________________
ભૂતકાળનો ઇતિહાસ જુઓ! વચનને ખાતર પાંડવોને વનમાં વસવું પડ્યું. વચન થકી શ્રી રામચંદ્રજીને પણ વનવાસ કરવો પડયો. વચનથી રાવણને હણી રામચંદ્રજીએ વિભીષણને લંકાનગરીની ગાદીએ બેસાડયો.
દીધેલા વચનને પાળવા માટે હરિશ્ચંદ્રજીએ નીચ ઘરે પાણી ભર્યા. વચનબદ્ધ મહાપુરુષો કયારેય વચનનો લોપ કરતાં નથી. મહાપુરુષો વચનને માટે પ્રાણ આપવા તૈયાર થાય પણ વચનભંગ કયારેય ન કરે. વચન આપીને જે ફરી જાય, વચનભંગ કરે, તે માણસોની જગતમાં કોઈ કિંમત જ હોતી નથી. તેના જન્મ તથા જીવનને ધિકકાર છે.
વળી સંસારમાં સર્વજીવો સાચું સુખ મેળવતાં હોય તો સત્ય વચનથી જ. સત્ય વચનથી સંપદા મળે છે. શ્વાસે શ્વાસે પણ સત્ય વચન જ નીકળે. કયારેય અસત્ય બોલતા નથી. તે મહાપુરુષો તરીકે વખણાયા છે. તેઓની કારકીર્દિ જગતમાં વ્યાપી છે.
ખેચરરાય આવા ઊંચા પ્રકારની ભાવનામાં રમતો, પોતાના મન તથા બુદ્ધિ ઉપર કાબુ મેળવી લીધો. ત્યારબાદ પોતાની પ્રાણપ્રિય વહાલી ચાર પ્રિયાઓને નણંદી હવે થોડા દિનની મહેમાન છે. તેના ઘરે હવે સુખરૂપ પહોંચાડવાની છે. તો તમે સૌ સ્નેહ ધરીને કરવી હોય તેટલી ભકિત કરી લ્યો. મારી બેનની ભકિત વારે વાર મળવાની નથી. પોતાના સ્વામીની વાત સાંભળી ચારે વિદ્યાધરી નણંદીની ભકિત મનમૂકીને કરી રહી છે. ચારેય સ્ત્રીઓ વારાફરતી ભકિત કરે છે. તેમાં પહેલી સ્ત્રી પ્રેમયુકત શ્રેષ્ઠ ભક્તિ કરે છે.
ઢાળ અગિયારમી
(જી રે મારે લોભ તે દોષ અથોભ એ દેશી.) જી રે મારે નણંદીની કરે ભકિત,નારી પ્રથમ બેચર તણી, જીરેજી, જી રે મારે મન ઇસિત દીએ તાસ, મેવા મીઠાઇ અતિ ઘણી જીરેજી. ૧ જી રે મારે કહે તુમ બાંધવ પાસ, રુપ પરાવર્તન તણી જીરેજી, જી રે મારે વિદ્યા છે ગુણ ગેહ, લેજો નણદી સુખ ભણી જીરેજી. ૨ જી રે મારે બીજી ભકિત કરંત, અદષ્ટીકરણી ભલી જીરેજી, જી રે મારે વિધા છે સપખદાય, લે જો નણંદી તે વલી રેજી. ૩ જી રે મારે ત્રીજી ભકિત કરંત, પર વિદ્યા છેદન તણી જીરેજી, જી રે મારે શિખજો નણંદી તેહ, વિદ્યા સકલ શિરોમણી જીરેજી.૪ જી રે મારે ચોથી કહે પતિ પાસ, કંજર શત બલ જેહથી જીરેજી. જી રે મારે થાય તે લેજો બહેન, અરિગણ જીતીએ તેહથી,જીરેજી. ૫ જી રે મારે ઇણિપરે ચાર વધૂકત, બોલ ચાર સતી ચિત્તગ્રહે જીરેજી, જી રે મારે સુરસુંદરીને ઇમ, અન્ય દિવસ ખેચર કહે જીરેજી. ૬ જી રે મારે તુઝ ગુણગણ સહકારે, મુઝમન કીરને સુખ ઘણું જીરેજી. જી રે મારે તુઝ વિયોગનું દુઃખ, એક મુખે તે કિમ ભર્યું જીરેજી. ૭
(મહાસતી શ્રી સુરસુંદરીનો શસ)