પહોંચાડી શકે છે.
વ્યક્તિત્વના સંબંધમાં ટેકનોલોજી તો એક બાહ્ય બાબત છે જે આંતરિક બળ અર્થાત્ આત્મબળની કમજોરીના પરિણામે વ્યક્તિ પર હાવી બની જાય છે અને વ્યક્તિને આંડી દિશાએ દોરી જાય છે. એક મૂલ્ય-આધારિત વ્યક્તિત્વનું નિર્માણ અને વિકાસ થઈ ગયા બાદ ટેકનોલોજી એ વ્યક્તિને નહીં દોરે પરંતુ ટેકનોલોજીને જ એ વ્યક્તિ દિશા આપશે. આ રીતે યુવાનોને મૂલ્ય તરફ જો જાગ્રત અને સક્રિય બનાવી દેવાશે તો ટેકનૉલોજી જનિત સામાજિક દૂષણો પર નિયંત્રણ પ્રાપ્ત કરવું આસાન થઈ જશે.
વિશ્વમાં ભારતીય સમાજની એક અનોખી છાપ રહી છે જેનું મુખ્ય કારણ આર્થિક કે લશ્કરી સિદ્ધિ નહીં પરંતુ મૂલ્યો અને આદર્શોની સિદ્ધિ છે. આ કારણે ભારતીય સમાજે તો ઉપરોક્ત યોજનાનું યથોચિત અમલીકરણ કરી યુવાનોને મૂલ્યો તરફ જાગ્રત કરવા અત્યંત જરૂરી છે. આ જાગ્રતતાથી જ ભારત પોતાની આગવી ઓળખ બનાવી રાખી શકશે તથા આ બાબતે સમગ્ર વિશ્વનો માર્ગદર્શક પણ બની શકશે.