________________
તવારીખની તેજછાયા
સિદ્ધાંતમહોદધિ પૂ.આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજનો સુવિશાળ સાધુસમુદાય નજર સમક્ષ અંકિત થાય અને સિંહગર્જનાના સ્વામી, નીડર વક્તા પૂ. આ. શ્રી વિજયમુક્તિચંદ્રસૂરીશ્વરજી મહારાજની યાદ આવે ને આવે જ. એવા એ પૂ. આચાર્યદેવની પુણ્યસ્મૃતિ સાથે પડછાયાની જેમ સંકળાયેલું એક વ્યક્તિત્વ એટલે પૂ. આ. શ્રી વિજયજયકુંજરસૂરીશ્વરજી મહારાજ. અનેક વિશેષતાઓ ધરાવતા પૂજ્યશ્રીના જીવનની એક વિશેષતા તો વિરલાતિવિરલ વિશેષણ પામી જાય એવી છે. એ છે આજીવન અંતેવાસીત્વ. દીક્ષાગ્રહણથી માંડીને પૂજ્યશ્રીએ પૂ. ગુરુદેવનાં દેહદિલની સાથે પડછાયાની જેમ જ સંલગ્ન રહેવાની એવી ‘સેવાવૃત્તિ’ સ્વીકારી કે પૂ. ગુરુદેવશ્રીના સમાધિમૃત્યુની પળ સુધી એ સેવાવ્રત અખંડ જ રહ્યું!
પૂજ્યશ્રીનું સંસારી વતન તારંગાની તળેટીમાં વસેલું વાવ– સતલાણા પાસેનું કોઠાસણા ગામ. ધંધાર્થે પ્રારંભમાં ટાંકેદઘોટી (મહારાષ્ટ્ર) અને પછી વર્ષોથી નાસિકમાં સ્થિર થયેલા. પૂજ્યશ્રીનો જન્મ સં. ૧૯૭૧ના પોષ વદ ૧ના ટાંકેદ ગામે થયો. પિતાનું નામ મોતીચંદ. માતાનું નામ દિવાળીબહેન અને તેમનું જન્મનામ બાબુભાઈ હતું. નાસિક જૈનસંઘના અગ્રગણ્ય કાર્યકર સુધીના પદે પહોંચેલા શ્રી બાબુભાઈને કોઈ એવી પુણ્યપળે પૂ. શ્રી મુક્તિવિજયજી મહારાજનો ભેટો થયો કે, થોડા જ પરિચય પછી સંયમ સ્વીકારવાની ભાવનામાં રમતા એમણે અમુક મુદત સુધીમાં સંયમી ન બનાય તો છ વિગઈના ત્યાગની ભીષ્મ-પ્રતિજ્ઞા સ્વીકારી. થોડાં વર્ષોમાં આ મુદત પૂરી થતાં આશીર્વાદ લેવા તેઓશ્રી પૂ. આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજનાં ચરણોમાં જઈ પહોંચ્યા. મનના–મનોરથ વ્યક્ત કરીને આશીર્વાદની માંગ કરી, ત્યારે દીક્ષાના એ સિદ્ધહસ્ત દાનવીરે કહ્યું કે, “એકલા એકલા જ સંસારનો ત્યાગ કરવો છે? બે બાળકોને પણ સાથે લઈ લો. ભલે કદાચ થોડી દીક્ષા લંબાય, પણ બાળકોનું જીવન સુધરી જશે.” આ વચન બાબુભાઈનાં દિલમાં અસર કરી ગયું. એમણે પૂ. મુનિરાજ શ્રી મુક્તિવિજયજી મહારાજને બધી વાત કરી, અને થોડો સમય લંબાવીને બે બાળકો સાથે સંયમી બનવાનું નક્કી થયું. સગાવહાલાં આદિ સૌ સંમત હતાં, પણ બાબુભાઈ નાનાં બાળકો સાથે સંયમ સ્વીકારે એ ગામના અમુક વર્ગને ગમતું ન હતું. એથી અંતે સં. ૨૦૧૧ના વૈશાખ સુદ ૭ને દિવસે મુરબાડ પાસે નાનકડા ધસઈ ગામમાં ગુપ્ત રીતે શ્રી બાબુભાઈ પોતાનાં બે સંતાનો–પ્રકાશકુમાર (વય ઃ ૯) અને મહેન્દ્રકુમાર (વય : ૭) સાથે સંયમી બન્યા અને તેઓ અનુક્રમે મુનિરાજ શ્રી જયકુંજરવિજયજી, મુનિરાજ શ્રી પૂર્ણચંદ્રવિજયજી અને મુનિરાજ
Jain Education International
For Private
333
શ્રી મુક્તિપ્રભવિજયજીના નામે જાહેર થયા.
