________________
શ્રી યુગાદિદેવે પ્રકાશીયો, જશ ધ્યાને હોયે પુષ્ટિ; મંત્ર અનાદિ આદિ કો નવિ લહે, તેહિ જ પંચપરમેષ્ઠી. સુ. શ્ર. ૧૨ જેણે એક ચિત્તે આગે આરાધીયો, ઈહ પરભવ સુખ પાયો; સુરસુંદરી સતીએ આરાધીયો, તવ તસ કષ્ટ પુલાયો.. સુ. શ્ર. ૧૩ રાસ રચ્યો શ્રી સુરસુંદરી તણો, તેહની પહેલી રે ઢાળ;
વીર વિજય કહે ભવિયણ સાંભળો, ભાવે થઈ ઉજમાળ. સુ. શ્ર.૧૪ ૧-રસોઇ, ૨-સાગરોપમનું ભાવાર્થ :
અનંત ઉપકારી અરિહંત શ્રી શંખેશ્વર પરમાત્માની સ્તુતિ કરી. ત્યારબાદ શ્રુતદેવીની સ્તવના કરી. હવે.. પરમ ઉપકારી ગુરુ ભગવંતને નમસ્કાર કરતાં કવિવર કહી રહ્યા છે કે, મારા ગુરુદેવ કેવા છે? જે પાંચ સમિતિને ધારણ કરે છે, છકાય જીવના રક્ષણ કરનારા, પાંચ મહાવ્રતને છઠ્ઠ રાત્રિભોજન ત્યાગ. એમ છ વ્રતના ધારક, કુબુદ્ધિને દૂર કરનારા, જેમ દીપકથી અંધકાર જાય તેમ જ્ઞાન દૃષ્ટિએ અજ્ઞાનતા દૂર કરી છે તેવા હે સુગુણજનો! તમે સૌ સાંભળો. આવા મારા ગુરુ મહારાજને ચરણે નમસ્કાર કરીને જે કંઈક કહેવાનું છે તે તેમની કૃપાથી કહીશ. જગતમાં જે જન ગુરુભક્તિ વિના જે કંઈ કહે છે, લખે છે, તે વચનોમાં રસકસ હોતો નથી. અર્થાત્ ભવ્યજનોને એ ઉપદેશની અસર થતી નથી. માટે ગુરુ કૃપા તો જોઇએ. જેમ પ્રમાણસર મસાલાથી ભરપૂર એવી રસવતી રસોઇ મનુષ્યને જમવામાં રસ પડે છે તેમ, વળી નિર્મળ એવા કાજલને આંખમાં લગાડવાથી તેજ વધે છે તેમ, ગુરુભક્તિ કૃપાથી જ મારા સર્વ કાર્યો સિદ્ધ થાય છે. એવા મારા ગુરુને નમસ્કાર કરી જિનેશ્વર ભગવાને ભાખેલા ધર્મને કહું છું. જે ધર્મ આ જગમાં વખણાયો છે એવો ધર્મ સર્વને વિશ્વસનીય છે. પ્રથમ ધર્મને બતાવનાર આ અવસર્પિણી કાળમાં પ્રથમ જિનેશ્વરનો આત્મા તે વેળાએ સર્વાર્થ સિદ્ધ વિમાનમાં ૩૩ સાગરોપમના આયુષ્યને સ્વાધ્યાયમાં નિર્ગમન કરી રહ્યો હતો. આયુષ્ય પુરુ થતાં પરમાત્મા ત્યાંથી ચ્યવીને, અયોધ્યા નગરીના કુલકર નાભિરાયાની રાણી શ્રી મરુદેવી માતાને ઉદરે આવ્યો. પૂર્ણ માસે શુભ દિવસે ફા.વદ ૮ના રોજ પરમાત્માનો જન્મ થયો. છપ્પનદિકકુમારીએ સૂચિકર્મ કર્યુ. ૬૪ સુરપતિએ મેરુપર્વત પર જન્મ મહોત્સવ કર્યો અને નાભિરાજાએ પણ અયોધ્યાનગરીમાં જન્મ ઉત્સવ કર્યો. બારમા દિવસે સજજન સંતોષી ઋષભકુમાર નામ રાખ્યું. બીજના ચંદ્રની જેમ ઋષભકુમાર વધતાં યૌવનાવસ્થાને પામ્યા. માતા પિતાએ સુનંદા ને સુમંગલા નામની બે સુંદરી સાથે પરણાવ્યા. બંને સ્ત્રીઓ સાથે સાંસારિક ભોગોને ભોગવતાં ઋષભકુમારને ભરત આદિ ૧૦૦ પુત્રો ને બ્રાહ્મી સુંદરી બે પુત્રીઓ થઈ. પિતાએ રાજ્યનો ભાર ઋષભને સોંપ્યો. રાજ્યનીતિને ચલાવતાં, વ્યવહાર ધર્મને બતાવતાં ૮૩ લાખ પૂર્વ વર્ષ વહી ગયા. એ અવસ્થામાં ઋષભે યુગલાધર્મનો વિચ્છેદ કર્યો. એ વખતે ભાઇ બેનના લગ્ન થતા. ને સંસાર વ્યવહાર ચાલતો હતો. પણ યુગલિકમાંથી એક પુરુષ મરી જતાં સ્ત્રી એકલી પડતાં તે યુગલીયાએ નાભિ રાજાને સોંપી તે સુંદરીની સાથે ઋષભના લગ્ન થયાં. તેથી યુગલિક લગ્નનો નિષેધ થયો. માટે કહેવાય છે કે પરમાત્માએ યુગલા ધર્મનું નિવારણ કર્યું. ત્યારબાદ ઋષભકુમારે ફા.વદ.૮ના દિવસે દીક્ષા અંગીકાર કરી. સંયમ સ્વીકાર્યો. ધાતી કર્મ ખપાવી ને પ્રભુને મહાવદ-૧૧ના દિવસે નિરુપમ એવું કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. તે નગરી હતી પુરિમતાલનગરી. હાલ તે નગરી ઇલ્હાબાદ (અલ્હાબાદ પ્રયાગ)માં પરમાત્માનું કેવલજ્ઞાન સ્થળ છે એવું જાણવા મળ્યું છે. જયાં આજે તે નગરીની માન્યતાએ જીર્ણોદ્ધાર ચાલી રહ્યો છે.
(મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)