________________
ઘણા કલ્પાંત સાથે રડતી સુંદરી થાકી. બેઠી તટના પટમાં, ....... વળી મોટેથી રડતાં બોલવા લાગી. હે પ્રીતમ! બાળપણની વાતને યાદ કરીને મનમાં ડંખ રાખીને, પૂર્વભવના વેર શા માટે લેવા તૈયાર થયા. તરછોડવી હતી તો વહાણમાંથી સમુદ્રમાં કાં ન નાખી! અથવા ઝેર કેમ ન દીધું. મને સમુદ્રમાં નાખી હોત, ઝેર આપ્યું હોત તો પણ સારું. એકવાર મરવું જ હતું ને તે મરી જાત. પણ મને અહીં સુધી શું કામ લાવ્યા? હે સ્વામી! મેં તમારું કંઇજ બગાડ્યું નથી. તો ભયંકર નિર્જન ટાપુ પર મને એકલી નિરાધાર કેમ છોડી દીધી? અપરાધ વિનાની મને છોડી દેતાં તમારા હૈયાને કઇજ આંચકો ન આવ્યો. જરાપણ દયા ન આવી. આમ નિર્દય બનતાં શરમ ન આવી? મારો કોઈ મોટો અપરાધ નથી? જેની આવી મોતના ઘાટ ઉતારવાની ભારે સજા કરી. બાલ્યકાળની વાતો સંભારી મને આવો દગો દીધો. ગળે પકડીને ઘક્કો માર્યો. બાળપણમાં હસવાના બહાને તમે તેની ગાંઠ વાળીને અત્યાર સુધી તેનો રોષ હૃદયમાં રાખ્યો હતો. તો પછી પરણ્યા શું કામ? એ દાવ વાળવા માટે જ મારી સાથે લગ્ન કર્યા? પરણ્યા પછી પણ પ્રીત આટલી બધી કેમ કરી? હૈયામાં વૈષ રાખી ઉપરથી પ્રેમ દેખાડી મને અધવચ્ચે રસ્તામાં રઝળતી મૂકી દીધી. ચાલતી ચાલતી સતી સમુદ્ર કાંઠે આવી. વહાણોને ન જોતાં સુંદરી વળી મૂર્શિત થઇ. કિનારે પડેલી સુંદરીને વળી ઠંડી લહરના પવનના સુસવાટે ચેતના આવી. દૂર દૂર જઇ રહેલા વહાણો જોઇ રહી. વળી પછી કકળતી બોલવા લાગી. હે નાથ! આ સાગર થકી પેદા થયેલુ લાકડું તેમાંથી બનાવેલ નાવ. આ નાવ ઘણો ભાર ભરીને આ સાંગર ઉપર ચાલી રહી છે. સાગરને તેથી ઘણું દુઃખ થાય. છતાં આ સાગર તે નાવનો છેહ દેતો નથી. ડુબાડી દેતો નથી. હેમખેમ સામે કિનારે નાવને પહોંચાડે છે.
તે સમુદ્ર કરતાં પણ હે નાથ! તું વધારે નિર્ગુણી બન્યો. હું તો તારા વિશ્વાસે પરદેશ જોવા નીકળી, ને ભયંકર વિશ્વાસઘાત કરીને તુ વિશ્વાસઘાતી બન્યો. મેં તને ન ઓળખ્યો. હે ચંડાલ! મેં ધોળી વસ્તુ જેટલી જોઇ તે બધી જ વસ્તુ મને ઉજળી દૂધ જેવી લાગી. ધોળું એટલું બધું જ દૂધ સમજી. પણ કપટીના કપટની જાળને ન જાણી, ઉપરથી ઉજળો ભાસતો તું હૈયાથી કાળો હશે તે મને ખબર ન પડી. શું કરું? હે કિરતાર! પિયેરીયાં દૂર રહ્યા. જેનો સંગ કર્યો હતો તે ભરતાર પણ અધવચ્ચે મૂકી ગયો. હૈ! હૈ! નસીબ! તું આવો નિર્દયી બન્યો? તને ધિક્કાર છે. તને જરા પણ મારી દયા ન આવી. સ્વામીથી છૂટી પાડવી હતી તો અહિંયા શા માટે? ચારેકોર પાણી વચમાં જન વિનાનો ટાપુ - હું . જાઉં? કરવી જ હતી નાથ વિનાની તો કોઈ નગરના સીમાડે, ઘોર ભયંકર અટવીમાં, પર્વતની ટોચે - આવા સ્થળે છોડી હોત તો બીજાના સહારે મારા કર્મશત્રુને હઠાવત. હાય! અહિંથી હવે હું ક્યાં જાઉં? મારા શીલનું રક્ષણ કેમ કરીશ? દુર્જન માણસો ક્યારેય ખરાબ કર્મ કરવામાં પાછી પાની કરતા નથી. તેમજ દોષનો ટોપલો અબળાના શિરે નાખી દે છે. પોતે નિર્દોષ થઇને ખસી જાય છે. મહાસતી સીતાની પણ નીચ માણસના વચનો સાંભળી શ્રી રામચંદ્રજીએ પણ નગરની બહાર સતીની અગ્નિપરીક્ષા કરી. શીલના પ્રભાવે સતીનો જય જયકાર થયો. પુણ્યાઇની કચાશે શીલવતી મહાસતીઓને માથે પણ કલંક આવ્યા. સતીને ભયંકર વિટંબણાઓનો પાર નથી. કોણ આશ્વાસન આપનાર! આમ રુદન કરતી પોતાના મનને મનાવતી, કરેલા પાપોની નિંદા કરતી, આપમેળે આશ્વાસન પામતી, સ્વામીનો વાંક એમાં શો? મારા બાંધેલા કર્મો ઉદયે આવ્યા. તે ચેતન! વિચાર કર. ભવાંતરમાં મેં પાપિણીએ અઘોર કર્મ કર્યા હશે, પારકા દોષો જોયા હશે. મારા દોષો ઢાંક્યા. મારા અવગુણ ઢાંકી, બીજાના અવગુણ ગાયા હશે. એમાં સ્વામીનો શો દોષ? મનને સ્વસ્થ કરતી, વળી પૂર્વે બાંધેલા પાપો સંભારતી બોલે છે. મેં ગાય થકી વાછરડાં, અને બાળકોને મા થકી વિખૂટા પાડ્યા હશે. સ્તનપાન કરતાંઓને મેં અંતરાય પાડ્યો હશે અથવા પક્ષીઓને પાંજરામાં નંખાવ્યા હશે. સરોવર-કૂવા-વાવ-તળાવના પાણી સૂકાવી નંખાવ્યા હશે. સાતે પ્રકારના વ્યસનોને રસપૂર્વક સેવ્યા હશે. સ્વજન-મિત્ર મંડળની વચ્ચે મેં માયા - કૂટ કપટ કેળવ્યા હશે. ભોળાજનોની થાપણ સાચવવા લીધી પછી પચાવી પાડી. અર્થાત્ મેં પાછી આપી નહિ હોય. અજ્ઞાન વશ થકી મુનિ ભગવંતોને સંતાપ્યા હશે. (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)
9૧