________________
પ્રવહણોના સઢને હંકારે છે. પવન પણ અનુકૂળ હોવાને કારણે ચાલી રહેલા સઘળાયે વહાણો તો ક્ષણ વારે તો યોજનના યોજન કાપવા લાગ્યા. વહાણો એટલી બધી ઝડપે ચાલી જાય છે કે જેની ગતિ માપી શકાતી નથી. સમુદ્રમાં મોટા મોટા મગરો, મોટાં મોટાં માછલાંઓ, સુસુમાર જાતિના વળી નાનાં નાનાં માછલાંઓ એકબીજા પર ઝઝુમતાં- દોડતાં દેખાય છે. વહાણમાં બેઠેલા સૌ લોકો આ સમુદ્રના દ્રશ્યને જોયા કરે છે.
અમર-કુંવરી જે વહાણના ઝરુખે બેઠા છે તે ઝરુખેથી દંપતી પણ આ સમુદ્રની લીલાને કૌતુકથી જુએ છે અને આશ્ચર્ય પામે છે. એકબીજાને દ્રશ્યો બતાવતાં- વળી કેટલાક દિવસો વીતી ગયા. ને માઇલોના માઇલો, જોજનના જોજન દૂર પહોંચી ગયેલા વહાણોને હવે સિંહલદ્વીપ જવાને અતિ વેગથી ખલાસીઓ ચલાવી રહ્યા છે. પણ સિંહલદ્વીપ તો ઘણો જ દૂર છે. જતાં એવા સમુદ્ર માર્ગે નિર્જન યક્ષદ્વીપ આવી રહ્યો છે.
અવારનવાર આ માર્ગે જતાં ખલાસીઓ-પંજરી લોકોએ વહાણમાં રહેલાને સમાચાર આપ્યા. સૌ સાવધાન થઇ જાઓ. તમે સૌ અકળાઇ ગયા છો. થોડા સમયમાં જ જમીન દેખાશે. દ્વીપ દેખાશે. હરિયાળી દેખાશે. સૌએ ત્યાં ઉતરવાનું છે. પોતપોતાના વહાણમાં ખૂટતા મીઠાં પાણી અને રસોઇ માટે જોઇતા ઇંધણ લઇ લેવાના છે. સૌ કિનારાની રાહ જોતા આનંદ કિલ્લોલ કરી રહ્યા છે. ત્યાં તો કિનારો દેખાયો. અમર અને સુંદરી પણ કિનારો જોતાં ઘણાં જ આનંદ પામ્યા. દરિયાની અંદર વહાણ સિવાય કંઇ જ દેખાતું નહોતું. કિનારો જોતાં સૌ હર્ષિત થયા. જોતજોતામાં જેની રાહ જોતાં હતાં તે યક્ષદ્વીપ આવી ગયો. ક્રમસર વહાણોએ પોતાના લાંગર નાખ્યા, સઢ સંકેલી લીધા. વહાણોના ચલાવનાર સૌથી મોટો નિયામક અમર અને સુરસુંદરીને કહેવા લાગ્યો, હે પ્રભુ! અમે આ દ્વીપે દિવસના જ આવીએ છીએ. ઇંધણ ને પાણી પૂરતું જ રોકાઇએ છીએ ને તરત જ રવાના થઇ જઇએ છીએ. માટે સૌ કિનારે ઉતરો ને સૌ પોતાના ઇંધણ પાણી લઇ લેજો. બને તેટલું જલદી કામ કરવાનું છે. હે નાના શેઠ! આપ સાંભળો! અમે રાત્રિને વિષે અહીં આવતા નથી. રહીએ તો ઘણું દુઃખ પામીએ. આ દ્વીપ હરિયાળી હોવાથી રળિયામણો લાગે છે. હવામાન ઠંડુ, કુદરત પણ એવી સરસ ખીલે છે. ન રહેવું હોય તો પણ રહેવાનું મન થઇ જાય. પણ હે સ્વામિ! આ દ્વીપનો માલિક અધિપતિ એક પાપી એવો યક્ષ અહીં વસવાટ કરે છે. આ યક્ષ રાત રહેનારને મારી નાખે છે. માટે ઇંધણ પાણી અર્થે આવેલા આપણે સૌ કોઇ એ લીધા પછી તરત રવાના થઇ જવું પડશે. બધાને સૂચનાઓ અપાઇ ગઇ. કિનારે સૌ ઉતરવા લાગ્યા. એમ આ મહાસતી સુરસુંદરીના રાસના બીજા ખંડની ત્રીજી ઢાળે, સૌ વી૨ થઇને વિજય પામવા માટે કવિએ વાત કરીને ઢાળની સમાપ્તિ કરી.
ત્રીજી ઢાળ સમાપ્ત
૬૦
★
મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