________________
આ દક્ષિણ ભરતના મધ્યખંડમાં, પૃથ્વીરૂપી સ્ત્રીના ભાલ સમો અંગ નામનો દેશ છે. તે દેશના મધ્યભાગમાં ચંપા નામની નગરી છે. દેશની સઘળી નગરીઓમાં આ નગરી પ્રધાન પણે રાજે છે. લંકાનગરી અને અલકાનગરીએ પણ
આ નગરીથી લજ્જા પામી સમુદ્રમાં ઝંપાપાત કર્યો. ચંપાપુરી ચોરાશી ચૌટાવાળી છે. ઉત્તમ જનો તેમાં વસેલા છે. નગરીના લોકો ઘણા સુખી છે. સુપાત્રદાન આદિ દાન દેવામાં ઉત્સાહ આનંદવાળા છે. કહેવાય છે કે કુબર અઢળક ધનનો સ્વામી અને મેરુપર્વત સુવર્ણમય હોવા છતાં તે બન્ને કઠણ અને કંજુસ છે. જ્યારે આ નગરીમાં વસનારા લોકોમાં જરા પણ કંજુસાઇ નથી. ઉદાર દિલના છે. નિર્ધનોના આધારભૂત નગરમાં મોટી મોટી દાનશાળાઓ પણ ઘણી રહેલી
છે.
વ્યાપારીઓ ધનવાન છે. સ્ત્રીઓ અનુપમ અને શીલવતી છે. મગધદેશના અધિપતિ શ્રેણિકના પુત્ર કાણિકે પિતૃ સ્મૃતિથી મગધમાં વ્યથા વધી જતાં રાજગૃહી રાજધાનીને બદલે ચંપાનગરીને રાજધાની બનાવી હતી. જે ચંપાનગરીમાં આપણા બારમા તીર્થંકર શ્રી વાસુપૂજ્ય સ્વામીના પાંચ કલ્યાણકો થયા હતા. જે ચંપાનગરીમાં પેલી સતી સુભદ્રાએ સતીત્વના પ્રભાવે નગરીના દરવાજા ખોલ્યા હતા. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં આવતા સમુદ્રપાલ શ્રેષ્ઠિની કથા પણ આ નગરીમાં સંકળાયેલી છે. વળી નવપદના આરાધક શ્રીપાલ મહારાજા પણ આ નગરીના રાજા હતા.
મહાપુરુષોના પુણ્યથી પવિત્ર થયેલી આ ધરતી હતી. આ નગરીની પ્રજા ધર્મપ્રેમી હતી. તેમના વ્યવહારમાં હિંસાવાચી શબ્દ ‘‘માર’ પણ વપરાતો નહોતો. તે માર શબ્દ સોગટાબાજીની સોગટીમાં જઇ વસ્યો હતો. તેથી આ નગરીમાં પાપનો પ્રવેશ થતો નહતો. નગરની પ્રજાને રાજા તરફથી કોઇપ્રકારનું બંધન ન હતું. તેથી બંધને સ્ત્રીઓનાં ચોટલામાં વાસ કર્યો હતો. પ્રજા ગુણવાન વિનયશીલ હતી. તે કા૨ણે રાજા તરફથી દંડ (સજા) પણ નહોતો. દેવાલયોના શિખરે દંડ શોભતો હતો.
વળી આ નગરીની નારીઓ નદીની જેમ નિર્મળ અને પવિત્ર જીવન જીવતી હતી. અર્થાત્ શીલ સદાચારને ધા૨ણ કરે છે. નાપિત માણસો પણ ઘણા નિપુણ હતા. પગનું માલિશ કરનારાથી લઇને બધી જાતિના માણસો વસતા હતા. ઉત્તમ જાતિનાં હાથીઓ રાજદરબારે ઝુલતા હતા. નગર નારીઓ નિર્ભયપણે આવાગમન કરતા પગમાં રહેલા ઝાંઝરના ઝણકારે નગરી ને શેરીઓ ગલીઓ સાક્ષાત્ ગીતો ગાય છે એવી દીસતી હતી. નગરને ફરતા નાળિયેરીના વૃક્ષો નગરની શોભામાં વધારો કરતા હતા.
આ નગરીનો “રિપુમર્દન'' રાજા ન્યાય, સત્ય, ચારિત્ર્યના સુવાસથી મહેંકતા જીવનવાળો હતો. રાજા ત્રણ પ્રકારના હોય. એક રાજા પ્રજાના દિલ ઉપર બેસી રાજ્ય કરે, બીજો પ્રજાના દિલમાં ધાક બેસાડી રાજ્ય કરે, ત્રીજો પ્રજાની મિલ્કત પર લોભ દૃષ્ટિથી રાજ્ય કરે. જ્યારે ચંપાનગરીનો રાજા પ્રથમ કક્ષાનો હતો. સાથે સાથે મહાપરાક્રમી પણ હતો. અસિના બળ વડે કરીને પૃથ્વી પર સંપૂર્ણ પણે પોતાની આણ વર્તાવતો હતો. તેની ઉદારતા, બલિષ્ટતા, અહિંસા આદિ ગુણોથી શ્રાવકના વ્રતોથી યુક્ત હતો. પ્રજાપાલકતા હોવાથી પ્રજાપ્રિય હતો. ભારત વર્ષના સર્વરાજાઓમાં ટોચના સ્થાને હતો.
સોનામાં સુગંધ સમાન આ નરેશની પટ્ટરાણી “તિ સુંદરી'' રહેલી છે. ઇન્દ્રાણીના રુપને હરાવે તેવું અધિકતર રુપ હતું. વળી ગુણવાન, શીલવાન, સહધર્મચારિણી, પતિવ્રતા આદિ ગુણોથી શોભતી હતી. રાજા જૈન ધર્મનો ઉપાસક હતો. તો રાણી પણ પરમાત્મા શાસનને પામેલી વ્રતધારી શુદ્ધ શ્રાવિકા હતી. રાજા અને રાણીનો સંસાર સુખમાં ચાલ્યો જાય છે. સંસારિક સુખોને ભોગવતાં અને ધર્મને પણ સાધતા હતા.
(મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ
८