________________
ભાવાર્થ :
પૂજ્ય ગુરુણીની મીઠી મધુરી વાણીમાં શ્રી પંચપરમેષ્ઠી રુપ નમસ્કાર મહામંત્રનો મહિમા સાંભળીને, વિનયશીલ સુરસુંદરી વિવેકપૂર્વક ગુરુના ચરણે વંદન-નમસ્કાર વિધિપૂર્વક કરતી મનમાં ઉત્સાહ લાવી હાથ જોડી કહી રહી છે. તે ગુરુદેવ! મને અભિગ્રહ આપો. મને નિયમ કરાવો. આજથી હું હર હંમેશ ૧૦૮ વાર શ્રી નવકારમંત્રનો જાપ કરીશ. વળી યશાશક્તિએ હું નવકારશીનું પચ્ચકખાણ કરીશ. મારા દેહમાં જ્યાં સુધી હું પ્રાણને ધારણ કરીશ અર્થાત્ જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી આ નિયમ મનની શુદ્ધિપૂર્વક પાળીશ. ગુરુજીએ નિયમ પચ્ચખાણ સુંદરીના મનોબળ પારખીને કરાવ્યા. ત્યારબાદ કુંવરી પોતાના મહેલે આવી.
પરીક્ષા અમરકુમાર પોતાના આવાસે રહ્યો છે. રાજકુમારી મહેલમાં રહી છે. બંનેના ભણ્યાનું પારખું કરવા, પરીક્ષા આપવા માટે રાજા રાજદરબારમાં બાળકોને બાલાવે છે.
બંને પોતાના પંડિતની સાથે રાજસભામાં આવવા માટે તૈયાર થાય છે. રાજસુતા સોળ શણગાર સજે છે. સુગંધી દ્રવ્ય-વાળા પાણીથી સ્નાન કરીને, કુંવરી મૂલ્યવાન વસ્ત્ર ધારણ કરે છે. કંઠને વિષે નવસેરો હાર દાસીએ પહેરાવ્યો, આંખે અંજન આંક્યું, કાને કુંડલ ધર્યા, નાકે નથણી પહેરાવી, ભાલમાં તિલક કર્યું છે, ઝંકાર કરતુ ઝાંઝર પગે પહેર્યું. હાથમાં મણિમય કંકણ ને મુખમાં તંબોળને મુકતી, બાળાના ગળામાં સુગંધી પુષ્પોનો હાર પહેરાવે છે. સોળે શણગાર સજી દાસી સાથે રાજસભામાં આવવા તૈયાર થઈને નીકળે છે.
આ બાજુ હવેલીથી અમરકુમાર પણ પરીક્ષા માટે આવવાનો છે. રાજા પરીક્ષા લેવાના છે. તેથી તે પણ તૈયાર થાય છે. હજામ પાસે માથાના વાળ વ્યવસ્થિત કપાવેછે.દાઢી-મુછ કરાવે છે. સુગંધી દ્રવ્યો નાખેલા પાણીથી સ્નાન કરે છે. ત્યારબાદ સુગંધિત દ્રવ્યોનું વિલેપન કરીને મૂલ્યવાન વસ્ત્રોનું પરિધાન કરે છે. અંગો અને ઉપાંગોને શણગારે છે. પોતાની દસે આંગળીએ વેઢ અને વીંટી પહેરે છે. કાને કુંડલ, મસ્તકે અમૂલ્ય એવો મુગટ, હાથમાં તલવાર લે છે. પાયે મોજડી પહેરે છે. ગળામાં નવસેરો હાર, કમરે પટબંધને બાંધે છે. હાથમાં કંકણ ધારણ કરે છે. મુખમાં તાંબુલ મુકતો રાજસભામાં જવા તૈયાર થાય છે.
અમરકુમાર અને સુરસુંદરી સોળે શણગાર સજી શ્રુતસાગરના અર્થને પામતા-વિચારતા જાણે સાક્ષાત્ બનેઈન્દ્ર ઇન્દ્રાણી હોય તેમ શોભતા પોતપોતાના આવાસેથી નીકળી રાજસભાએ આવે છે. ઉચિત સ્થાને સૌ બેસે છે. સુરસુંદરી તો સાક્ષાત્ સરસ્વતી સમ ભાસતી હતી.
રાજસભામાં નગરજનો પણ સૌ આવી ગયા છે. રાજ આમંત્રણને ઝીલતા અમરકુમારના માતપિતા પણ રાજસભામાં “વા તૈયાર થઇ ગયા છે. લાડકવાયા પુત્રની પરીક્ષા રાજા લેવાના છે. તેથી હૈયામાં હરખ માતો નથી. હરખધેલા માતપિતા પાલખીમાં બેસી રાજદરબારે આવી ગયા છે. આવતા શેઠનું સ્વાગત પ્રધાન કરે છે. તે રાજાના સિંહાસનની બાજુમાં શેઠનું આસન ગોઠવાયુને શેઠ બેઠા. રાજ દરબારે લેવાતી પરીક્ષા જોવાને સૌ ઉત્સુક બની ગયા છે. તે જોઈને પ્રશ્નોના જવાબોને સાંભળવા સૌ અધીરા બની ગયા છે.
હવે રાજા બંને પરીક્ષાર્થીઓને વારાફરતી શ્રુતના અગોચર પ્રશ્નો કરી રહ્યા છે. વિવેકી વિદ્યાર્થીઓ પોતાના બુદ્ધિબળે એક એક પ્રશ્નના ઉત્તર વિવેકપૂર્વક આપી રહ્યા છે. સભા સાંભળીને આશ્ચર્યમુગ્ધ બની જાય છે.
(મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)