પૂજ્યશ્રીનું ‘શ્રી જયકુંજરવિજયજી' નામ પડ્યું તે પણ ખૂબ જ અન્વર્થ છે. બાબુભાઈ દીક્ષા લેવાના હતા તે પૂર્વે પૂજ્યશ્રીના ગુરુદેવશ્રીને રાત્રે સ્વપ્ન આવ્યું કે એક હાથી પોતાના બે મદનિયાંને લઈ પોતાની પાસે આવી રહ્યો છે અને સાચે જ સ્વપ્નમાં થયેલ સૂચન પ્રમાણે બાબુભાઈ પોતાનાં બે સંતાનો સાથે દીક્ષા લેવા પૂજ્યશ્રી પાસે આવ્યા. તેથી પૂજ્યશ્રીએ દીક્ષા સમયે બાબુભાઈનું નામ મુનિરાજ શ્રી જયકુંજરવિજયજી પાડ્યું. કુંજર એટલે હાથી અને જેને બધે વિજય મળવાનો એવો હાથી એટલે ‘જયકુંજર’. જયકુંજર-હાથીનું વિસ્તૃત વર્ણન ‘શ્રી ભગવતીસૂત્ર’માં આવે છે. સંયમી બન્યા બાદ શ્રી જયકુંજરવિજયજી મહારાજ જ્ઞાન-ધ્યાનની સાધનામાં આગળ વધવા સાથે એવા ગુરુસમર્પિત બની ગયા કે, પોતાનાં સંતાન-શિષ્યોના ઘડતરની તમામ જવાબદારી પૂ. ગુરુદેવને સોંપીને ગુરુસેવાને જીવનમંત્ર બનાવ્યો. સં. ૨૦૧૧થી સં. ૨૦૩૮ સુધી આ મંત્ર તેઓશ્રીએ જીવની જેમ જાળવી જાણ્યો, જેના પ્રતાપે આજે પૂજ્યશ્રીના એ બંને શિષ્યો એક સિદ્ધહસ્ત લેખક તરીકે અને એક કુશળ પ્રવચનકાર તરીકે પૂ. આચાર્ય શ્રી વિજયપૂર્ણચંદ્રસૂરિજી મહારાજ તથા પૂ. આચાર્ય શ્રી વિજયમુક્તિપ્રભસૂરિજી મહારાજ તરીકે ગુરુદેવ સાથે જ રહી શાસનપ્રભાવના કરી રહ્યા છે. સમર્થ લેખક અને પ્રભાવક પ્રવચનકાર તરીકે પોતાનાં બે સંતાનશિષ્યો તૈયાર થઈ ગયેલ હોવા છતાં આ રીતની ગુરુસમર્પિતતાની ભાવના જોઈ, મુનિરાજ શ્રી જયકુંજરવિજયજી મહારાજના વ્યક્તિત્વયોગ્યતાથી પ્રેરાઈને, પૂ. ગુરુદેવના કાળધર્મ પછી, પૂ. દાદાગુરુદેવશ્રીએ, તેઓશ્રીને સં. ૨૦૪૧ના ફાગણ સુદ ૩ના પાલિતાણામાં ગણિ પદથી અને સં. ૨૦૪૪ના ફાગણ વદ ૪ના મુંબઈ, શ્રીપાલનગરમાં પંન્યાસ પદથી વિભૂષિત કર્યા. પ્રસન્ન વદન, સરળતા, સાદગી, ગુરુસમર્પણભાવ, અનેરું વાત્સલ્ય, અપૂર્વ સ્વાધ્યાયરસિકતા, નિરભિમાનીતા, નિઃસ્પૃહતા, ક્રિયારુચિ આદિ અનેકાનેક ગુણોથી હર્યુંભર્યું આદર્શ જીવન ધરાવતા પૂજ્ય પંન્યાસપ્રવરશ્રી પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજની આજ્ઞા-આશિષપૂર્વક સં. ૨૦૪૬ના ફાગણ વદ ૧૧ના દિવસે મુંબઈ-ભૂલેશ્વર-લાલબાગમાં આચાર્યપદે અભિષિક્ત થતાં આચાર્યશ્રી વિજયજયકુંજરસૂરીશ્વરજી મહારાજ નામે પ્રસિદ્ધ થયા: એવા સમર્થ શાસનપ્રભાવક સૂરિવરનાં ચરણે કોટિશઃ વંદના!
Personal Use Only
સૌજન્ય : શ્રી સંયમ સુવર્ણોત્સવ સમિતિ પાવાપુરી સમવસરણ-મંદિર તીર્થ
www.jainelibrary.org