________________
જંગલી પ્રાણી આવતાં હું ઝાડ ઉપર ચડી ગયો. બિચારો મારો મિત્ર ચડી ન શકયો. હિંસક પ્રાણીએ મારી નાંખ્યો. આ સમાચાર સાંભળીને રાણી મનમાં રાજી થઈ.
હાશ! એક બલા ગઈ. હવે રાજા નિરાંતે એકાન્ત મળશે. આ વાતની જાણ રાજ્ય પરિવારમાં થઇ ગઈ. રાજાની સાથે કુન્જ ફરતો ને મિત્ર બની ગયો. તે કોઈનેય ગમતું નહોતું. આવા પ્રકારના મૃત્યુ પામેલા કુન્જના સમાચાર જાણીને રાજપરિવાર - મંત્રીશ્વર વગેરે સૌ રાજી થયાં.
કુન્ધરાજાને હવે ઘણી શાંતિ થઇ. જાણ્યું કે હવે મને કોઈ ઓળખી શકવાનું નથી. નિર્ભય પણે રાજમહેલમાં અંતેપુરમાંને વળી રાજદરબારે રાજાવત્ જતો આવતો થઇ ગયો. સભામાં પણ સમયસર જતો હતો. રાજાના ભોજનને પણ મન માન્યા આરોગતો હતો. અંતેપુરમાં રાણીઓ સાથે મનગમતા ભોગવિલાસને ભોગવતો હતો. પટરાણી પાસે પણ આવતો હતો. પ્રેમની વાતો કરતો હતો. કપટી કુજને ખબર નથી કે મારી આ સાચી વાત પ્રગટ થશે ત્યારે મારા શા હાલ થશે? પટ્ટરાણીને રાજા પ્રત્યે મનથી જે સદભાવ થવો જોઇએ તે થતો નથી. ઊંડે ઊંડેથી અવાજ આવે છે કે આ રાજા સાચો નથી. નહિ તો મારા સ્વામીને જોતાં મને કેટલો આનંદ થાય? આ રાજાને જોતાં મારા દિલમાં જરાયે આનંદ થતો નથી. વળી આ રાજાની વાણી અને વ્યવહાર પણ જુદાં પડતાં હતાં. રાજારાણીના આટલા વર્ષોના સહવાસમાં ગયા તો તેની અપેક્ષા એ રાજાનું બોલવું, ચાલવું, ખાવું, પીવું, વગેરે પ્રવૃતિમાં આ રાજાના લક્ષણો જુદા પડવા લાગ્યા.
ચતુરને હોંશિયાર પટ્ટરાણી સમજી ગઈ કે માનો કે ન માનો પણ આ મારો સ્વામી નથી. મારા સ્વામીને નખશિખ ઓળખું છું. હાવભાવ ને સારી રીતે જાણું છું. આ રાજાની વાણી મારા સ્વામી જેવી નથી. મનમાં નિશ્ચય કરી લીધો. જરુર દાળમાં કાળું છે.
આ રીતે વિચારતી રાણીએ નવા રાજાનું પારખું કર્યું. શ્રદ્ધા થઈ સાચો રાજા નથી. ત્યારબાદ પોતાના મહેલે મંત્રીશ્વરને બોલાવ્યા. પટ્ટરાણી કહેવા લાગી, હે મંત્રીશ્વર! આ રાજા તે મારા સ્વામી નથી. આ સાચા રાજા નથી. કોઈ વિદ્યાબળે રાજાના દેહને ધારણ કરીને રહેલો છે. મારી સાથેના સંબંધમાં સાચા રાજાનું એક પણ વચન તે જાણતો નથી. હાવભાવ પણ તેના જુદા પડે છે.
માટે હે મંત્રીશ્વર, માનો કે ન માનો, પણ આ સાચો રાજા નથી એમ મારું અંતર કહે છે. કોઇપણ કારણે કાયાનું પરિવર્તન કરીને રાજા બન્યો છે. વળી પણ કથાની અનુસાર આસનને જાણતો નથી.શાસ્ત્ર વિશેનું જ્ઞાન પણ નથી. જ્ઞાન વિજ્ઞાન ની કળાને જાણતો નથી. દુહા વગેરે ના લાલિત્યપણાને જાણતો નથી. સમજી પણ શકયો નથી. વળી તેની શકિત-ગતિ-બુદ્ધિ વગેરે અસલી રાજાને મળતું કંઈ પણ આવતું નથી. ચતુરાઈ પણ દેખાતી નથી. મારું મન માનતું નથી. મને આ મોટી ચિંતા દરરોજ થાય છે.
મંત્રીશ્વર શાંતિથી રાણીની વાત સાંભળીને કહેવા લાગ્યો. હે માત! આપ ચિંતા ન કરો. મને પણ આજ ચિંતા સતાવી રહી છે. રાજદરબારમાં રાજયને લગતાં કાર્યોમાં આ રાજાના વિચારો વાણી વર્તન વ્યવહાર બધાં જ જુદાં પડ્યા છે. તેથી મને પણ શંકા છે કે આ નકલી રાજા છે. પણ તે માત! તમે ધર્ય” ધારણ કરો. થોડા દિવસમાં જ સાચીવાતને પ્રગટ કરીશ. આ રીતે રાણી સાથે વાતો કરી મંત્રીશ્વર પોતાના આવાસે પાછો આવ્યો. પોતાને જે વાતની શંકા હતી તેમાં વળી રાણીની પણ શંકા ભળી. હવે મતિમહેર મંત્રીશ્વરને ચિંતા થઈ. સાચો રાજા શોધવો પડશે. આ રાજાએ આ રાજતંત્ર ચાલશે નહિ. વિચારોમાં ચડી ગયો. શું કરવું? ઉપાય મળતો નથી. બુદ્ધિશાળી પ્રધાન પણ ઘડીક વિચારોના વમળોમાં અટવાઈ ગયો. કંઈક રસ્તો શોધવો જ પડશે. વળી ઉપરની વાત વિચારતાં જ સવારે રાજદરબારે પહોંચી ગયો. રાજસભામાં રાજા પણ આવ્યા. યથાવત્ રાજનું કામ ચાલુ થયું. મંત્રીશ્વર રાજાની સાથે બેઠા છે. વાતનો દોર
(મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)