________________
જૈન શાસનના ચમકતા સિતારા : ૧૯
તેમને વંદન કરવા લાગ્યો. ગુરુદેવ રોજ થોડો થોડો ઉપદેશ આપી જૈન ધર્મ તેને સમજાવતા ગયા. રોજ નિયત સમયે નરવીરને બહાર જતો જોઈ એકદા શેઠે તેને પૂછ્યું, “તું રોજ ક્યાં જાય છે?” નરવીરે વિવેકપૂર્વક જણાવ્યું, હું મારા પરમ ઉપકારી ગુરુદેવ યશોભદ્રસૂરિ પાસે જાઉ ; તેમનું વ્યાખ્યાન મને ખૂબ ગમે છે. આ સાંભળી ઓઢર શેઠને ખૂબ આનંદ થયો અને જણાવ્યું, હું પણ તારી સાથે તારા ગુરુનો ઉપદેશ સાંભળવા આવીશ.”
નરવીર અને ઓઢર શેઠ દરરોજ યશોભદ્રસૂરિ પાસે જવા લાગ્યા. રોજનો ક્રમ થઈ ગયો. ઓઢરે શ્રાવકનાં બાર વ્રત ગ્રહણ કર્યા, અને સૂરિ દેવની પ્રેરણાથી એક ભવ્ય જિનમંદિર બંધાવ્યું. શ્રીમહાવીર સ્વામીની સુંદર મૂર્તિની ભવ્ય મહોત્સવપૂર્વક પ્રતિષ્ઠા કરાવી.
ઓઢર શેઠના ખૂબ જ આગ્રહને લીધે યશોભદ્રસૂરિએ ચોમાસું એકશિલામાં કરવાનો નિર્ણય કર્યો. ચોમાસા દરમિયાન શેઠ અને નરવીરે ઘણી આરાધના કરી, અને નિત્ય ગુરુદેવનું વ્યાખ્યાન શ્રવણ કરે છે. પર્યુષણ પર્વ આવતાં ગુરુદેવના ઉપદેશ મુજબ તપ-જપ કરે છે. સંવત્સરીનો ઉપવાસ ઘરના દરેક સાથે નરવીર પણ કરે છે. તે પૂજા કરવા શેઠ સાથે જાય છે. શેઠ પોતાની સામગ્રી વાપરે છે. નરવીર પોતાની બચાવેલ ૫ કોરીથી ફૂલ ખરીદી ભગવાનને હર્ષોલ્લાસથી ચડાવે છે. પોતાની બચાવેલ મૂડીનો આવો સદુપયોગ થયો જાણી પોતાને મહાભાગ્યશાળી સમજે છે. સંવત્સરીનો ઉપવાસ કરી બીજા દિવસે ઘરના બધા સાથે બેસી પારણું કરે છે. નરવીરને ઘરના બધા જ લોકો “સાધર્મિક ભાઈ માનીને આગ્રહથી પારણું કરાવે છે. સાંજે નરવીરના શરીરમાં પીડા ઊભી થાય છે. પીડા વખત જતાં વધતી જાય છે. શેઠ નરવીરને અંતિમ આરાધના કરાવે છે, અને નરવીર નવકાર સાંભળતાં સાંભળતાં સમતાભાવે અવસાન પામે છે. મરીને ત્રિભુવનપાળના પુત્ર તરીકે જન્મ લે છે. એ જ પુણ્યશાળી રાજા કુમારપાળ, જે સિદ્ધરાજ પછી પાટણનો રાજા બને છે. આ છે કુમારપાળનો પૂર્વ ભવ. ઓઢર શેઠ પણ કાળે કરી મૃત્યુ પામી પાટણ રાજ્યના ઉદયન મંત્રી બને છે અને યશોભદ્રસૂરિનો જીવ કાળે કરી પાહિનીની કુખે ચંગદેવ તરીકે જન્મ લે છે. ચંગદેવ મોટો થતાં દેવચંદ્ર મુનિ પાસે દીક્ષા લઈ સોમચંદ્ર મુનિ બને છે અને વખત જતાં ગુરુદેવે તેમને આચાર્ય પદવી આપી તે જ આચાર્યશ્રી હેમચન્દ્રસૂરિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org