________________
ઉપોદઘાત
પરમ પૂજ્ય દાદાશ્રીના જીવનચરિત્ર શ્રેણીનો બીજો ભાગ એટલે કે જ્ઞાની પુરુષ ભાગ-૨, આ ગ્રંથમાં દાદાશ્રી એમના ધર્મપત્ની હીરાબા સાથે પરણ્યા ત્યારથી તે આખું જીવન સાથે વિતાવ્યું ને છેલ્લે હીરાબાનો દેહવિલય થયો ત્યાં સુધીના સર્વ પ્રસંગોને આવરી લેવામાં આવ્યા છે. પોતે આદર્શ ગૃહસ્થ જીવન જીવ્યા એમાં પણ ભૂલચૂક થયેલી. પ્રકૃતિ પ્રમાણે એડજસ્ટમેન્ટ લેવા પડેલા. તે કેવા એડજસ્ટમેન્ટ, કેવી પરિસ્થિતિમાં અને શું હેતુપૂર્વક પોતે હીરાબાની સાથે લીધેલા, તે વિગતો એમના જ શ્રીમુખે ખુલ્લી થયેલી છે, તે અત્રે ગ્રંથમાં સંકલિત થઈ છે. ખરેખર એમનું જીવન ચરિત્ર જાણવા જેવું છે અને પોતે સમજણપૂર્વક સામી વ્યક્તિને-વાઈફને જુદી જુદી પરિસ્થિતિમાં એડજસ્ટ થયા, તે સમજણ આપણા જીવનમાં ઉતારવા જેવી છે.
[૧] દાદા - હીરાબાના લગ્ન
[૧.૧] પરણતી વેળાએ લોકો સત્સંગમાં એમને બધું પૂછતા, તેમાં આધ્યાત્મિક-ધાર્મિક તેમજ વ્યવહારિક બાબતો પણ પૂછતા. એમને તો નિરાવરણ દશા, તે જેમ છે તેમ વૈજ્ઞાનિક ફોડ પાડી દેતા. લોકોએ તો એમના જીવનની અંગત વાતો પણ પૂછી છે. તે પણ એમણે અત્યંત સરળતાથી બધી જ વિગતો જેમ છે તેમ ખુલ્લી કરી દીધી છે.
એમના જીવનમાં નાનપણથી શું બન્યું તે જાણવાની લોકોને ઉત્સુકતા હોય જ ને એમને એ વાતો જણાવવામાં કશો સંકોચ પણ નહોતો. કારણ કે પોતે દેહની સાથે પાડોશીની જેમ રહેતા. પરાયા વ્યક્તિની વાતો જણાવતા હોય તેમ પોતાની બધી વાતો કહી નાખી છે.
એમના કુટુંબની વાત લોકોએ પૂછી, તો એમણે કહી દીધું કે મારે એક છોકરો ને એક છોકરી બે હતા પણ નાની ઉંમરમાં ગુજરી ગયેલા. બ્રધર-ફાધર-મધર પણ ઑફ થઈ ગયા હતા. હવે હું અને મારા વાઈફ હીરાબા અમે બે રહ્યા છીએ.
11