________________
શ્રીમદ્ રાજચંદ્ર
૧ ૮
૧૬ ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાનીપુરુષનાં ચરણારવિંદ, તે પ્રત્યે અચળ પ્રેમ થયા વિના અને સમ્યફપ્રતીતિ આવ્યા વિના સસ્વરૂપની પ્રાપ્તિ થતી નથી, અને આબેથી અવશ્ય તે મુમુક્ષુ જેનાં ચરણારવિંદ તેણે સેવ્યાં છે, તેની દશાને પામે છે. આ માર્ગ સર્વ જ્ઞાનીઓએ સેવ્યો છે, સેવે છે, અને સેવશે. જ્ઞાનપ્રાપ્તિ એથી અમને થઈ હતી, વર્તમાને એ જ માર્ગથી થાય છે અને અનાગત કાળે પણ જ્ઞાનપ્રાપ્તિનો એ જ માર્ગ છે. સર્વ શાસ્ત્રોનો બોધ લક્ષ જોવા જતાં એ જ છે. અને જે કોઈ પણ પ્રાણી છૂટવા ઇચ્છે છે તેણે અખંડ વૃત્તિથી એ જ માર્ગને આરાધવો. એ માર્ગ આરાધ્યા વિના જીવે અનાદિકાળથી પરિભ્રમણ કર્યું છે. જ્યાં સુધી જીવને સ્વચ્છેદરૂપી અંધત્વ છે, ત્યાં સુધી એ માર્ગનું દર્શન થતું નથી. (અંધત્વ ટળવા માટે) જીવે એ માર્ગનો વિચાર કરવો; દઢ મોક્ષેચ્છા કરવી; એ વિચારમાં અપ્રમત્ત રહેવું, તો માર્ગની પ્રાપ્તિ થઈ અંધત્વ ટળે છે, એ નિઃશંક માનજો.