________________
લેવાની કળાઓ, બોધકળાઓ તેમજ એમની નિર્મોહી, મમતા રહિત, દુઃખના પ્રસંગોમાં ભોગવટા રહિત દશા અને છેવટની વીતરાગ દશા જાણવા ને માણવા મળશે.
સામાન્ય જીવન પ્રસંગોમાં અસામાન્ય રીતે જીવી જાણનાર આ મહાવિભૂતિની બહારના અલૌકિક વ્યવહાર સાથે અંદરની વીતરાગદશા આ હળાહળ કળિયુગમાં એમની જ પોતાની વાણીમાં શબ્દશઃ પ્રકાશિત થાય છે. તો ચાલો, એમના યશોગાન ગાઈ તેઓ જે રીતે આ સંસાર વ્યવહારમાં રહીને પણ સંપૂર્ણ મુક્ત દશા અનુભવી શક્યા, તે દશા તરફની પ્રગતિના પગરણ માંડીએ અને આ સંસાર સાગરમાંથી આ દીવાદાંડીનો આધાર લઈ છૂટી જઈએ એ જ હૃદયની પુનઃ પુનઃ પ્રાર્થના !
દાદાશ્રીને મહાત્માઓ એમના જીવન વિશે જુદા-જુદા સમયે જુદા-જુદા પ્રશ્નો પૂછતાં અને દાદાશ્રીએ એ સર્વે પ્રશ્નોના જવાબ જેમ છે તેમ એમના દર્શનમાં જોઈને આપ્યા છે. એ સર્વેનું સંકલન અત્રે કરવામાં આવ્યું છે. વાચકને દરેક ચેપ્ટર વાંચતા-વાંચતા કદાચ એવું લાગે કે એ જ વાત કે શબ્દોનું પુનરાવર્તન થયા કરે છે, પરંતુ દાદાશ્રીએ પોતાના જીવનપ્રસંગો જુદા જુદા સત્સંગોમાં વર્ણવ્યા છે અને દરેક વખતે નવા જ દૃષ્ટિકોણથી વાત રજૂ કરી છે. પરિણામે દાદાશ્રીની એક જ પ્રસંગને કેટલી બધી રીતે જોવાની દૃષ્ટિ હતી અને કેટલી બધી વિચારણા એક જ બાબત પર કરી શકતા હતા, તે જાણવા મળે છે. જે અનુભવની ચાવીઓ રૂપી એમની બોધકળા આપણને પણ આપણા જીવનપ્રસંગોમાં સહાયરૂપ બની રહેશે. આ સંકલનમાં જો ક્યાંક ક્ષતિ ભાસે તો એ સંકલનકર્તાની જ ક્ષતિ ગણી ક્ષમ્ય કરશો. દાદાશ્રીના જીવન પ્રસંગોની પાછળ સૂક્ષ્મ બોધ છૂપાયેલો છે અને એ બોધ પાછો આદેશાત્મક નહીં પણ ઉપદેશાત્મક છે. એ બોધને આપણે જેમ છે એમ સમજીને આત્મસાત કરવાનો પ્રયત્ન કરી કૃતાર્થ થઈએ.
પ્રસ્તુત ગ્રંથનું અધ્યયન આપણા વ્યવહારને આદર્શ બનાવી વિના અડચણે મોક્ષમાર્ગ પૂરો કરવામાં સહાયભૂત બની રહે એ જ અંતરની અભ્યર્થના.
- દીપક દેસાઈ
10