________________
૧૧૯
ઔષધ જે ભવરોગનાં
૧૧૮ શ્રી જિન આત્મપરિણામની સ્વસ્થતાને સમાધિ અને આત્મપરિણામની અસ્વસ્થતાને અસમાધિ કહે છે; તે અનુભવજ્ઞાને જોતાં પરમ સત્ય છે. અસ્વસ્થ કાર્યની પ્રવૃત્તિ કરવી, અને આત્મપરિણામ સ્વસ્થ રાખવાં એવી વિષમ પ્રવૃત્તિ શ્રી તીર્થકર જેવા જ્ઞાનીથી બનવી કઠણ કહી છે, તો પછી બીજા જીવને વિષે તે વાત સંભવિત કરવી કઠણ હોય એમાં આશ્ચર્ય નથી. કોઈ પણ પરપદાર્થને વિષે ઇચ્છાની પ્રવૃત્તિ છે, અને કોઈ પણ પરપદાર્થના વિયોગની ચિંતા છે, તેને શ્રી જિન આર્તધ્યાન કહે છે, તેમાં અંદેશો ઘટતો નથી. દઢ વૈરાગ્યવાનના ચિત્તને જે પ્રવૃત્તિ બાધ કરી શકે એવી છે, તે પ્રવૃત્તિ અદઢ વૈરાગ્યવાન જીવને કલ્યાણ સન્મુખ થવા ન દે એમાં આશ્ચર્ય નથી. જેટલી સંસારને વિષે સારપરિણતિ મનાય તેટલી આત્મજ્ઞાનની ન્યૂનતા શ્રી તીર્થકરે કહી છે.