________________
શ્રીમદ્ રાજચંદ્ર
૧૨૦
૧૧૯ શ્રી જિને જે આત્મઅનુભવ કર્યો છે, અને પદાર્થનાં સ્વરૂપ સાક્ષાત્કાર કરી જે નિરૂપણ કર્યું છે તે, સર્વ મુમુક્ષુ જીવે પરમકલ્યાણને અર્થે નિશ્ચય કરી વિચારવા યોગ્ય છે. જિને કહેલા સર્વ પદાર્થના ભાવો એક આત્મા પ્રગટ કરવાને અર્થે છે, અને મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ બેની ઘટે છે; એક આત્મજ્ઞાનીની અને એક આત્મજ્ઞાનીના આશ્રયવાનની, એમ શ્રી જિને કહ્યું છે. આત્મા સાંભળવો, વિચારવો, નિદિધ્યાસવો, અનુભવવો એવી એક વેદની શ્રુતિ છે; અર્થાતુ જો એક એ જ પ્રવૃત્તિ કરવામાં આવે તો જીવ તરી પાર પામે એવું લાગે છે. બાકી તો માત્ર કોઈ શ્રી તીર્થકર જેવા જ્ઞાની વિના, સર્વને આ પ્રવૃત્તિ કરતાં કલ્યાણનો વિચાર કરવો અને નિશ્ચય થવો તથા આત્મસ્વસ્થતા થવી દુર્લભ છે.