Book Title: Dravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૨૬
* ટૂંકસાર
ઃ શાખા - ૨ :
ગ્રંથકારશ્રી અહીં દ્રવ્ય અને ગુણ-પર્યાય વચ્ચે ભેદની સિદ્ધિ કરે છે.
દ્રવ્ય એ ગુણ-પર્યાયનો આધાર છે. જેમ પીળા રંગનો (= ગુણનો) અને હાર/વીંટીનો (= પર્યાયનો) આધાર સુવર્ણ (= પુદ્ગલદ્રવ્ય છે) તેમ કેવળજ્ઞાનાદિ ગુણનો અને સિદ્ધ પર્યાયનો આધાર આત્મા છે. દ્રવ્યના મૂળભૂત સ્વરૂપમાં ત્રણે કાળમાં ફેરફાર થતો નથી. (૨/૧)
ગુણો દ્રવ્યમાં કાયમ હોય છે. પરંતુ પર્યાયો બદલાતા રહે છે. દ્રવ્ય, ગુણ અને પર્યાય ત્રણેના લક્ષણ અલગ અલગ છે. માટે તે ત્રણે ભિન્ન કહેવાય. તથા તે ત્રણે એક સાથે જ રહે છે. માટે તેમાં અભેદ પણ કહેવાય. વળી, તે ત્રણમાં ઉત્પત્તિ, નાશ અને સ્વૈર્ય (= ધ્રુવતા) પણ રહે છે. (૨/૨)
આત્મા પોતાના જ્ઞાનાદિ ગુણથી અને મનુષ્યાદિ પર્યાયથી ભિન્ન છે. આમ દ્રવ્યમાં ગુણ અને પર્યાયનો ભેદ જાણીને કટુ પ્રસંગોની અસરથી જાતને વેગળી રાખવી. (૨/૩)
દ્રવ્ય (૧) ઊર્ધ્વતાસામાન્ય અને (૨) તિર્યક્સામાન્ય - એમ બે પ્રકારે છે. કપાલ, ઘડા, ઠીકરા... વગેરે અલગ અલગ રૂપે અલગ અલગ સમયે એક જ માટી જણાય છે. તેથી માટી ઊર્ધ્વતાસામાન્ય શક્તિસ્વરૂપ છે. માટી પરઊર્ધ્વતાસામાન્યસ્વરૂપ (= અધિકદેશવૃત્તિસ્વરૂપ) અને ઘડો અપર ઊર્ધ્વતાસામાન્યસ્વરૂપ (= ન્યૂનદેશવૃત્તિસ્વરૂપ) છે. આમ જીવમાં અને જડમાં તુલનાથી પડતા વિવિધ ભેદોને સમજી શકાય છે. તેવા પરિવર્તનશીલ સંયોગોમાં શુદ્ધ આત્માને નજરમાં રાખી રાગાદિથી બચવાનું છે. (૨/૪)
એક જ સમયે હાજર એવા તમામ ઘડામાં સમાનતાને જણાવનાર ઘટત્વ તિર્યસામાન્ય કહેવાય. તે જ રીતે સર્વ આત્મામાં ચિદાનંદસ્વરૂપની સમાનતા જાણી આપણે પરનિંદા વગેરે દોષોને છોડી ચિદાનંદમય નિર્દોષ નિજ સ્વરૂપને પ્રગટાવવાનું લક્ષ કેળવવું. (૨/૫)
દ્રવ્યમાં બે શક્તિ છે ઓઘશક્તિ અને સમુચિતશક્તિ. અચરમાવર્તકાળમાં ભવ્યાત્મામાં મોક્ષે જવાની ઓધશક્તિ અને ચરમ પુદ્ગલપરાવર્તકાળમાં સમુચિતશક્તિ હોય છે. તેથી જીવે પાપભીરુતા વગેરે કેળવી તે-તે શક્તિઓની ફળશ્રુતિસ્વરૂપ મોક્ષને મેળવવો. (૨/૬-૭-૮)
શક્તિઓના અનેક પ્રકારો વ્યવહારથી છે. નિશ્ચયથી વિવિધ કાર્યો એક જ શક્તિથી થાય છે. તેથી શુદ્ધનિશ્ચયના આધારે કર્મજન્ય વિવિધ અવસ્થા, ઘટનાઓને ગૌણ કરી આત્મસાધનામાં લીન થવું.(૨/૯) તથા ગુણોને શક્તિસ્વરૂપે સ્વતંત્ર ન માનવા. પરંતુ તેનો પર્યાયમાં સમાવેશ કરી લેવો. કારણ કે ગુણનું સ્વરૂપ પર્યાયથી ભિન્ન નથી. માટે જ આગમમાં દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક - એમ બે જ નય બતાવેલ છે. ‘ગુણાર્થિકનય’ જણાવેલ નથી. (૨/૧૦-૧૧-૧૨)
પર્યાયો દ્રવ્યમાંથી પ્રગટે છે, ગુણમાંથી નહિ. તેથી આપણામાં નરક, તિર્યંચ વગેરે જે પર્યાયો કે રાગ -દ્વેષાદિ પર્યાયાત્મક ગુણ પ્રગટે છે તેનું કારણ આપણે પોતે છીએ - એ ખ્યાલમાં રાખવું. (૨/૧૩)
આત્મદ્રવ્ય એક જ છે. પણ તેમાં કેવલજ્ઞાનાદિ ગુણો અને મનુષ્યત્વ આદિ પર્યાયો અનેક હોય છે. તે પર્યાયોનું જ્ઞાન ઈન્દ્રિયથી થાય છે. ગુણ-પર્યાય વચ્ચે ભેદ ઔપચારિક છે. (૨/૧૪-૧૫) દ્રવ્ય, ગુણ અને પર્યાયમાં સંજ્ઞા, સંખ્યા વગેરેની અપેક્ષાએ અનેકવિધ ભેદને જાણીને નિત્ય અને શુદ્ધ એવા આત્મદ્રવ્યને જીવનનું કેન્દ્ર બનાવવું. (૨/૧૬)